Jamnagar News: જામનગરમાં નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર જ હુમલો (Jamnagar Police Attack) થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરના બાલાજી પાર્ક નજીક આવેલા સેનાનગર વિસ્તારમાં એન્ટી નાર્કોટિક વિંગની ટીમ દરોડો પાડવા પહોંચી હતી. આ દરમિયાન પરપ્રાંતીય શખસ સહિતના કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે.
Jamnagar Police Attack: દરોડા દરમિયાન પોલીસ ટીમ પર પથ્થરમારો
મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક વિંગ (Anti Narcotics Wing)ની ટીમ સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે દરોડો પાડવા પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમને નિશાન બનાવી હુમલો કર્યો (Jamnagar Crime News) હતો. ઘર્ષણ દરમિયાન પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજાને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો
પોલીસ ટીમ પર હુમલાની જાણ થતાં જામનગર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. LCB, સિટી ‘સી’ ડિવિઝન પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વિસ્તારમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને હુમલામાં સંડોવાયેલા શખસો સામે કાર્યવાહી કરવા પોલીસ (Gujarat Police) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં અગાઉ પણ પોલીસ પર હુમલાની ઘટનાઓ
જામનગર જિલ્લામાં અગાઉ પણ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
29 મે, 2026: જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના બની હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
6 જુલાઈ, 2026: લાલપુર તાલુકાના મેઘપર (પડાણા)માં LCBની ટીમ દરોડો પાડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
8 ઓગસ્ટ, 2026: કાલાવડ નાકા બહાર, બહુરાણી પાર્ક વિસ્તારમાં 112 જાગૃત ટીમના પોલીસ કોન્સ્ટેબલ અને વાહનચાલક પર બે શખસોએ હુમલો કરી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસે બંને શખસોને કસ્ટડીમાં લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ પર વારંવાર હુમલાની ઘટનાઓ સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ સેનાનગરની ઘટનામાં સંડોવાયેલા શખસો સામે પોલીસની તપાસ અને કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: કિંજલ રબારી ક્યાં છે? અમદાવાદ પોલીસ લોકેશન શોધી રહી છે, સીનાડમાં પોલીસ પર હુમલા મામલે 10ની અટકાયત
આ પણ વાંચો: અમદાવાદ નજીક નળસરોવર વિસ્તારમાં પોલીસ પર હુમલો: રેડ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાયા
આ પણ વાંચો: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; પગમાં ગોળી વાગી
