Gujarat News : રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ જીયાણા ગામે 13 મે, 2024ની મોડી રાત્રે અજાણ્યા શખસે સીમમાં આવેલ બે મંદિરમાં ટાયર સળગાવી રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગાવી નાખી હતી. આ ઘટનાને પગલે ધાર્મિક લાગણી દુભાતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે તાલુકા પંચાયતના સદસ્યએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પૂર્વ સરપંચની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, પૂર્વ સરપંચની ખૂબ પૂજા પાઠ કર્યા પણ સ્થિતિ ન સુધરતા તેણે ટાયર સળગાવી મંદિરમાં નાખી રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબિ નષ્ટ કરી નાખી હતી.
રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા અને ખેતીકામ સાથે પંચાયતમાં સદસ્ય તરીકે સેવા આપતા કાનજીભાઈ સવશીભાઈ મેઘાણી (ઉં.વ.63) નામના વૃદ્ધે અજાણ્યા શખસ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 13 તારીખે રાત્રે ગામમાં આવેલ બંગલાવાળી મેલડી માતાજીના મંદિરે તાવો હતો અને બાધા ત્યાં હાજર હતા. ત્યારબાદ રાત્રિના એકાદ વાગ્યે ઘરે જતા રહ્યા હતા. સવારે નવેક વાગ્યે ગામના લક્ષ્મણભાઈ રામાણીએ ફોન કરી ગામ અને સીમમાં આવેલ મંદિરમાં આગ લગાડેલી છે, તેવું જણાવતા તાકીદે અન્ય ગ્રામજનો સાથે સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં જોતા પાદરમાં આવેલ રામાપીરના મંદિરની અંદર ટાયર સળગાવી મૂર્તિ નષ્ટ કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. તેમજ સીમમાં આવેલ બંગલાવાળી મેલડી માતાજીના મંદિરમાં પણ લાકડા સળગાવી છબી સળગાવી નાખ્યાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત વાસંગીદાદાના મંદિરમાં તાળું માર્યું હોવાથી મંદિર બહાર કપડાના ઢગલામાં આગ લગાડી કપડા સળગાવ્યા હોવાનું જોવા મળ્યું હતું. અજાણ્યા શખસની હરકતથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI એ. કે. રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાનું નામ ખુલતા તેને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી પૂર્વ સરપંચ ખૂબ પૂજા પાઠ કર્યા પણ સ્થિતિ ન સુધરતા દુષ્કૃત્ય આચર્યું હોવાનું રટણ પોલીસ સમક્ષ કર્યું હતું. જેમાં પોતે રામાપીરના મંદિરે, બંગલાવાળી મેલડી માતાજીના મંદિરે અને વાસંગીદાદાના મંદિરમાં આગ લગાડી હોવાની કબૂલાત આપી હતી. હાલ એરપોર્ટ પોલીસે આઇપીસી 295, 435 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો: યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા
આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ
