Gir Somnath News: સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં નોનવેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ (Somnath Non Veg Ban) મામલે હાલની સ્થિતિ યથાવત રહેશે. આ કેસમાં નોનવેજ રેસ્ટોરન્ટના છ માલિકોએ ગુજરાત હાઇકોર્ટના સ્ટેને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્ટે અંગે કોઈ હુકમ કર્યો નથી અને હાઇકોર્ટને બે મહિનામાં અપીલનો ઝડપી નિકાલ કરવા નિર્દેશ આપ્યો છે. પરિણામે હાઇકોર્ટ દ્વારા અપાયેલો સ્ટે હાલ યથાવત રહેશે.
Somnath Non Veg Ban: હાઇકોર્ટના સિંગલ જજનો હુકમ અને સરકારની અપીલ
સોમનાથ મંદિર આસપાસના ચોક્કસ વિસ્તારોમાં નોનવેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે 10 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાને છ નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યું હતું.
મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના સિંગલ જજે 10 ઓગસ્ટના જાહેરનામાને રદ કર્યું હતું. જોકે, રાજ્ય સરકારે આ હુકમ સામે તાત્કાલિક અપીલ કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જાહેરનામા અંગે સ્ટે આપ્યો હતો. આ સ્ટેને રેસ્ટોરન્ટ માલિકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટનો બે મહિનામાં અપીલ પતાવવાનો નિર્દેશ
અરજદારોના વકીલ અસરાર મન્સૂરીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ અપીલનો બે મહિનામાં ઝડપી નિકાલ કરવા નિર્દેશ આપ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના (Gujarat High Court) સ્ટે અંગે કોઈ હુકમ કર્યો નથી. તેથી સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પરનો પ્રતિબંધ (Non Veg Sale Ban Gujarat) હાલ અમલમાં રહેશે.
રેસ્ટોરન્ટ માલિકો પાસે કબૂલાતનામા પર સહી કરાવવાનો મુદ્દો પણ ઉઠ્યો
અરજદારોના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરે હાઇકોર્ટમાં આ કેસની પ્રથમ સુનાવણી થઈ હતી. તે જ દિવસે મામલતદારે છ અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી હતી. તેમાં ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચવા અને માત્ર શાકાહારી વસ્તુઓનો જ વેપાર કરવાની બાંહેધરી લેવામાં આવી હોવાનો અરજદારોનો દાવો છે.
આ મુદ્દે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ મામલતદારે રેસ્ટોરન્ટ માલિકો પાસે આવી સહીઓ શા માટે કરાવી હતી. હવે આ કેસની આગળની સુનાવણીમાં હાઇકોર્ટનો અંતિમ નિર્ણય મહત્ત્વનો રહેશે.
આ પણ વાંચો: મંદિર આસપાસ નોનવેજ વેચાણ પરનો પ્રતિબંધ હાઈકોર્ટે કર્યો રદ
આ પણ વાંચો: પાટણમાં કાળી ચૌદસની અનોખી પરંપરા: કાલિકા પુરાણના 1008 નામ સાથે થશે સામૂહિક અર્ચના
આ પણ વાંચો: 5 હજાર વર્ષ જૂની માન્યતા સાથે જોડાયેલું ધન્વંતરી આશ્રમ, જાણો મોટી ધણેજનો ઇતિહાસ
