ગુજરાત સરકારે રાજ્યમાં રીન્યુએબલ એનર્જી સેક્ટરને જબરદસ્ત પ્રોત્સાહન આપતા અનેક કંપનીઓ તેનો ફાયદો લેવા માટે કૂદી પડી છે. પણ તેના લીધે આજે ઘણી કંપનીઓ હવે કાયદાને રીતસરનો ઘોળીને પી જઈને જ રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ઊભો કરી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતોની આવક વધે તે માટે ખેડૂતોના ખેતરમાં પણ પવનચક્કી ઊભી કરવાની છૂટ આપી છે.
સરકારે આપેલી આ છૂટનો ફાયદો ઉઠાવીને કંપનીઓ નીતિનિયમો નેવે મૂકીને રીતસરના રૂપિયા ઉસેટવામાં લાગી ગઈ છે. આના લીધે છેવટે આ રીતે નફાખોરી કરવા ઉતરનારી કંપની સામે કોઈએ જંગે ચઢવું પડ્યું છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કર્ણુકી ગામમાં આયના રીન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડની કોન્ટ્રાક્ટર ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડે જાણે કોઈ ધણીધોરી ન હોય તેમ સરપંચની મંજૂરી, એનઓસી જેવા નીતિનિયમો નેવે મૂકીને સીધી ખેડૂત સાથે સાંઠગાંઠ કરીને તેની જમીનમાં પવનચક્કી પ્રોજેક્ટ ઊભો કરી દીધો છે. આમ ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિનો ફાયદો કંપનીઓ ખોટી રીતે ઉઠાવી રહી છે.
સામાન્ય રીતે તો આના માટે ગામના સરપંચ, મામલતદાર, કલેક્ટર સહિત સંલગ્ન કચેરીઓની એનઓસી લેવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં સરપંચની જરૂરી મંજૂરી જ લેવામાં આવી નથી. ફક્ત એટલું જ નહીં આ પવનચક્કી આજુબાજુના ખેડૂતોમાં નડતરરૂપ ન બને તે માટે આજુબાજુના ખેતરોના ખેડૂત માલિકોની પણ મંજૂરી લેવી પડે છે. અહીં આવી કોઈપણ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી અને નીતિનિયમોને કોરાણે મૂકીને ખેડૂત પથુ બાસિયા અને કંપની આયના રીન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડ તથા કોન્ટ્રાક્ટર ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડે સીધો કરાર કરી લીધો છે. ફક્ત એટલું જ નહીં તેઓએ આજુબાજુની જમીનોના ખેડૂત માલિકોની મંજૂરી ન લેવી પડે તે માટે સરકારી દસ્તાવેજોમાં પણ તેના અંગેના ખોટા રેકોર્ડ રજૂ કર્યા છે.
આ પવનચક્કીની સાઇઝ 3.5 મેગાવોટની છે. તેની રોટર બ્લેડ 78 મીટરની છે. આ વિશાળ કદના લીધે તે બીજા ખેડૂતોની જમીનને પણ અસર કરી રહી છે. કોઈ ખેડૂત કમાય તેની સામે વાંધો નથી, પણ તેના લીધે બીજા ખેડૂતોને નુકસાન જઈ રહ્યુ હોવાના લીધે ફરિયાદી ભગીરથસિંહ રામભાઈ બસીયાએ અરજી કરી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે કર્ણુંકી ગામના સરપંચની સહીવાળા લેટરપેડનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે. સરપંચ મનુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે એનઓસી વગર જ ઊભી કરવામાં આવેલી આ પવનચક્કી અંગે પ્રામપંચાયતથી લઈને કોઈની મંજૂરી લેવાઈ નથી. આ અંગે કલેક્ટર, અમરેલીના એસપી અને બાબરા પોલીસને અરજી કરવામાં આવી છે. ગાંધીનગર મુખ્યમંત્રીને ત્યાં પણ અરજી કરવામાં આવી છે. લેટરપેડ પર તેમની સહી અંગે જણાવ્યું હતું કે મારી પાસેથી રોડ સરખો કરાવવાની વાત કરીને કોરા લેટરપેડ પર સહી કરાવાઈ હતી અને ગામના જ વ્યક્તિ હોઈ મેં વિશ્વાસે સહી કરી આપી હતી.
આ મુદ્દે કલેક્ટરમાં ફરિયાદ કરતાં કલેક્ટરે તો આ મુદ્દે ત્યાં સુધી જણાવી દીધું કે આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં જાવ ત્યારે મને બોલાવજો. હવે શું આના માટે અમારે છેક સુપ્રીમ કોર્ટ સુધી લાંબા થવું પડશે. કહેવાય છે કાયદાના હાથ લાંબા છે, પરંતુ અહીં તો અમે રીતસરના લાંબા થઈ જઇએ છીએ.
ફરિયાદી રામભાઈએ જણાવ્યું હતું કે મેં ફરિયાદ તો દાખલ કરી છે, પરંતુ તંત્ર બધી બાબતોને લઈને એકબીજાને ખો આપી રહ્યુ છે. મામલતદારમાં અરજી કરી તો તેણે તો આ મુદ્દાને સીધો કોર્ટમાં જ લઈ જવા કહ્યુ, તેના પછી તેના કહેવાથી બાબરા પોલીસ સ્ટેશન અને અમરેલી કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી. પોલીસ વિભાગે તો આખી બાબતને મહેસૂલી બાબત ગણાવી હાથ ખંખેરી કાઢ્યા,
અયાના પાવર અને ઓપેરા એનર્જી દ્વારા ઊભી કરવામાં આવેલી 78 મીટરની પવનચક્કીનો 18 મીટર જેટલો હિસ્સો ફરિયાદી ભગીરથ બસીયાની જમીન પર આવે છે. પવનચક્કીનું કામ ચાલતુ હતું ત્યારે જ ભગીરથ બસીયાએ પવનચક્કીની કંપની અને એજન્સીનું ધ્યાન દોર્યુ હતું, પરંતુ એજન્સીએ ખેડૂત પથુ બસીયા સાથે સાંઠગાંઠ કરીને પવનચક્કીની સાઇઝ અને લોકેશનની બનાવટી ફાઇલ બનાવી હતી. હવે તેમના આ કૃત્યનો પર્દાફાશ થતાં ફરિયાદ થઈ છે.
કર્ણુકી ગામે ત્રણ ભાઈઓની 7.5, 7.5 અને 7.5 વીઘા જમીન હતી. તેમા ખેડૂત પથુ બસીયાએ સરવે નંબર 211ની 2.5 વીઘા અને સરવે નંબર 213ની પાંચ વીઘા જમીન અયાના પાવરને વેચી હતી. ભગીરથ બસીયાએ 2017માં અન્ય ખેડૂત પાસેથી 7.5 વીઘા જમીન ખરીદી હતી. અયાના પાવર અને ઓપેરા એનર્જી દ્વારા પવનચક્કી ઊભું કરવા પથુ બસીયા સાથે સાંઠગાંઠ કરીને આસપાસના ખેડૂતોની એનઓસી ફાઇલ લેવી ન પડે તે માટે ખોટી કેએમઝેડ ફાઇલ બનાવી 2.5 વીઘા જમીન 7.5 વીઘામાં દર્શાવી દીધી. આગામી સમયમાં પવનચક્કી ચલાવતી કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતા જુદા-જુદા હથકંડા તપાસનો વિષય બની શકે છે.
આ પણ વાંચો: અ’વાદ: ગેરકાયદેસર પવનચક્કી ઉભી કરવાનો મામલો, પીઆઈએલને હાઇકોર્ટે માન્ય રાખી
આ પણ વાંચો: પવનચક્કીના કારણે વ્યાપક નુકસાન, ધારાસભ્યએ નોંધાવ્યો પવનચક્કી સામે વિરોધ
