MANTAVYA Vishesh/ કડી-વિસાવદર પેટાચૂંટણી, ત્રિકોણીય જંગમાં ઉમેદવારોની અગ્નિપરીક્ષા

કડી વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)એ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ ચૂંટણી હવે દ્વિપક્ષીય નહીં પણ ત્રિપાંખિયો જંગ થવાના કારણે શાસક પક્ષને બંને બેઠક જાળવી રાખવાનો વિશ્વાસ છે.

Mantavya Vishesh

કડી વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)એ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ ચૂંટણી હવે દ્વિપક્ષીય નહીં પણ ત્રિપાંખિયો જંગ થવાના કારણે શાસક પક્ષને બંને બેઠક જાળવી રાખવાનો વિશ્વાસ છે.

કડીમાં ભાજપ કોંગ્રેસના ચાવડા વિ. ચાવડાનો જંગ છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા કોંગ્રેસના રમેશકુમાર ચાવડા સામે ટકરાશે. અર્થશાસ્ત્ર સાથે બી.એ. પાસ કરનારા 66 વર્ષના રાજેન્દ્ર ચાવડા 1980થી પહેલા જનસંઘ તરીકે જાણીતી ભાજપમાં સક્રિય હતા અને આજની તારીખે પણ સક્રિય છે. અગાઉ તે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય મેળવી ચૂક્યા છે. તેના પછી તે 1981થી 1986થી તાલુકા પંચાયતના પણ સભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા 1981 અને 1983માં સરકાર સામેના આંદોલનમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવી આવ્યા છે. કોંગ્રેસના તે સમયના શાસનકાળમાં ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરો જેલવાસ ભોગવી આવેલા છે. તેઓ વિધાનસભ્ય તરીકે સૌપ્રથમ ચૂંટણી 1985માં ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા. તેમા તેમનો કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય થયો હતો. જો કે પરાજય છતાં પણ તેમણે આપેલી લડતની ભાજપમાં નોંધ લેવાઈ હતી, કારણ કે તે સમય કોંગ્રેસનો હતો. આવા વિપરીત વાતાવરણમાં પણ કોંગ્રેસનો ઉમેદવાર તેમની સામે સામાન્ય સરસાઈથી જ જીતી શક્યો હતો.

તેઓ 1981થી 1984 સુધી ભાજપ અનુસૂચિત મોરચાના વડા હતા. જ્યારે 1981થી 1988 દરમિયાન ભાજપની કારોબારીના સભ્ય હતા. આ સિવાય 1993થી 1995 દરમિયાન મહેસાણા જિલ્લાના ભાજપના અનુસૂચિત મોરચાના વડા હતા. જ્યારે 1999થી 2003 સુધી ભાજપના મહેસાણા તાલુકાના કારોબારી સભ્ય હતા. આ ઉપરાંત તે 2003થી 2006 સુધી ભાજપના મહેસાણા જિલ્લાના મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2011થી 2017 સુધી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર હતા. આમ તે પક્ષની અંદર વિવિધ સ્તરે જવાબદારી નીભાવી ચૂક્યા છે. તેની સાથે કડીમાં ભાજપની મજબૂત સંગઠન શક્તિ પણ તેમને મદદરૂપ નીવડશે.

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા જાતિગત રાજકારણના ખંધા ખેલાડી માનવામાં આવે છે. તેમના પત્ની કડી નગરપાલિકામાં કોર્પોરેટર છે. રમેશ ચાવડા ભૂતપૂર્વ વિધાનસભ્ય પણ રહી ચૂક્યા હોવાથી રાજકારણના અઠંગ ખેલાડી મનાય છે. 69 વર્ષના ચાવડા બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. તે કોંગ્રેસમાં આજે પણ સક્રિય છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ મારામાં વિશ્વાસ મૂકતી આવી છે અને તેણે મૂકેલો વિશ્વાસ મેં ભૂતકાળમાં પણ સાર્થક કર્યો છે અને ભવિષ્યમાં પણ કરીશ.

જ્યારે આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર જગદીશ ચાવડા રેસ્ટોરાના માલિક છે અને ત્રણ વર્ષથી આપ સાથે જોડાયેલા છે. ઇસુદાન ગઢવીએ તેમના નામની જાહેરાત કરી હતી. તેઓ બે વર્ષ કરતાં વધુ સમયથી આપની અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ છે. આ ઉપરાંત તે રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે. તે વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતોને લઈને કે તેમના પ્રશ્નોને લઈને હંમેશા આગળ હોય છે. આમ કડીની પ્રજા કયા ચાવડા પર પસંદગી ઉતારે છે તે સમય કહેશે.

કડીમાં ચાવડા વચ્ચે તો વિસાવદરમાં પાટીદાર વચ્ચે જંગ છે. ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે. વિસાવદરની ચૂંટણી પ્રતિષ્ઠિત જંગ મનાય છે. અગાઉ ભૂપત ભાયાણીએ ભાજપના ઉમેદવારને આ બેઠક પર હરાવ્યા હતા, પણ આ વખતે ભાજપ આ બેઠક પર અહીં જરા પણ કાચુ કાપવા માંગતુ નથી. તેથી આ બેઠક પર પાટીદાર અગ્રણી કિરીટ પટેલને મેદાનમાં ઉતારી દીધા છે. આપના ગાજેલા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને બરોબરની ટક્કર આપવા માટે ભાજપે લાંબી વિચારવિમર્શ પછી કિરીટ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

કિરીટ પટેલ એન્જિનિયરીંગ સ્નાતક છે અને તેમનો વિજયના એન્જિનિયર્ડ કરતાં આવડે છે. તે કૃષિ અને બાંધકામ ક્ષેત્રમાં સક્રિય છે.  જૂનાગઢ ભાજપના યુવા પ્રમુખ તરીકે 2009થી 2015 દરમિયાન સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તે 2015થી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમણે તાલાલા અને જૂનાગઢ એપીએમસીના ચેરમેન તરીકે સારી કામગીરી બજાવી છે અને તે જૂનાગઢ સહકારી બેન્કના ચેરમેન છે. આમ તે સ્થાનિક સહકારી ક્ષેત્ર પર મજબૂત પક્કડ ધરાવે છે. તેની સાથે સ્થાનિક પાટીદાર સમાજ અને સંસ્થાઓમાં પણ તેમનો દબદબો છે. તેથી ભાજપ પણ તેમને પરફેક્ટ ચોઇસ માને છે.

કોંગ્રેસે નીતિન રાણપરીયાને ઉમેદવાર જાહેર કરી બતાવી દીધું છે કે આ બેઠક ફક્ત સમખાવા પૂરતી લડી રહી છે. તેના કોઈપણ પ્રકારના સત્તાવિરોધી પવનનો લાભ લેવો નથી. કોંગ્રેસે આ બેઠક માટે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે. દસમુ પાસ નીતિન રાણપરીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સ્તરે કોંગ્રેસમાં વિવિભ ભૂમિકા નીભાવી ચૂક્યા છે. તેમણે હવે સામા પ્રવાહે તરવાનું આવ્યું છે. તેમનો આધાર ખેડૂતોના અસંતોષ પર છે. જો કે ઘણા લોકો કહે છે કે આપ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ ન થવાના લીધે સીધો જ શાસક પક્ષને ફાયદો થશે.

બધા જ ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ હોય તો તે ગોપાલ ઇટાલિયા છે. તે ભલે અગાઉ સુરતમાં વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા, પરંતુ તે ચર્ચામાં રહેવા માટે જાણીતા છે. એડવોકેટની ડિગ્રી ધરાવતા ગોપાલ ઇટાલિયા પોલીસની નોકરીમાંથી રાજકારણ તરફ વળ્યા આ દરમિયાન એટલું તો શીખી ગયા છે કે કોઈપણ રીતે ચર્ચામાં રહેવું જરૂરી છે. એક પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજકારણી બનવા સુધીની ગોપાલ ઇટાલિયાની સફર ઘણી રોચક છે. તેણો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ જાડેજાને જૂતુ મારીને લાઇમલાઇટમાં આવ્યા હતા. તેના પછી તેમણે નીતિન પટેલ સાથે કરેલી ગરમાગરમીનો ઓડિયો આખા રાજ્યમાં વાઇરલ થયેલો છે. આ બંને બનાવોએ ગોપાલ ઇટાલિયાને જબરદસ્ત ખ્યાતિ અપાવી હતી.

તેના પછી તેમણે રાજકીય પક્ષ તરીકે આપનો દામનો પકડ્યો છે. તેમણે ભાજપને પડકાર ફેંક્યો છે કે ભાજપમાં તાકાત હોય તો મને ખરીદીને બતાવે. આ ઉપરાંત તેમણે વિસાવદરના ખેડૂતોના પ્રશ્નો બહુ પહેલેથી જ હાથ ધરવા માંડ્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરના ઉમેદવાર તરીકે સૌથી પહેલા જાહેર કર્યા હતા. તેથી ભાજપને પણ અને કોંગ્રેસને પણ ગોપાલ ઇટાલિયા મક્કમ ટક્કર આપશે તેમ મનાય છે.  તેમને વિશ્વાસ છે કે તેમણે કરેલા ગ્રાઉન્ડ વર્કનો ફાયદો તેમને મળશે. તેમણે ખેડૂતોના પ્રશ્નો હાથ ધર્યા છે અને તેને લઈને રજૂઆતો પણ કરવા માંડી છે. એક પીઢ રાજકારણી તરીકે તે વર્તવા લાગ્યા છે. તેમનો જનસંપર્ક અવિરત છે, તેમનું કહેવું છે કે મને વોટ મળે કે ન મળે, પરંતુ વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવાનું હું જારી રાખીશ.  વિસાવદરની બેઠકનો ઇતિહાસ છે કે અહીં પાટીદાર અને તેમા પણ લેઉઆ પટેલ ઉમેદવાર જ જીતતા આવ્યા છે. હવે આ વખતે આ પણ વિસાવદર કોને સત્તાના વિઝા આપે છે અને કોને સત્તાના પાદરે મૂકી દે છે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ

આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ