Gandhinagar News: ગાંધીનગરમાં પોલીસકર્મીઓ માટે આધુનિક રહેણાક અને પોલીસ સ્ટેશનની સુવિધા એક જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રોજેક્ટ (Smart Police Station) ઝડપથી આગળ વધી રહ્યો છે. ધોળાકુવા મેટ્રો રેલવે સ્ટેશન નજીક ગિફ્ટ સિટી જવાના માર્ગ પર રાજ્યનું પ્રથમ 12 માળનું હાઈરાઇઝ સ્માર્ટ મોડલ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી બનાવવામાં આવી રહ્યું છે. અંદાજે રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ ઇમારતનું 20 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરીને પોલીસ વિભાગને સોંપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના પ્રયાસોથી આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. લગભગ 30 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બની રહેલી આ ઇમારતમાં પોલીસ સ્ટેશનની કામગીરીની સાથે પોલીસકર્મીઓ અને તેમના પરિવારો માટે રહેણાકની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
Smart Police Station: પ્રથમ ત્રણ માળમાં પોલીસ સ્ટેશન, ઉપરના નવ માળમાં 2BHK ફ્લેટ
આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ પ્રથમ ત્રણ માળમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો કાર્યરત થશે, જ્યારે ઉપરના નવ માળમાં પોલીસકર્મીઓ માટે 2BHK ફ્લેટ બનાવવામાં આવશે. દરેક માળ પર ચાર ફ્લેટનું નિર્માણ કરવામાં આવશે.
પોલીસ સ્ટેશનના ભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર માટે અલગ ઓફિસ, PSO માટે વ્યવસ્થા, ઇન્વેસ્ટિગેશન સ્ટાફ રૂમ, ઇન્ટરોગેશન રૂમ, મીટિંગ રૂમ, રેકોર્ડ રૂમ અને મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયાની સુવિધા રહેશે. આ ઉપરાંત FIR નોંધણી, કેસ મેનેજમેન્ટ અને દસ્તાવેજોના કોમ્પ્યુટરાઇઝેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ હેલ્પ ડેસ્ક, કાઉન્સેલિંગ રૂમ, ડિજિટલ કિઓસ્ક અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સમગ્ર પોલીસ સ્ટેશન અને બિલ્ડિંગના પરિસરમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.
પોલીસકર્મીઓ માટે અલગ લિફ્ટ અને આધુનિક રહેણાક વ્યવસ્થા
ઉપરના નવ માળમાં બનનારા 2BHK ફ્લેટમાં કિચન, ડ્રોઇંગ રૂમ, એટેચ બાથરૂમ સાથેનો માસ્ટર બેડરૂમ અને એક વધારાનો રૂમ હશે. ફ્લેટમાં વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ પણ કરવામાં આવશે.
પોલીસ સ્ટેશન અને રહેણાક વિભાગની અવરજવર અલગ રહે તે માટે બંને વિભાગમાં અલગ સીડી અને લિફ્ટ બનાવવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન માટે બે લિફ્ટ અને એક સીડીની વ્યવસ્થા રહેશે, જ્યારે રહેણાક વિભાગ માટે અલગ લિફ્ટ અને સીડી હશે.
આ ફ્લેટ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI), હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને ફાળવવામાં આવશે. બિલ્ડિંગના ટેરેસ પર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના દ્વારા સમગ્ર ઇમારતને વીજળી પૂરી પાડવાનું આયોજન છે.

પરિવારો માટે ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા બનાવાશે
પોલીસકર્મીઓના પરિવારજનોને પણ સુવિધા મળી રહે તે માટે બિલ્ડિંગની બાજુમાં ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા બનાવવાનું આયોજન (Gujarat Police Housing) છે. આ માટે અલગ જમીન ફાળવવા દરખાસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત આધુનિક કોમ્યુનિકેશન સાધનો, કંટ્રોલ રૂમ સાથે સંકલન અને હાઈસ્પીડ ઇન્ટરનેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે.
ડિસેમ્બરના અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય
પ્રોજેક્ટ ડેવલપર દીપક સાંખલાના જણાવ્યા અનુસાર, ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા અંદાજે રૂ. 20 કરોડના ખર્ચે આ અત્યાધુનિક પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી બનાવવામાં આવી રહી છે. હાલમાં 20 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રોજેક્ટ ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરીને પોલીસ વિભાગને સોંપવાનું આયોજન છે.
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને મળશે પોતાનું બિલ્ડિંગ
હાલ ઇન્ફોસિટી પોલીસ મથક (Infocity Police Station) સેક્ટર-7 શોપિંગની બાજુમાં આવેલા કોમ્યુનિટી હોલની સામે કાર્યરત છે, જ્યારે સેક્ટર-7 પોલીસ મથક સેક્ટર-6માં કાર્યરત છે. આ બંને પોલીસ મથકો અલગ-અલગ સ્થળે હોવાથી અરજદારોમાં ઘણીવાર મૂંઝવણ ઊભી થાય છે.
ભૂતકાળમાં ઇન્ફોસિટી વિસ્તાર સેક્ટર-7 પોલીસ મથકની હદમાં આવતો હતો. જોકે, ન્યૂ ગાંધીનગરનો વિસ્તાર અને વસતિ વધતાં અલગથી ઇન્ફોસિટી પોલીસ મથકની રચના કરવામાં આવી હતી. પરંતુ વહીવટી કારણોસર લાંબા સમય સુધી તેનું પોતાનું બિલ્ડિંગ બની શક્યું નહોતું.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ નવા બિલ્ડિંગની દરખાસ્ત કરી હતી. તેને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઇન્ફોસિટી પોલીસ મથકને પોતાનું આધુનિક બિલ્ડિંગ મળશે અને પોલીસકર્મીઓને ફરજની સાથે રહેણાકની સુવિધા પણ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં બનશે 20 કરોડ રૂપિયાના ખર્ચે 12 માળનું પોલીસ સ્ટેશન
આ પણ વાંચો: ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં 40 વર્ષીય મજૂરની ઝાડ પર લટકાવેલી મળી લાશ
આ પણ વાંચો: ડૉક્ટરની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી! સંબંધ તૂટતાં ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી માર માર્યો
