Gujarat Weather/ Gujarat Rain Live: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, લોકોની ઘરવખરી સાથે પશુઓ પણ તણાયાં

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે..

Gujarat Top Stories Breaking News

Gujarat Weather News: આગામી બે દિવસ  29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત 3થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 116 તાલુકમાં વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના, ડીસામાં પણ ભારે વરસાદની શક્યતા છે. તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ તથા ભરૂચમાં ભારે વરસાદ તો નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.

Gujarat Rain Live Update

 

સાબરકાંઠામાં આવેલી હાથમતી નદીમાં ચાર પશુ તણાયા હતા.  નદીમાં પ્રથમ વખત પાણી આવતા ચાર પશુઓ તણાયા હતા. આ બનાવ અંગે જાણ થતા હિંમતનગર ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. બાદમાં ફાયર કર્મચારીઓએ પશુઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

8.09

બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી થઈ ગઈ હતી.  વરસાદ પડતા મોટી બજારમાં આવેલી દુકાન ધરાશાયી થઈ ગઈ હતી.  જોકે બનાવ વખતે દુકાનમાં કોઈ ના હોવાથી મોટી જાનહાની ટળી હતી.  આ બનાવને પગલે જીઇબી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક વીજ પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

8.06

બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાઈ ગયા હતા.  પાણી ભરાવાને કારણે કર્મચારીઓને ઓફિસોમાં જ બેસવા બન્યા મજબુર થવું પડ્યું હતું. પાણી ભરાવાને કારણે લોકો અને અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

8.03

બનાસકાંઠામાં  હાઇવે પર નાળામાં ખાબકી કાર ખાબકતા આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા નાળામાં  આ કાર ખાબકી હતી. જેમાં ઓવરબ્રીજની આવેલા નીચે નાળામાં  કાર ખાબકતા
ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પાણીના પ્રવાહને કારણે આ બનાવ બન્યો હતો.

7.59

ખેડા જિલ્લાના નડિયાદથી મહેમદાવાદને જોડતો રોડ વરસાદમાં ધોવાઈ ગયો હતો.  વરસોલા ગામ પાસે રાત્રીના સમયે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વરસોલા પાસે રોડ ધોવાઈ ગયો હતો.  આ રોડ કરોડોના ખર્ચે   બનાવવામાં આવ્યો હતો.  મુખ્ય રસ્તા પર જ વરસાદમાં મોટુ ગાબડું પડ્યું હતું. જેને કારણે લીલા લાકડા લગાવી ડાયવર્જન આપવામાં આવ્યું હતું.  તે સિવાય સુરક્ષા માટે લગાવેલ દીવાલ પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

7.54

વડોદરાના વાઘોડિયાના રસુલાબાદ પાસે સુર્યા નદીમાં વૃદ્ધ ફસાઈ ગયા હતા. આ વૃધ્ધ માછલી પકડવા માટે ગયા હતા ત્યારે તેઓ સૂર્યા નદીમાં ફસાયા હતા. જેને પગલે પોલીસે અડધો કલાક સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને તમને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પોલીસે રેસ્ક્યુ માટે સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લીધી હતી. વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલવામાં આવ્યા હતા.

7.50

વલસાડ જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપ પકડ્યું છે.  જેમાં કોલક નદીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. જેને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. સલામતીના ભાગ રૂપે કોઝવે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.  જેને કારણે બંને તરફના ગામોનો સંપર્ક કપાઈ ગયો હતો. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

7.46

સાબરકાંઠામાં વિજળી પડતા 1નું મોત નીપજ્યુ હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી.  સાબરકાંઠામાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. જેમાં વડાલી તેમજ ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો નોંધાયા હતા.  ખેડબ્રહ્માના નવા મારવાડા ગામ પડી વીજળી પડી હતી.  વીજળી પડવાના આ લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે.  વડાલીના થુરાવાસ ગામના ખેતરમાં વીજળી પડી હતી. વીજળી ચાર ખેત મજૂર પર પડતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.જેે કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વીજળી પડવાના આ બનાવોમાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે મૃતક શ્રમિકને PM અર્થે હોસ્પિટલ ખસેડાયો

7.42

રાજકોટના જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધોધમાર વરસાદને કારણે જૂની સાંકળી,નવી સાંકળી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. તે સિવાય અમરનગર રોડ,જૂનાગઢ રોડ વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા છે.  ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ જેતપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.

7.40

મહેસાણાના વિસનગરમાં  ભારે વરસાદ પડતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દોડી આવ્યા હતા.  ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થઈ ગયા હતા. આરોગ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારોની  મુલાકાત લીધી હતી.  ઋષિકેશ પટેલે લોકોને મળી પ્રશ્નો અને હાવાકી જાણી હતી.  વરસાદના પાણીને કારણે કેટલાંક વિસ્તારોમા રોગચાળાની ભીતિ ફેલાઈ છે.  વરસાદી પાણી સાથે ગટર નુ પાણી બેક મારતા પરિસ્થિતી વણસી ગઈ હતી. આમ વરસાદને કારણે વિસનગરમાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પરેશાન થવા સાથે વહવે રોગચાળાની ભીતિ ફેલાઈ છે.

7.32

બનાસકાંઠાના ધાનેરા માં જોરદાર વરસાદી માહોલ જામેયો છે. જબરજસ્ત વરસાદ પડતા ધાનેરા પાણી પાણી થઈ ગયું છે. વરસાદને પગલે બજાર અને રસ્તા પર ધૂટણ સમા વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે જનજીવન ખોરવાયઈ ગયું છે.  તેમાં પણ જુના બસ્ટેન્ડ માં નદીઓ વહેતી થતા બેટ માં ફેરવાઈ ગયું છે. તે સિવાય જનસેવા કેન્દ્ર ના કમ્પાઉન્ડ માં પણ વરસાદી પાણી ભરાયા છે.  જોરદાર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ જતા વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ધમાકેદાર વરસાદ આવતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

7.09

ભાવનગરમાં પણ મેંઘરાજનું પુનઃ આગમન થયું છે. વરસાદને પગલે બફારા અને ગરમી વચ્ચે વતાવરમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળ છાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સવારથી ટમટમ વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે.

7.05

મહેસાણામાં રાજ્યનો સૌથી મોટો અંડરપાસ સ્વિમીંગ પૂલ બન્યો છે. આ સ્વિમીંગ પૂલ 150 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. મોઢેરા ચાર રસ્તાથી અર્બન બેન્ક સુધી આ અંડરપાસ બનાવાયો છે. દર વખતે ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે. આ વખતે પણ ભારે વરસાદને કારણે અંડરપાસ પાણીથી ભરાઈ ગયો છે.

7.01

વલસાડ જિલ્લાના કપરાડામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેને પગલે જિલ્લાના તમામ નદી નાળાઓએ તોફાની સ્પવરૂપ પકડ્યું છે. તે સિવાય લો લેવલ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. કેટલાક ગામોનો સંપર્ક પણ કપાયો છે. આમ ત્રણ ઈંચ વરસાદમાં જ કપરાડા પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો છે.

4.29

બનાસકાંઠાનાં દિયોદરમાં ભારે વરસાદમાં નંદી ફસાયો હતો. ખાડામાં ભરેલા પાણીમાં નંદી ફસાતા પ્રાણી પ્રેમીઓએ નંદીનું રેસ્ક્યુ કર્યુ હતું. આજે અનેક જીલ્લાઓમાં ધોધમાર વરસાદથી લોકોની ઘરવખરી તણાઈ હતી, સાથે પશુધન પણ તણાયાં હતા. ગણી ન શકાય તેટલું નુકસાન થતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. પાણી જલ્દીથી ઓસરી જાય તેવું લોકો ઈચ્છે છે.


4.15

પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

મેઘરાજાએ પાવાગઢ ડુંગર ઉપર ધડબડાટી બોલાવી છે. પગથિયાં ઉપર નદીની જેમ પાણી વહેતા થયા છે. ભક્તોએ પાણી વહેતા પગથિયાંમાં ચાલવાનો આનંદ માણ્યો છે.

4.00

વહેલી સવારથી પંચમહાલ જિલ્લા સહિત ગોધરા, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, મોરવા હડફ, શહેરા, હાલોલ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. ત્યારે ગોધરાના અમદાવાદ હાઇવે પાસે આવેલ ભૂરાવાવ વિસ્તારમાં ખાડીફળિયા, ચિત્રાખાડી, તેમજ સિંધુરીમાતા વિસ્તાર, ડોડપાફળિયા, ઝુલેલાલ સોસાયટી, વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.

3.52

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા છે. કાણોદર નજીક હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતાં અનેક વાહન ચાલકો અટવાયા છે. નેશનલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે.

3.05

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઇંચ વરસાદથી નદી-નાળાં છલકાયા છે. દામાવાસ કંપા ભિમાંક્ષી નદીમાં નવા નીર આવ્યા છે. ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા કલોલ કંપા, તાંદલીયા કંપા સહિતના ગામોમાં ખેતરોમાંથી પાણી વહેતા થયા છે.

સિઝનમાં પહેલીવાર ખેતરોમાંથી પાણી વહેતા થતા ખેડૂત જગતમાં ખુશીનો માહોલ છવાયો છે. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભીમાક્ષી નદીમાં નવા નીરને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્તર ઉંચા આવશે તેવા એંધાણ છે.

2.58

છોટાઉદેપુરમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદન કારણે બાઇક સાથે યુવાન તણાયો છે. ડુંગરભીત ગામે બાઈક સાથે યુવાન તણાયો છે. લો લેવલ કોઝવે પરથી પસાર થતો હતો, ધસમસતા પ્રવાહમાં યુવાન તણાતાં સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો છે.

2.38

મહેસાણાના ખેરાલુમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ખેરાલુ શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ઠેર ઠેર રસ્તા પર પાણી વહેતા થયા છે. રાહદારીઓ, વાહનચાલકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં હાલનો સ્ટોરેજ 601.14 ફૂટ થયો છે. હાલમાં પાણીની આવક 5555 ક્યુસેક છે, ડેમમાં સંગ્રહ થયેલ કુલ જથ્થો 36.94 ટકા થયો છે. ડેમ હજુ પણ 74 ટકા ખાલી છે.

2.34

2.15

બપોરે 2 વાગ્યા સુધીમાં આ તાલુકાઓમાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સાબરકાંઠા પ્રાંતિજ 6.50
મહેસાણા વિસનગર 6.06
મહેસાણા મહેસાણા 5.43
મહેસાણા વિજાપુર 4.84
મહીસાગર લુણાવાડા 4.65
બનાસકાંઠા વડગામ 4.53
સાબરકાંઠા હિમતનગર 4.49
સાબરકાંઠા તલોદ 4.29
અરવલ્લી મોડાસા 4.21
મહેસાણા જોટાણા 3.82
ગાંધીનગર માણસા 3.70
અરવલ્લી મેઘરાજ 3.62
મહેસાણા વડનગર 2.95
મહેસાણા ઊંઝા 2.80
પાટણ સાંતલપુર 2.48
મહેસાણા બેચરાજી 2.44
વલસાડ કપરાડા 2.40
બનાસકાંઠા પાલનપુર 2.32
મહીસાગર ખાનપુર 2.28
અરવલ્લી બાયડ 2.24
અરવલ્લી ભિલોડા 2.20
મહીસાગર સંતરામપુર 2.20
વડોદરા વડોદરા 2.01

2.00

બનાસકાંઠાના ભાભરમાં ભારે વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદને લઇ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

1.45

સાબરકાંઠાના હિંમતનગરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલિકાના કોમ્પ્લેક્ષમાં પાણી ભરાવાથી વેપારીઓના માલસામાનને નુકસાન થયું છે. પાલિકાની પમ્પથી પાણી બહાર કાઢવાની શરૂઆત કરી દેવાઈ છે. હિંમતનગરમાં વરસાદે વિરામ લીધો છે.

1.13

પાલનપુરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાલનપુર શહેર સહિત જગાણા, કાણોદર, માલણ, ભુતેડી, ચડોતર સાહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

1.10

વડોદરાની પ્રથમ રેસિડન્સીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોને હાલાકી પડી રહી છે. ત્રીજી વખત પાણી ભરાતા 285 ઘરના પરિવારોને મુશ્કેલીઓ ઊભી થઈ છે. સાંસદ, ધારાસભ્યની મુલાકાત બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી છે. સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલે આરોપ મૂક્યો છે કે કાંસ પર ગેરકાયદેસર દીવાલ બનાવી છે, દીવાલ તોડવાની સૂચના છતાં અધિકારી કામ નથી કરતા. દીવાલ તોડવામાં આવે તો પ્રથમ રેસીડન્સીમાં પાણી ન ભરાય.

1.03

વલસાડના કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે નદી નાળાઓ તોફાની બન્યા છે. કેતકીગામ ઘોંટવા નદીના પાણી કોઝવે પર આવી ગયા હતા. બંને તરફના વાહન વ્યવહાર ખોરવાયો છે. નોકરી ધંધે જતા અનેક લોકો બંને કાંઠે અટવાયા છે.

મહેસાણાના ભમ્મરીયા નાળામાં વાહનો ફસાયા છે. કેડ સમા પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકો પણ ભમ્મરીયા પાસે ફસાયાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ બાળકોને નાળું પાર કરાવ્યું છે. પાણી ભરાઈ જતા બાળકોને પસાર થવું મુશ્કેલ હતું. બાળકોને હેમખેમ નાળાના સામે છેડે પહોંચાડ્યા છે.

1.00

​​​​​​આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સાબરકાંઠા પ્રાંતિજ 5.75
મહેસાણા વિસનગર 5.43
મહેસાણા મહેસાણા 5.12
મહીસાગર લુણાવાડા 4.45
અરવલ્લી મોડાસા 4.17
મહેસાણા વિજાપુર 3.74
સાબરકાંઠા હિમતનગર 3.74
મહેસાણા જોટાણા 3.70
અરવલ્લી મેઘરાજ 3.62
સાબરકાંઠા તલોદ 3.39
ગાંધીનગર માણસા 3.31
મહેસાણા બેચરાજી 2.44
મહેસાણા વડનગર 2.36
મહીસાગર ખાનપુર 2.28
અરવલ્લી બાયડ 2.05
અરવલ્લી ભિલોડા 1.89
મહીસાગર સંતરામપુર 1.77
છોટાઉદેપુર કવંત 1.73
અરવલ્લી માલપુર 1.69
સાબરકાંઠા ઇડર 1.65
ગાંધીનગર દહેગામ 1.61
વડોદરા વડોદરા 1.61
અરવલ્લી ધનસુરા 1.57
મહીસાગર વિરપુર 1.57
મહેસાણા ખેરાલુ 1.54
મહેસાણા ઊંઝા 1.38
ડાંગ ડાંગ-આહવા 1.38
વલસાડ ઉમ્બરગાંવ 1.22
બનાસકાંઠા ભાભર 1.18
વલસાડ કપરાડા 1.18

​​​​​​​

12.15

ગાંધીનગરમાં ધીમી ધારનો વરસાદ પડ્યો છે. વહેલી સવારથી ગાંધીનગર શહેર અને આસપાસના ગામોમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે. મોડી રાતથી એકધારથી પડી રહ્યો છે વરસાદ. લોકોને હાશકારો થયો છે.

12.10

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વિરામ બાદ વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી અંદરોખા, ઉમિયા નગર, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

12.05

પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હારીજ, સિધ્ધપુર, શંખેશ્વર સહિતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સિદ્ધપુરમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પેપલ્લા વિસ્તાર, ઋષિ તળાવ સહિતમાં પાણી ભરાયા છે.

12.00

સુરતમાં ચાર દિવસના વિરામ બાદ મેઘ મહેર થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. કતારગામ, વરાછા, કાપોદ્રા, સરથાણામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

11.48

સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પ્રાંતિજ એપ્રોચ રોડ, ભાખરીયા, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે.

આજે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સાબરકાંઠા પ્રાંતિજ 4.96
ગાંધીનગર માણસા 2.76
સાબરકાંઠા તલોદ 2.72
સાબરકાંઠા હિમતનગર 2.52
મહેસાણા મહેસાણા 1.97

​​11.42

દ્વારકાના અરબી સમુદ્રમાં જીવના જોખમે માછીમારી કરવામાં આવી રહી છે. માછીમારી ન કરવાનો પરિપત્ર હોવા છતાં માછમારી થાય છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં જીવના જોખમે માછીમારો પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર થયા છે. દ્વારકામાં આવેલ ભડકેશ્વર મહાદેવ મંદિર થી સમુદ્ર નારાયણ મંદિરનાં દરિયાઇ વિસ્તારમાં માછીમારો માછીમારી કરી રહ્યા છે.

દ્વારકાના રૂપેણ બંદરના માછીમારો છેલ્લા કેટલાય સમયથી ધંધા બેરોજગાર હોય હાલ પરિવારના પેટનો ખાડો પુરવા જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. તંત્ર દ્વારા માછીમારી ન કરવાનો પરિપત્ર પણ હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી થઈ રહી છે. હાલમાં હવામાન વિભાગની આગાહી ને પગલે દરિયામાં ભારે કરંટ હોવા છતાં માછીમારી લોકો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે.. દ્વારકા રૂપેણ બંદરના માછીમારો પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા જીવના જોખમે દ્વારકાના દરિયામાં માછીમારી કરવા જઈ રહ્યા છે.

11.40

ભારે વરસાદને પગલે નડિયાદથી ખાત્રજ મહેમદાવાદને જોડતા રોડ પર મોટો ભૂવો પડ્યો છે. મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાત્રે મુશળધાર વરસાદે આફત સર્જી છે. મુખ્ય રસ્તા પર મોટુ ગાબડું પડતા સ્થાનિકોએ સાવચેતી માટે લીલા લાકડા લગાવી વાહનચાલકોને સાવચેત કર્યા છે.

11.37

અમદાવાદ ગ્રામ્યમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બાવળા, ધોળકા, સાણંદ સહિતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

11.25

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલીયા ડેમ 100 ટકા ભરાયો છે. વહીવટી તંત્ર દ્વારા ત્રણ તાલુકાના નીચાણવાળા 23 ગામડાને એલર્ટ કરાયા છે. ચીખલી, ખેરગામ અને ગણદેવી ના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

11.20

સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તલોદ, પ્રાંતિજ સહિતમાં વરસાદી માહોલ સર્જાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

11.00

અમદાવાદમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણીના કારણે વાહન ચાલકોનાં વાહન થયા બંધ. પાણીના ભરાતા એક કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. પાણીને કારણે ડિવાઈડર દેખાયું જ નહીં.

10.51

હિંમતનગરમાં બસ ગરનાળામાં ડૂબી ગઇ છે. હિંમતનગરના હમીરગઢનો ST બસ ડૂબતા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા છે. મહીલા કંડકટર-ડ્રાઈવરના જીવ જોખમમાં મૂકાયા છે. રેલવે અંડરપાસમાં પસાર થતા આખી બસ ડુબી ગઇ. આખે આખી બસ પાણીમાં ગરકાવ થઇ ગઇ. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી ગયા. સ્થાનિક લોકોએ જહેમત બાદ બંન્નેને બચાવ્યા છે.

10.45

બનાસકાંઠાના દિયોદર, લાખણીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. લાંબા સમય બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદથી મુરજાયેલા પાકોને મળશે જીવનદાન. દિયોદર, કોટડા, સોની, જસાલી, રૈયા પંથકમાં વરસાદ. લાખણીના ધુણસોલ, કોટડા સહિતના ગામોમાં વરસાદ પડ્ો છે. મામલતદાર કચેરી, બસ સ્ટેશનમાં વરસાદથી પાણી ભરાયા છે.

મહીસાગરમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી 4 કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

10.40

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદને પગલે વાસણા બેરેજના બે દરવાજા 24 – 25 ખોલવામાં આવ્યા છે.

અમદાવાદનાં પ્રહલાદનગર રોડ પર પાણી ભરાયા છે. શહેરમાં ઘણા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે.

10.30

વડોદરામાં યુવાનને મગર સાથે મસ્તી કરવાની મજા આવી ગઈ છે. તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી છે. મગરનું બચ્ચુ સમજી યુવક મગર પાસે પહોંચ્યો હતો. અચાનક મહાકાય મગર જોતા યુવક ભાગ્યો, સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો આવ્યા સામે. યુવકના પગ પર મગરે હુમલો કર્યો છે. મહાકાય મગરનું રેસ્કયુ ઓપરેશન કરાયું છે. ફાયર બ્રિગેડને તલાવડીમાં મગરનું બચ્ચુ આવી ચડ્યું હોવાનો ફોન આવ્યો હતો.

ફાયરના જવાનો, જીવદયા પ્રેમીઓ બચ્ચાને બદલે મહાકાય મગર જોઈ ચોંક્યા હતા. મહાકાય મગરને રેસ્કયુ કરવા ત્રણ કલાક મેહનત કરવી પડી. ફાયર બ્રિગેડ દ્વારા તલાવડી માંથી પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસકયું કરાયું. સાંજે 7 વાગ્યે શરૂ થયેલી કામગીરી રાત્રે 10 વાગ્યે પૂર્ણ થઈ હતી. મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

10.25

નડિયાદમાં ભારે વરસાદના કારણે માઈ મંદિર પાસે આવેલી તલાટી બાગની 15થી 20 ફુટની કંપાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી થઈ હતી. તલાટી બાગમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે.

10.21

દાહોદનાં સંજેલીના હિરોલામા વહેલી સવારથી ભારે વરસાદના પગલે કોઝવે તૂટ્યો હતો.

હીરોલાના પાડીયા ફળીયાને જોડતો કોઝવે તૂટ્યો હતો. જેથી ગ્રામજનોને અવરજવર કરવામા ભારે મુશ્કેલી પડી રહી છે.

10.19

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલથી છેલ્લા બે કલાકમાં કવાંટમાં 1.2 ઈંચ, છોટાઉદેપુરમાં 1 ઈંચ, પાવીજેતપુરમાં 0.7 ઈંચ વરસાદ નોંધાયો છે.

10.17

બનાસકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ધાનેરામાં વહેલી સવારથી અનરાધાર વરસાદથી ઘરો, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. ધાનેરાના બાબલા, વાછોલકુંડી, વક્તાપુરામાં વરસાદ પડ્યો છે. ડીસામાં ભારે પવન સાથે વરસાદ છે. લાખણીના ધુણસોલ,ભાકડીયાલ,ઘાણા ડેકામાં વરસાદ વરસ્યો છે.

10.11

ખેડાનાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડયો છે. નડિયાદ, મહેમદાવાદ, મહુધા સહિતમાં રાત્રિથી વરસાદ વરસ્યો છે. નડિયાદના ખોડિયાર, શ્રેયસ, પીજ રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં ભારે વરસાદ થતાં વાલીઓ ચિંતાતુર બન્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વાલીઓ બાળકોને લેવા માટે શાળાએ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓને પરત લઈ જઈ રહ્યા છે ઘરે.

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
મહીસાગર લુણાવાડા 3.74
અરવલ્લી મોડાસા 1.85
અરવલ્લી મેઘરાજ 1.73
મહીસાગર ખાનપુર 1.57
મહીસાગર વિરપુર 1.26

9.58

દાહોદનાં ઝાલોદના લીમડીમાં મોડી રાત્રે ભારે વરસાદથી વીજ પોલ અને વૃક્ષ ધરાશાયી થયું છે. વીજ થાંભલો અને 100 વર્ષ જૂનુ વૃક્ષ ધરાશાયી થયું હતું. ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જેથી દાહોદનું ઐતિહાસિક છાબ તળાવ ઓવરફ્લો થયું છે. છાબ તળાવ ઓવરફ્લો થતાં રમણીય દ્દશ્યો સર્જાયા હતા.

સાબરકાંઠામાં વિજયનગરની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનના ગણેશવાસ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. વિજયનગરના કેલાવા,ખોખરા સહિતમાં વરસાદથી નદીમાં નીર આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.

9.55

સુરેન્દ્રનગરમાં લીંબડી, ચુડામાં વહેલી સવારથી વરસાદ પડ્યો છે. લીંબડીનાં તમામ ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદ પડ્યો છે. બોડીયા, સૌકા, શિયાણી સહિતમાં ઝરમર વરસાદ પડ્યો છે. જિલ્લામાં સારો વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. લીંબડી, ચુડા સહિતના ગામડાંઓમાં વહેલી સવારથી ઝરમર વરસાદ પડ્યો છે.

9.45

મહેસાણાના ખેરાલુમાં વહેલી સવારથી વરસાદ પડ્યો છે. ખેરાલુ શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદના ઝાપટાં પડતા ખેડુતોમાં ખુશી ફેલાઈ છે. વરસાદથી વાવણી કરેલ પાકને જીવનદાન મળ્યુ છે. ગઠામણ, અંબાવાડા સહિત ગ્રામ્યમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મહેસાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. વિસનગર અને વડનગર એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. વિજાપુરમાં નોંધાયો દોઢ ઇંચ વરસાદ. કડી, બહુચરાજી અને જોટાણામાં અડધો ઇંચ વરસાદ. અન્ય તાલુકામાં નોંધાયો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગોપીનાળા અને ભમ્મરીયાનાળા પાણીમાં ગરકાવ, પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

9.33

સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઓલપાડમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઓલપાડમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે.
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઓલપાડ, આંધી, રાજનગર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

9.30

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરજમાં એક કલાકમાં 44 મીમી વરસાદ નોંંધાયો છે. માલપુરમાં અડધો કલાકમાં 28 મીમી વરસાદ છે. મોરડુંગરી, સોનિકપુર, રુઘનાથપુર. મેઘરજ, કમભરોડા, બેડજ, પહડિયા, ડેરીકમ્પા, બાયડ અને ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પંચમહાલના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મોરવા હડફના મોરા અને ઘોઘંબામાં વરસાદ પડ્યો છે. ડેમમાં 9509 ક્યુસેક પાણીની આવક થઈ છે.

9.13

સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને તલોદમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ગાઢોડા, હડિયોલ, હાજીપૂર, તલોદ શહેર અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ પડ્યો હતો.


9.12

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

09.00

હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી હતી ત્યારે શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. નારણપુરા, શાહીબાગ, વાડજ, સેટેલાઈટ, નવરંગપુરા, આશ્રમ રોડ, બોપલ, ઘુમા, આંબલી, વિજયનગર, થલતેજ, વસ્ત્રાપુર સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોને બફારામાંથી રાહત મળી છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી. રેન કોટ પહેરાવીને વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મુકવા ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં બફારા બાદ વરસાદનું આગમન

આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો