‘નલ સે જલ’ યોજનામાં (Nal Se Jal) મોટાપાયા પર ભ્રષ્ટાચાર (Corruption) થયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે…. કોંગ્રેસનું કહેવું છે કે મહીસાગર જિલ્લામાં (Mahisagar District) ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે…. આ વાત કોંગ્રેસે કોઈ પત્રકાર પરિષદમાં કરી નથી, પણ વિધાનસભામાં (Gujarat Legislative Assembly) જ કરી છે…..
ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા (Water Supply) પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસે સરકારના જ અહેવાલને ટાંકીને ‘નલ સે જલ’ યોજનામાં મહીસાગર જિલ્લામાં 630 ગામોમાં રૂ. 127 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો….

કોંગ્રેસના લુણાવાડાના વિધાનસભ્ય ગુલાબસિંહ ચૌહાણે (Gulabsinh Chauhan) પાણી પુરવઠા પરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે નલ સે જલ યોજનામાં ગુજરાત મોખરે હોવાનો દાવો શાસક પક્ષ કરે છે….રાજ્યના લગભગ બધા જ ઘરોમાં નળથી પાણી પહોંચી ગયું હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સદંતર વિપરીત છે…
રાજ્યના જ પાણી પુરવઠા અને તકેદારી વિભાગે જ આપેલા અહેવાલ મુજબ મહીસાગર વિસ્તારમાં 256 કરોડના કૌભાંડની તપાસમાં વાસ્મો યોજનાના 111 કોન્ટ્રાક્ટ (Contract) ડીબાર્ડ (Debarred) કરવામાં આવ્યા હતા… આ તપાસમાં જ બહાર આવ્યું હતું કે કુલ 630 ગામમાં (Village) તો 12 ગામમાં કાર્યવાહી કર્યા સિવાય જ કામગીરી સોંપી દેવામાં આવી હતી…. જ્યારે 169 ગામમાં મૂળ એજન્સીની સાથે-સાથે બીજી એજન્સીઓને પણ કોઈપણ પ્રકારની યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર જ કામગીરી સોંપવામાં આવી હતી. આમ એજન્સી આપવા માટેના કોઈપણ નીતિનિયમોનું પાલન થયું ન હતું….

વાત અહીં પૂરી થતી નથી આ 630 ગામમાંથી સાડા ચારસો કરતાં પણ વધુ ગામમાં પાઇપલાઇન (Pipeline) નાખવાની વાત તો બાજુએ રહી પણ ફક્ત તેના ખોટા બિલો જ બનાવી દેવાયા હતા અને તેની ચૂકવણી પણ થઈ ગઈ હતી…. આમ આખી પાઇપલાઇન કાગળ પર જ હતી અને ચૂકવણી થઈ હતી…. હવે આ ગામોને પાણી ક્યાંથી મળે, જ્યારે તેમની પાઇપલાઇન જ કાગળ પર હોય… આમ નળમાંથી જળ નહીં પણ ભ્રષ્ટાચારની રીતસરની ગંગા વહી રહી છે….બધું જ કાગળ પર હોય છે અને રૂપિયા ચૂકવાઈ જાય છે…. આમ રીતસરની ચૂંટણી જેવી સ્થિતિ હવે અહીં પણ પ્રવર્તવા માંડી છે. બીજી બાજુ સરકાર દાવા કરે છે કે ગુજરાતમાં ઘેર-ઘેર પાણી પહોંચી ગયું છે…..

આમ ઘેર-ઘેર પાણી તો નથી પહોંચ્યુ, પરંતુ ભ્રષ્ટાચારીઓના ઘરે ભ્રષ્ટાચારની ગંગા જરૂર વહેવા લાગી છે…. આ લોકોને ત્યાં તપાસ કરશો તો પાણી નહીં પણ ફ્લેટો ભરીભરીને સોનુ-ચાંદી અને રોકડા મળી આવે, જે તાજેતરમાં જ એક ફ્લેટમાંથી મળી આવ્યા હતા…..
આ અહેવાલમાં જ જણાવવામાં આવ્યું છે કે ચકાસણી કરેલા 455 ગામમાં 4,811.63 કિ.મી.ની પાઇપલાઇનના કામના બિલો ચૂકવાયા છે, પરંતુ કામકાજ તો 2,496 કિલોમીટર જેટલી પાઇપલાઇનનું જ થયું છે, આમ કામકાજ અડધું થયું, પણ બિલો સો ટકા ચૂકવાયા છે…..
ગુલાબસિંહ ચૌહાણનો દાવો છે કે આ બધો કારસો પાઇપલાઇનના ઊંચા રેટનો ફાયદો લેવા માટે ઘડવામાં આવ્યો છે…. આ માટે બનાવટી ઇનવોઇસ (Invoice) ઊભા કરીને ઊંચા દરનો લાભ લઈને આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે….હવે આ કૌભાંડ કોની નજર હેઠળ થયું તેની તપાસ કરવી જરૂરી થઈ પડે છે….અમે તો કહેતા જ નથી કે આ કૌભાંડ કોઈએ આચર્યુ છે, સરકારની પોતાની જ તપાસ કહે છે કે આટલી રકમમાં આટલા કામ સામે આટલું જ કામ થયું છે….
આ ચકાસણીમાં તે પણ જણાયું હતું કે 716 ટ્યુબવેલ (Tubewell) કૂવા સામે 100 ટ્યુબવેલ કૂવામાં પણ કામ થયું નથી…. હવે 202 ગામમાં ચૂકવણી કરવામાં આવી છે, પણ તેની સામે તો ઘરોના જોડાણ જ તેટલા નથી…. હવે જો આટલા ઘરો જ ન હોય તો પછી આટલી ચૂકવણી ક્યારથી કરવામાં આવી… જો કે વાસ્મોએ ખોટા અંદાજ બતાવીને મુખ્ય ઓફિસને ગેરમાર્ગે દોરી છે….

તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ રેકોર્ડ જ બતાવે છે કે સીધુ 127 કરોડ રૂપિયાનું કૌભાંડ નલ સે જલ યોજનામાં થયું છે….આટલા કૌભાંડ પછી પણ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાયા નથી, તેમણે માંગ કરી હતી કે આ કૌભાંડની તલસ્પર્શી ધોરણે તપાસ કરવામાં આવે અને આ કૌભાંડ કરનારા કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવામાં આવે….
આ ફક્ત એક જ જિલ્લાની વાત છે, આનો સીધો અર્થ એવો જ થાય કે ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કેટલો વ્યાપક પાયા પર ભ્રષ્ટાચાર થયો છે… તંત્ર ગુજરાતના બધા જ ગામમાં પાણી પહોંચી ગયાનો દાવો કરે છે, પણ મહીસાગરની જેમ કેટલાય ગામડાઓમાં આ જ રીતે પાઇપલાઇન કાગળ પર જ બની ગઈ હોય તો પછી પાણી ક્યાંથી ઘરોમાં પહોંચે, તે પણ સરકારી કાગળોમાં જ સમાઈ જાયને… આનો સીધો અર્થ એમ કરી શકાય કે ગુજરાતના કુલ 18 હજાર ગામડામાં આજે પણ કમસેકમ આઠ હજાર ગામડા પાણી વગર વલખા મારતા જ હશે, પણ ચોપડા પર તેમને ત્યાં નળ આવી ગયા છે. આજે પણ કેટલાય ગામોમાં પાણીની બૂમરાણ આ જ કારણે ઉઠતી હશેને…. આ જોતાં સરકારે પાણી યોગ્ય રીતે પહોંચાડવા પાણીદાર વહીવટ કરવો પડશે, નહીં તો ભ્રષ્ટાચારીઓ પ્રજા માટે પીવાનું પાણી પણ નહીં રહેવા દે…..
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયનો ફરીથી વિવાદ ! હવે ભગવાન કૃષ્ણને લઈને વિવાદમાં
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા-પોલીસની સાંઠગાંઠનો વિસ્ફોટક પર્દાફાશ
આ પણ વાંચો: માતરમાં ભાજપની કચેરીનું વીજ જોડાણ કટ, ‘બિલ’ કોના માથે ફાટશે?
