રાજકોટમાં ખાણીપીણી કલ્ચર જોરમાં છે. ત્યારે આ ફૂડ કલ્ચરના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેટલાક નવા નિયમો વ્યવસાયિકોને તકલીફ આપી શકે છે.
નવા નિયમ મુજબ, હવે શહેરના 48 રોડ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવી લેવામાં આવશે. તેઓને મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવનારી જગ્યા પર જ ઉભા રહેવાનું રહેશે.
આ મામલે રાજકોટના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ઈંડાની લારીવાળા રસ્તા પર ગમે ત્યાં ઉભા રહી નહી શકે. તેઓએ નક્કી કરવામા આવેલ જગ્યા પર જ ધંધો કરવાનો રહેશે. આમ કરવાનો આશય રાજકોટ શહેરમાંથી ગંદકી દૂર કરવાનો છે.
જણાવી દઈએ કે, ઈંડા તથા નોનવેજની લારીવાળાઓને રાજકોટના મોટા મવા સ્મશાન પાસેની મહાનગરપાલિકાની જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે આ જાહેરાતને પગલે નોનવેજ અને ઈંડાની લારીવાળા રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસે દોડી આવ્યા હતા.
