Surat News: દિવાળી અને છઠ પૂજાના (Chhath Puja Special Trains) તહેવારોને પગલે સુરતથી બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા (Surat Passenger Rush) મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) પર શુક્રવારથી જ હજારો મુસાફરો ઉમટી પડતાં હોલ્ડિંગ એરિયામાં પણ જગ્યા ઓછી પડી ગઈ હતી. સ્થિતિને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા સતત વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. રેલવેના જણાવ્યા મુજબ, શનિવાર અને રવિવાર દરમિયાન અંદાજે 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભીડે 2025ના અગાઉના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
Surat Passenger Rush: બે દિવસમાં 60 હજાર મુસાફરોને વતન મોકલાયા
પશ્ચિમ રેલવેના DRM પંકજ સિંહે જણાવ્યું હતું કે દિવાળીના કારણે શુક્રવારથી જ મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. પગાર મળવા અને શાળાઓમાં વેકેશન શરૂ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો એકસાથે વતન જવા નીકળ્યા હતા. શુક્રવારે નિયમિત ટ્રેનો ઉપરાંત 6થી 7 સ્પેશિયલ ટ્રેનો દોડાવી અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ શનિવાર અને રવિવાર દરમિયાન લગભગ 15 હજાર મુસાફરો નોંધાતા હતા. ત્યારબાદ આ આંકડો વધીને 25 હજાર અને ગયા વર્ષે 35 હજાર સુધી પહોંચ્યો હતો. જોકે, આ વર્ષે માત્ર બે દિવસમાં જ અંદાજે 50થી 60 હજાર મુસાફરોને રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુસાફરોને મોકલવા દર બે કલાકે સ્પેશિયલ ટ્રેન
ઉધના સ્ટેશન પર મુસાફરો લાંબો સમય અટવાઈ ન રહે તે માટે રેલવે દ્વારા સતત ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. શનિવારે વહેલી સવારથી જ તબક્કાવાર સ્પેશિયલ અને નિયમિત ટ્રેનો દોડાવવામાં આવી હતી. સવારે 5:30, 8:30 અને 10:10 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ સહિતની ટ્રેનોનું સંચાલન કરાયું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન અને રાત્રે પણ વધારાની ટ્રેનો દોડાવવામાં આવી હતી.
રાત્રિના સમયે ભીડ વધતાં રાત્રે 10 વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી પણ ટ્રેનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. અંત્યોદય એક્સપ્રેસ, તાપ્તી ગંગા એક્સપ્રેસ અને જયનગર સ્પેશિયલ સહિતની ટ્રેનો દ્વારા મુસાફરોને વતન મોકલવામાં આવ્યા હતા.
15 કલાકમાં 12 ટ્રેનોનું સંચાલન, 43 હજારથી વધુ મુસાફરોની અવરજવર
રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, 7 અને 8 નવેમ્બર દરમિયાન માત્ર 15 કલાકના ગાળામાં કુલ 12 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમાં 9 સ્પેશિયલ અને 3 નિયમિત ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો દ્વારા અંદાજે 43,500થી 43,800 મુસાફરોની અવરજવરનું સંચાલન કરાયું હતું.
જયનગર, મધુબની, કાનપુર અને બ્રહ્મપુર જેવા ઉત્તર તથા પૂર્વ ભારતના મુખ્ય રૂટ પર જતી ટ્રેનોમાં ભારે ભીડ હતી. તેમ છતાં પ્લેટફોર્મ નંબર 6 સહિત અન્ય પ્લેટફોર્મ પર યોગ્ય સંકલન અને આયોજન કરીને ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
15 હજાર ચોરસ મીટરમાં ત્રણ યાત્રી સુવિધા કેન્દ્રો તૈયાર કરાયાં
મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા ઉધના સ્ટેશન પર ત્રણ વિશાળ યાત્રી સુવિધા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં હતાં. આ કેન્દ્રોમાં આશરે 6,500, 2,500 અને 3,500 ચોરસ મીટર વિસ્તારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 14થી 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ કેન્દ્રોમાં પીવાનું પાણી, વીજળી, પંખા, શૌચાલય, વધારાની ટિકિટ બારીઓ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ ઊભી કરાઈ હતી.
આ કેન્દ્રોને બફર ઝોન તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. મુસાફરોને પહેલાં આ કેન્દ્રોમાં બેસાડવામાં આવતા અને ટ્રેન આવતાં જ તેમને ક્રમબદ્ધ રીતે લાઇનમાં ઊભા રાખીને કોચ સુધી પહોંચાડવામાં આવતા હતા. આ વ્યવસ્થાથી પ્લેટફોર્મ પર ધક્કામુક્કી અને ભીડનું દબાણ ઘટાડવામાં મદદ મળી હતી.
મુસાફરોએ વ્યવસ્થાની પ્રશંસા કરી
બિહાર જઈ રહેલા મુસાફર મુન્ના કુમાર સિંહે જણાવ્યું હતું કે જયનગર સ્પેશિયલ ટ્રેન (Diwali Special Trains) શરૂ કરવાનો નિર્ણય સારો રહ્યો છે. મોટી સંખ્યામાં મુસાફરો હોવા છતાં રેલવે કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો અને તેમને ધક્કામુક્કી વિના લાઇનમાં ટ્રેનના કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
અંત્યોદય એક્સપ્રેસથી પરિવાર સાથે જઈ રહેલાં મહિલા મુસાફર નીલમ દેવીએ જણાવ્યું હતું કે થોડીવાર લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું, પરંતુ વેટિંગ એરિયામાં પંખા અને પાણીની સારી વ્યવસ્થા હતી. રેલવે પ્રશાસનની હાજરીને કારણે નાસભાગ જેવો માહોલ સર્જાયો નહોતો અને પરિવારને ટ્રેનમાં બેસવાની જગ્યા મળી ગઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે ખંડણી માંગનાર જીમ ટ્રેનર ઝડપાયો
આ પણ વાંચો: ઉદયપુર-સુરત Vande Bharat 3 ઓક્ટોબરથી નવી ટ્રેન શરૂ!
