Karnataka News : કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રવિવારે પેટ્રોલ(Petrol)માં નિયત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ઈથેનોલ ભેળવવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ ભેળસેળને કારણે હજારો વાહનોમાં વારંવાર એન્જિન બંધ થઈ જવા તેમજ માઈલેજ ઘટવા જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારે 67 સ્થળો પરથી પેટ્રોલના નમૂના એકત્ર કર્યા છે અને ફરિયાદો અંગે તપાસ શરૂ કરી દીધી છે.
Petrol પંપો પર સીધી ભેળસેળનો આક્ષેપ
શિવકુમાર(DK Shivakumar)એ જણાવ્યું કે વાહનોના એન્જિન વારંવાર બંધ થઈ રહ્યા છે અને માઈલેજ ઘટી ગયું છે. સરકારની તપાસનું આશરે 30% કામ પૂર્ણ થઈ ગયું છે અને સરકાર આ હકીકત છુપાવી શકે નહીં. કેન્દ્ર સરકારને તમામ સ્થળોની વિગતો મોકલી આપવામાં આવી છે અને સોમવારે રાજ્યના મંત્રી પત્રકાર પરિષદ યોજીને વિગતવાર આંકડા જાહેર કરશે. તેમના આરોપ મુજબ, વધારાની ભેળસેળ તેલ સપ્લાય દરમિયાન નહીં, પરંતુ સીધા પેટ્રોલ પંપો પર જ કરવામાં આવી રહી છે.
સસ્તું ઈથેનોલ અને નફાખોરીનું મોટું ષડયંત્ર
ડીકે શિવકુમારે કહ્યું કે આ ગેરરીતિ અંગે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે. ઈથેનોલ સસ્તું મળતું હોવાથી વધુ નફો કમાવવાના હેતુથી તેમાં નિયમ કરતાં વધુ ભેળસેળ કરવામાં આવી રહી છે. આ ખૂબ જ જોખમી બાબત છે અને સામાન્ય જનતાને જાગૃત કરવાની સાથે સુરક્ષિત રાખવી પણ જરૂરી છે.
20%ની મર્યાદા સામે 31.2% સુધી ઈથેનોલ મળવાનો દાવો
આ વિવાદ કર્ણાટક સરકાર અને જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચેના ઘર્ષણ વચ્ચે સામે આવ્યો છે. અગાઉ રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રિઝવાન અરશદે જણાવ્યું હતું કે બેંગલુરુ, કોલાર, ચિક્કાબલ્લાપુરા, રામનગર, મંગલુરુ અને તુમકુરુ સહિત સાત સ્થળો પરથી લેવાયેલા નમૂનાઓની ચકાસણીમાં ઈથેનોલનું પ્રમાણ 31.2% સુધી નોંધાયું હતું. સરકારી નિયમો અનુસાર આ મર્યાદા મહત્તમ 20% (E20 પેટ્રોલ(E20 Petrol) હોવી જોઈએ.
તેલ કંપનીઓનો ઈનકાર અને તપાસ પદ્ધતિ સામે સવાલો
બીજી તરફ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ સંયુક્ત નિવેદન બહાર પાડીને તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. કંપનીઓનું કહેવું છે કે કર્ણાટક સહિત સમગ્ર દેશમાં સપ્લાય થતું પેટ્રોલ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના E20 ધોરણોને સંપૂર્ણપણે અનુરૂપ છે.
તેલ કંપનીઓએ રાજ્ય સરકારની ઓક્ટોબર મહિનાની સેમ્પલિંગ અને ટેસ્ટિંગ પદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ તપાસ થર્ડ-પાર્ટી લેબ રિપોર્ટ્સ પર આધારિત છે, જેમાં કાયદાકીય અને તકનીકી પ્રક્રિયાઓનું યોગ્ય પાલન થયું નથી. ઈથેનોલ ભેળસેળ(Petrol Ethanol Blending)ના આ વિવાદ પર સોમવારની પત્રકાર પરિષદ પર સૌની નજર છે.
આ પણ વાંચો: પેટ્રોલમાં 20% નહીં, 31.2% ઈથેનોલ મિશ્રણનો દાવો! કર્ણાટકમાં ખળભળાટ
આ પણ વાંચો: પેટ્રોલ થશે સસ્તું? ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી હટાવવાનો સરકારનો મોટો નિર્ણય
આ પણ વાંચો: સંસદમાં કેન્દ્ર સરકારનો જવાબ : ઈથેનોલ ઈંધણથી જૂના કે નવા વાહનોને કોઈ સમસ્યા નહી થાય
