Kutch News: ગુજરાતમાં ઓછા વરસાદથી સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલક પરિવારો પર દેખાઈ રહી છે. કચ્છ(Kutch)ના લખપત અને અબડાસા તાલુકામાં ઘાસચારાની ભારે અછત સર્જાતાં 100થી વધુ માલધારી પરિવારો 800થી વધુ પશુઓ સાથે વતન છોડી હિજરત કરવા મજબૂર બન્યા છે. આ પરિવારો પગપાળા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામે પહોંચ્યા છે અને હાઇવે નજીક ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને રહે છે. દિવાળીના તહેવારમાં લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા છે, ત્યારે પશુધનને બચાવવા માલધારીઓને ઘરબાર છોડવાની નોબત આવી છે.
Kutchમાં ઘાસચારાની અછત, ઓગસ્ટથી જ હિજરત શરૂ
લખપત તાલુકામાં આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ ન પડતાં ઘાસચારા અને પાણીની ગંભીર અછત(Shortage of fodder and water) સર્જાઈ છે. ખાસ કરીને બેખડા, મિંઢિયારી સહિતનાં ગામોમાં પશુધનનો નિભાવ મુશ્કેલ બન્યો છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં વરસાદ ન પડતાં ત્રણ મહિના સુધી ઘેટાં-બકરાંને આડાઅવળાં ચરાવીને જેમતેમ નિભાવ કર્યો હતો.
હવે આસપાસ પણ પૂરતો ચારો ન મળતાં હિજરત કરવી પડી છે. કેટલાક માલધારીઓએ ઓગસ્ટથી જ વતન છોડવાનું શરૂ કર્યું હતું. દરરોજ સાતથી આઠ ગાડીઓમાં પશુઓ ભરીને માલધારીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આશરો શોધવા નીકળી રહ્યા છે.
તંબુમાં મુશ્કેલીઓ: બાળકોનું ભણતર છૂટ્યું, મહિલાઓ પરેશાન
હિજરતના કારણે બાળકોનું શિક્ષણ છૂટી ગયું છે. તંબુમાં વીજળી અને પંખાની સુવિધા ન હોવાથી મહિલાઓને રાત્રે અંધારામાં અને બપોરે આકરા તડકામાં રસોઈ બનાવવી પડે છે. કચ્છમાં મચ્છર ઓછા હોવાથી ટેવાયેલા બાળકો માલવણમાં માળિયા બ્રાન્ચ કેનાલના કારણે વધેલા મચ્છરોથી ત્રાસી ગયા છે. રાત્રે ઊંઘ ન આવતી હોવાથી અને કેટલાક સભ્યો બીમાર પડ્યા હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે.
સપ્ટેમ્બરમાં વરસાદથી તંબુઓ પાસે પાણી ભરાતાં પરિવારોને નજીકની હોટલના પાર્કિંગમાં આશરો લેવો પડ્યો હતો. કેનાલમાંથી પાણી મળી રહે છે, પરંતુ પાણી ભરતી વખતે લપસી પડવાનો ભય મહિલાઓને સતાવે છે.
રાહતના ભાવે ઘાસચારો મળે તો હિજરત અટકી શકે
માલધારીઓ કહે છે કે પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અમુક અંશે છે, પણ સૌથી મોટો પ્રશ્ન ઘાસચારાનો છે. માલધારીઓએ જણાવ્યું કે પશુઓને પાણી મળે છે, પરંતુ ખાવા માટે પૂરતો ચારો નથી, તેથી પરિવાર અને બાળકો સાથે દૂર જવું પડ્યું છે. સરકાર રાહતના ભાવે ઘાસચારો આપે તો વતન છોડવાની ફરજ ન પડે.
માલધારીઓની મુખ્ય માંગણીઓ છે કે, પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને આર્થિક રીતે નબળા પશુપાલકોને યોગ્ય ધિરાણ આપવામાં આવે.
માલવણના લોકોએ આપ્યો આશરો
રણકાંઠાના સુકાભઠ્ઠ વિસ્તાર તરીકે ઓળખાતા માલવણ ગામના સ્થાનિકોએ કચ્છી માલધારી પરિવારોને મીઠો આવકાર આપ્યો છે. હાઇવે નજીકની ખાલી જગ્યામાં તેમને રહેવાની જગ્યા મળી છે. જોકે ખુલ્લામાં તંબુ બાંધીને રહેવાથી વીજળી, પંખા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.
આગામી ચોમાસાની આશા
પરંપરા મુજબ, ચોમાસામાં સારો વરસાદ થાય ત્યારે માલધારીઓ પશુધન સાથે વતન પરત ફરી આશરે ચાર મહિના રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆતમાં ઘાસચારા અને પાણી માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાં હિજરત(Migration) કરે છે. આ વર્ષે ઓછા વરસાદથી અછત સર્જાતાં તેમણે દિવાળી પહેલાં જ વતન છોડવું પડ્યું છે. હવે તેઓ આગામી ચોમાસું સારું જાય અને હેમખેમ ઘરે પરત ફરી શકાય તેવી પ્રાર્થના કરે છે.
સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા
અપૂરતા વરસાદને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 મુજબ પ્રક્રિયા હાથ ધરી હતી. ઉચ્ચસ્તરીય બેઠકો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ચાલુ વર્ષે રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો હોવા છતાં આ ચાર જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક રહી હતી.
વરસાદની અછતથી ખેતીની સાથે પશુપાલન વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે.
આ પણ વાંચો:કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે પશુપાલકોને મોટી રાહત, રાહત દરે 13.55 લાખ કિલો ઘાસનું વિતરણ
આ પણ વાંચો:માંગરોળમાં દોઢ મહિનાથી મેઘરાજા ગાયબ! નાની ચોટલી વિરડીમાં ખેતી સુકાઈ, પશુપાલકો ઘાસચારા માટે પરેશાન
આ પણ વાંચો:ભાવનગરના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક! ટોડી ગામે પશુપાલક પર હુમલો
