Gandhinagar Typhoid Cases Assembly: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફેલાયેલા ટાઈફોડના કેસ અને દૂષિત પાણીનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ગાજ્યો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડાએ સરકાર સામે આકરા પ્રશ્નો પૂછી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. જેના જવાબમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું.
40 ટકા પાણી ફેલ હોવાનો મુદ્દો ઉછળ્યો
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, કેગ (CAG)ના રિપોર્ટ અનુસાર ગાંધીનગરમાં પૂરા પાડવામાં આવતા પાણીના 40 ટકા સેમ્પલ ફેલ ગયા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મનપા કમિશનરને પાઈપ લાઈનમાં ભંગાણ અંગે અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેવાણીએ સવાલ કર્યો હતો કે, શું સરકાર આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેશે?
Gandhinagarમાં શુદ્ધ પાણી નથી મળતું: અમિત ચાવડા
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પાટનગરમાં જ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. રોગચાળો વધુ ન ફાટે તે માટે સરકારે અત્યાર સુધી કયા આગોતરા પગલાં ભર્યા છે? તેમણે જનતાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં અટકાવવા કડક માંગણી કરી હતી.

જવાબદારો સામે લેવાશે પગલાં
વિપક્ષના આકરા પ્રહાર સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ ગૃહમાં નિવેદન આપતા ખાતરી આપી હતી કે, જો કોઈ અધિકારીની બેદરકારી સામે આવશે તો તેમની સામે જરૂરથી કડક પગલાં લેવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ કરેલી મહત્વની જાહેરાતો
ગાંધીનગરમાં પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, શહેરની પાણીની પાઈપ લાઈનોમાં જ્યાં પણ ભંગાણ કે લીકેજ જોવા મળે છે, તેની તાત્કાલિક ધોરણે મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેથી દૂષિત પાણીની સમસ્યા અટકાવી શકાય. સંભવિત રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણપણે સતર્ક છે અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કાજે જરૂરી તમામ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે..
આમ, પાટનગરના પાણીના પ્રશ્ને આજે વિધાનસભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને સરકારે વિપક્ષી સભ્યોને આ મામલે સંતોષકારક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત
આ પણ વાંચો : વિધાનસભા ખાતે ગુજરાત દુકાન-સંસ્થા સુધારા વિધેયક સર્વાનુમતે પાસ
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં શ્રમ વિધેયક 2026 પાસ, કામદારો માટે મોટા ફેરફાર
