New Delhi News: કોંગ્રેસ પાર્ટી(Congress)ને મળતા જાહેર ફંડમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા દસ્તાવેજોના વિશ્લેષણ મુજબ, પાર્ટીને રૂ. 20 હજારથી વધુના જાહેર ફંડ તરીકે માત્ર રૂ. 130.69 કરોડ મળ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં આ રકમ રૂ. 517.39 કરોડ હતી, એટલે કે એક જ વર્ષમાં ફંડમાં આશરે 75 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક દાયકામાં કોંગ્રેસના ફંડમાં નોંધાયેલો આ સૌથી મોટો વાર્ષિક ઘટાડો હોવાના અહેવાલ છે.
કોંગ્રેસ(Congress)ને મળેલા ફંડના આંકડા પર એક નજર
કોંગ્રેસ પાર્ટી ફંડિંગ(Congress Party Funding) અંગે જોઈએ તો વર્ષ 2023-24માં પાર્ટીને રૂ. 281.48 કરોડનું જાહેર ફંડ મળ્યું હતું, જે લોકસભા ચૂંટણીના વર્ષ 2024-25માં વધીને રૂ. 517.39 કરોડ થયું હતું. જોકે, 2025-26માં આ રકમ ઘટીને રૂ. 130.69 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 12 નાણાકીય વર્ષના આંકડાઓની સરખામણીમાં આ પહેલાં સૌથી મોટો ઘટાડો 2015-16માં નોંધાયો હતો, જ્યારે પાર્ટીને મળતું જાહેર ફંડ અગાઉના વર્ષના રૂ. 141.46 કરોડથી આશરે 86 ટકા ઘટ્યું હતું.
કયા કારણસર ઘટ્યું ફંડ?
ફંડમાં ઘટાડાનું એક મોટું કારણ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ(Prudent Electoral Trust) તરફથી મળતી રકમમાં ઘટાડો હોવાનું જણાવાયું છે. આ ટ્રસ્ટે 2024-25માં કોંગ્રેસને રૂ. 216.34 કરોડ આપ્યા હતા, જે 2025-26માં ઘટીને માત્ર રૂ. 25 કરોડ થયા હતા. એટલે કે ટ્રસ્ટના યોગદાનમાં આશરે 88 ટકાનો ઘટાડો થયો છે. પાર્ટીના તાજેતરના યોગદાન અહેવાલમાં પ્રુડન્ટ એકમાત્ર ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલો હતો.
અન્ય મોટા યોગદાનકર્તાઓમાં સ્ટાર સિમેન્ટે રૂ. 5 કરોડ, સજ્જન ભજંકાએ રૂ. 4 કરોડ અને પ્રેમ કુમાર ભજંકાએ રૂ. 2 કરોડનું યોગદાન આપ્યું હતું. ચૂંટણી પંચ(Election Commission)ને સોંપાયેલા દસ્તાવેજોના આધારે સામે આવેલા આ આંકડા રાજકીય ફંડિંગ(Political Funding)ના ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યા છે.
આ પણ વાંચો:દિલ્હી રેલીમાં ન પહોંચતાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો સસ્પેન્ડ
આ પણ વાંચો:કોંગ્રેસની બેઠકો વધારવા રાહુલ ગાંધીને 7 સલાહ, કિરેન રિજિજુનો મોટો કટાક્ષ
આ પણ વાંચો:રાહુલ ગાંધીની દિલ્હી રેલીમાં ગેરહાજર રહેનાર ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ
