Rajkot News: રાજકોટમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટવાની અને દર વર્ષે સમારકામ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકાએ નવી યોજના (Rajkot CC Roads) તૈયાર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ રાજકોટમાં 40 ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા તમામ રસ્તાઓ સિમેન્ટ કોંક્રિટ (Cement Concrete Roads)ના બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર ડો. નેહલ શુક્લે અધિકારીઓને આ માટે પ્લાનિંગ અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ રસ્તાઓની નીચે આવેલી પાણીની પાઇપલાઇન, વીજ કેબલ સહિતની ભૂગર્ભ લાઇનોનું 3D મેપિંગ (3D Mapping) પણ કરવામાં આવશે. બીજી તરફ, શહેરમાં રૂ. 160 કરોડનાં ડામરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે.
Rajkot CC Roads: 40 ફૂટથી પહોળા રસ્તા પર CC રોડ, નાના રસ્તા પર ડામરકામ
મેયર ડો. નેહલ શુક્લના જણાવ્યા મુજબ, નવી વ્યવસ્થા અંતર્ગત 40 ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા માર્ગો પર મજબૂત સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવામાં આવશે, જ્યારે 15 મીટરથી ઓછી પહોળાઈ ધરાવતા રસ્તાઓ પર ડામરકામ યથાવત રહેશે.
તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સમગ્ર શહેરમાં રૂ. 160 કરોડના ખર્ચે નવા ડામરકામને મંજૂરી આપવામાં આવી હતી. આ કામ લાભપાંચમથી શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. હવે ડામરકામની સાથે સમાંતર સિમેન્ટ રોડના પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવાનું આયોજન છે.
જમીનની અંદર 5 ફૂટ સુધીની લાઇનોનું 3D મેપિંગ થશે
રસ્તાઓ બનાવતી વખતે અથવા સમારકામ દરમિયાન ભૂગર્ભમાં પસાર થતી પાણીની પાઇપલાઇન, વીજ કેબલ અને અન્ય લાઇનોની જાણકારી મેળવવી જરૂરી હોય છે. આ માટે રાજકોટ મનપા હવે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 3D મેપિંગ કરાવશે.
મેયરના જણાવ્યા મુજબ, અત્યાર સુધી તંત્ર પાસે જમીનની અંદર માત્ર 2 ફૂટ સુધીની ઈમેજ દેખાય તેવો રેકોર્ડ ઉપલબ્ધ હતો. હવે જમીનની અંદર 5 ફૂટ સુધીની ઊંડાઈમાં આવેલી તમામ ભૂગર્ભ લાઇનોની સ્થિતિ સ્પષ્ટ દેખાય તેવી 3D ઈમેજ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવશે. તેનાથી ખોદકામ કર્યા વગર જ ભૂગર્ભ નેટવર્કની માહિતી મળી શકશે.
ડામરના ભાવ વધતાં સિમેન્ટ રોડ તરફ વળવાનું આયોજન
સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ સિમેન્ટ રોડ બનાવવાનો ખર્ચ વધુ હોય છે, પરંતુ તેનું આયુષ્ય પણ લાંબું હોય છે. તાજેતરમાં યુદ્ધની સ્થિતિને કારણે ડામરના ભાવમાં મોટો વધારો થતાં ડામર અને સિમેન્ટ રોડના અંદાજિત ખર્ચ લગભગ સરખા થઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી ટકી શકે તેવા સિમેન્ટ રોડ બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. જોકે, હાલ ડામરના ભાવમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.
રોડ ફરી ખોદવા ન પડે તે માટે PGVCL સાથે સંકલન
સિમેન્ટ રોડ બન્યા બાદ વીજળી, પાણી, ગટર, ગેસ કે ટેલિકોમનાં કામ માટે ફરી રસ્તા ખોદવાની સ્થિતિ ઊભી ન થાય તે મોટો પડકાર છે. આ માટે મેયરે તમામ યુટિલિટી કંપનીઓ સાથે અગાઉથી સંકલન સાધવા સૂચના આપી છે.
ખાસ કરીને ભૂગર્ભ વીજલાઇનોના આયોજન માટે મેયરે PGVCLના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પણ લખ્યો છે. ભવિષ્યમાં સમારકામની જરૂર પડે ત્યારે આખો સિમેન્ટ રોડ તોડવો ન પડે તે માટે ડક્ટ બનાવવાની અથવા જરૂરિયાતવાળા ભાગમાં સિમેન્ટને બદલે પેવિંગ બ્લોક પાથરવાની ટેક્નિકલ સલાહ પણ આપવામાં આવી છે.
મનપાના પ્લોટની ફાળવણી હવે ટેન્ડર અને હરાજીથી થશે
રસ્તાઓના આયોજન ઉપરાંત મેયર ડો. નેહલ શુક્લે (Mayor Nehal Shukla) મનપાના પ્લોટ અને ખુલ્લાં મેદાનોની સીઝનલ ધંધા માટે થતી ફાળવણીમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ટી.પી. પ્લોટ અને ખુલ્લાં મેદાનોની ફાળવણીમાં અત્યાર સુધી અમલમાં રહેલી ‘વહેલા તે પહેલાં’ની પદ્ધતિ બંધ કરવા એસ્ટેટ શાખાને સૂચના આપવામાં આવી છે.
માત્ર અરજીના આધારે ચોક્કસ લોકોને પ્લોટ ફાળવવામાં આવતા હોવાની અને તેમાં ફિક્સિંગ થતું હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચી હતી. આથી હવે પારદર્શક પ્રક્રિયા માટે ટેન્ડર અને ભાવ-ઓફર મંગાવીને જ જગ્યા ભાડે આપવામાં આવશે.
સીઝનલ ધંધા માટે પણ ભાવ-ઓફર મંગાવાશે
નવરાત્રિ મહોત્સવ અને ફટાકડા બજારની જેમ ઉનાળાની સીઝનમાં મસાલા માર્કેટ, ગરમ વસ્ત્રો સહિતના અન્ય સીઝનલ ધંધા માટે પણ હંગામી ધોરણે જગ્યા મેળવવા ભાવ-ઓફર મંગાવવામાં આવશે.
જો એક જ પ્લોટ કે મેદાન માટે એકથી વધુ અરજદારો હશે, તો સૌથી ઊંચી ઓફર આપનારને અથવા હરાજીની પ્રક્રિયા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી પ્લોટ ફાળવણીમાં પારદર્શિતા વધવાની સાથે મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: સુરતમાં ખાડીપૂર સામેની કામગીરીમાં ધીમી ગતિ! 188 કિમીમાંથી માત્ર 35 કિમી સર્વે, કમિશનરનો અધિકારીઓને ઠપકો
આ પણ વાંચો: જામનગરમાં મેગા ઓપરેશન ડીમોલિશનની તૈયારી કરતું તંત્ર, કમિશનર અને SP એ સ્થળોની કરી ચકાસણી
આ પણ વાંચો: દિલ્હી AQI વિવાદ: 5 મોટા સવાલ, ડેટા ગાયબ થતાં સરકાર ઘેરાઈ
