Anand News: આણંદ જિલ્લાના બોરસદ (Borsad) નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 26 દિવસથી ચાલી રહેલી કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ લાંબા સમયથી હડતાળ પર હતા. ઇન્ચાર્જ પ્રમુખ તરીકે સુરેશભાઈ પરમારે ચાર્જ સંભાળ્યાના માત્ર એક કલાકમાં જ હડતાળનો સુખદ અંત આવ્યો, જેનાથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
Borsad : દિવાળી અને બેસતા વર્ષના તહેવારો આંદોલનમાં વિત્યા
હડતાળ લાંબી ચાલવાને કારણે પાલિકા(Borsad Municipality)ની કામગીરી પર માઠી અસર પડી હતી. કર્મચારીઓએ દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારો પરિવાર સાથે મનાવવાના બદલે આંદોલનના મંડપમાં જ વિતાવવા પડ્યા હતા. લાંબી લડત છતાં તંત્ર દ્વારા અગાઉ કોઈ નક્કર પગલાં ન લેવાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
26 દિવસ સુધી નિર્ણય કેમ ન લેવાયો?
આ મામલે ભાજપ(BJP) શાસિત પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જે પ્રશ્ન ઇન્ચાર્જ પ્રમુખના આવ્યા બાદ માત્ર એક જ કલાકમાં ઉકેલાઈ ગયો, તે બાબતે અગાઉ પ્રમુખ પૂર્વીબેન પટેલ 26 દિવસ સુધી કેમ નિર્ણય લઈ શક્યા ન હતા, તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. સાથે જ આ 26 દિવસ દરમિયાન સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા, તે અંગે પણ રોષ વ્યક્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: આણંદ-બોરસદ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, 3 યુવકોના મોત
આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા,લૂંટ દરમિયાન બોરસદની વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો
આ પણ વાંચો: બોરસદમાં અકસ્માતના કેસમાં ધમકી આપી ઈસમે નાણાં પડાવતાં ફરિયાદ
