Rajkot News/ રાજકોટમાં હીટ એન્ડ રન ‘: દિકરીઓનું હૈયાફાટ રૂદન, મારા પિતાને પાછા મોકલો, કાર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા વૃધ્ધનું મોત

ફરી એકવાર રાજકોટ શહેરમાં બેફામ ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે

Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં વધુ એક અકસ્માતમાં વૃધ્ધે જીવ ગુમાવ્યો છે. હીટ એન્ડ રનના આ બનાવમાં કાર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા 65 વર્ષીય વૃધ્ધનું મોત નીપજ્યું હતું. રાજકોટના લીમડા ચોક પાસે બનેલા આ બનાવમાં વહેલી સવારે એક બેફામ કારચાલકે 65 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો, ખાસ કરીને તેમની દીકરીઓ, ઊંડા શોકમાં ગરકાવ થઈ ગઈ છે અને તેમણે રડતા રડતા પપ્પા પાસે જવું છે કહી આક્રોશ ઠાલવ્યો હતો.

તેમજ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વૃદ્ધનું નામ મીઠાભાઈ ધંધુકીયા (ઉંમર 65) છે. તેઓ વહેલી સવારે લીમડા ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મીઠાભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટના બાદ કારચાલક પલકવારમાં ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મીઠાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાથી મીઠાભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની દીકરીઓ પોતાના પિતાના અકાળ અવસાનથી ભાંગી પડી છે. હોસ્પિટલ ખાતે ભેગા થયેલા પરિવારજનો અને ખાસ કરીને દીકરીઓએ હૈયાફાટ રુદન કરતા જણાવ્યું કે, અમારા પિતા કોઈના ભરોસે જીવતા નહોતા. પોતાની જાતે જ જીવન ગુજારતા હતા. આવા સમયે કોઈ બેફામ ગાડી ચલાવીને તેમને મારી નાખે એ કેટલું અસહ્ય છે! આવા વાહનચાલકોને કડકમાં કડક સજા થવી જોઈએ.

મૃતકની દીકરી પૂનમબેને જણાવ્યું હતું કે, મારા પપ્પા સેન્ટરિંગ કામની મજૂરી કરતા હતા. તેઓ સવારે તેમના કામ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે હડફેટે લેતા તેઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ મામલે અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે. આવા લોકો દ્વારા ગમે તેના પરિવાર વિખાઈ જાય છે. અમારો પરિવાર પણ તેણે વિખી નાખ્યો છે. ત્યારે આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. તેને ગમે ત્યાંથી પકડી અમારી સામે હાજર કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગ છે.

મૃતકનાં મોટા દીકરી દેવલબેને જણાવ્યું હતું કે, હું તેની મોટી દીકરી છે. સવારે મારા પપ્પા કામે જતા હતા. ત્યારે ફોરવહીલ ચાલકે ઉડાડી દેતા તેમણે જીવ ગુમાવ્યો છે. અમારે મીડિયાની પણ મદદ જોઈએ છે. અમારે ન્યાય જોઈએ છે. અમે સાવ નાના માણસો છીએ. ત્યારે હવે પોલીસ તરફથી પૂરો સપોર્ટ અને સહાય તેમજ ન્યાય મળવો જોઈએ. તેમની આંખોમાં આંસુ હતા અને અવાજમાં આક્રોશ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ ફરી એકવાર રાજકોટ શહેરમાં બેફામ ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. શહેરીજનો દ્વારા આવા બેજવાબદાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની અને ટ્રાફિક નિયમોના અમલીકરણને વધુ સઘન બનાવવાની માગણી કરવામાં આવી રહી છે. એક તરફ, પોલીસે કારચાલકને ઝડપી પાડવા કમર કસી છે, તો બીજી તરફ, મીઠાભાઈના પરિવારજનોને તેમના સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને ન્યાયની પ્રતીક્ષા સતાવી રહી છે. આશા છે કે પોલીસ ઝડપથી આરોપીને પકડી પાડી મીઠાભાઈના પરિવારને ન્યાય અપાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાણીપમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરથી ઝડપાયો

આ પણ વાંચો:પુણેના ચકચારભર્યા કાર અકસ્માત કેસમાં સગીર આરોપીના બલ્ડ સેમ્પલ બદલી નંખાયા હતા, જેલમાં બંધ ડોક્ટરની ધરપકડ

આ પણ વાંચો:ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત,4 ના મોત