New Delhi News: દિલ્હીમાં સાયબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 14 વર્ષના એક સગીરને ડાર્ક વેબ પર 2,500થી વધુ અગ્નિવીરોનો ડેટા વેચવાનો (Agniveer Data Dark Web) પ્રયાસ કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, સગીરે AI ટૂલની (AI Hacking) મદદથી સરકારી વેબસાઇટમાં અનધિકૃત પ્રવેશ મેળવી ભરતી સંબંધિત ડેટા મેળવ્યો હતો. જોકે, તેણે આ ડેટા સીધો ડાર્ક વેબ પર અપલોડ કરવાને બદલે તેને વેચવા માટે જાહેરાત મૂકી હતી. પોલીસે સોદો પાર પડે તે પહેલાં જ તેને ઝડપી લીધો હતો.
Agniveer Data Dark Web: ડેટા વેચવા માટે ડાર્ક વેબ પર જાહેરાત મૂકી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરે સરકારી વેબસાઇટના મુખ્ય પેજની કોડિંગમાં રહેલી ટેકનિકલ ખામીઓ શોધી હતી. ત્યારબાદ આધુનિક AI ટૂલ એટલે કે બોટની મદદથી વેબસાઇટમાં અનધિકૃત પ્રવેશ મેળવ્યો હતો. આ રીતે તેણે વેબસાઇટ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના એકાઉન્ટ્સના પાસવર્ડ પણ મેળવી લીધા હતા.
આ એકાઉન્ટ્સમાં ઉમેદવારો દ્વારા નોકરી માટે જમા કરાવવામાં આવેલા અરજી ફોર્મ સંગ્રહિત હતાં. સગીરે આ ડેટા મેળવ્યા બાદ તેને વેચવા માટે ડાર્ક વેબ પર જાહેરાત મૂકી હતી. પૂછપરછમાં પ્રાથમિક રીતે પૈસા કમાવવાના હેતુથી આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
2,500થી વધુ અગ્નિવીરોનો ડેટા હોવાનો દાવો
દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીર (Minor Hacker) પાસે 2,500થી વધુ અગ્નિવીરોનો મહત્ત્વપૂર્ણ ડેટા હોવાની આશંકા છે. આ જવાનો કેન્દ્ર સરકારની વર્ષ 2022માં શરૂ થયેલી અગ્નિપથ યોજના હેઠળ થલ સેના, નૌસેના અને વાયુસેનામાં અગ્નિવીર તરીકે સામેલ થયા હતા.
સગીરે ડાર્ક વેબ પર મૂકેલી લિસ્ટિંગમાં દાવો કર્યો હતો કે તેની પાસે આ અગ્નિવીરોની અંગત વિગતો છે. ચોરી કરાયેલા હોવાનું કહેવાતા ડેટામાં 47 જેટલા સરકારી વિભાગો (Government Portal Hacking) અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવામાં આવેલા ભરતી તથા નોકરી સંબંધિત અરજી ફોર્મનો પણ સમાવેશ થતો હોવાની માહિતી સામે આવી છે.
કબજે કરાયેલા ડેટાની ટેકનિકલ તપાસ શરૂ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સગીર પાસેથી કેટલાક ડેટા પણ મળી આવ્યા છે, જેની હાલ ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ એ ચકાસી રહી છે કે કબજે કરાયેલા ડેટામાં અગ્નિવીરોની સુરક્ષા સાથે જોડાયેલી કેટલી સંવેદનશીલ માહિતી છે.
આ ઉપરાંત, સગીરે ડેટા કેવી રીતે મેળવ્યો અને અગ્નિવીર ભરતી પોર્ટલમાં કોઈ સત્તાવાર પરવાનગી વિના પ્રવેશ કર્યો હતો કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. ડાર્ક વેબ પર કોઈ ખરીદદાર સાથે સોદો નક્કી થાય અને માહિતી અન્ય લોકો સુધી પહોંચે તે પહેલાં જ સગીરને કસ્ટડીમાં (Cyber Security India) લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત: સાયબર ક્રાઇમ સેલને મ્યૂલ અકાઉન્ટમાં કેસ મોટી સફળતા
આ પણ વાંચો: સાયબર ક્રાઇમ સામે ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક: હર્ષ સંઘવીએ બેંકો-પોલીસ સાથે યોજી હાઇ લેવલ બેઠક
આ પણ વાંચો: ગુજરાતમાં સાયબર ક્રાઇમમાં 30% નો ઉછાળો, 9 મહિનામાં ₹1011 કરોડ લૂંટાયા
