Viramgam News: વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સીએમ ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ઉત્તમ ડેરીએ ફક્ત રાજકીય કિન્નાખોરીના કારણે અમદાવાદ જિલ્લાની અંદર 300 જેટલી દૂધમંડળીઓ બંધ કરાવી દીધી હતી. તેની સાથે તેમણે વિરમગામની બંધ પડેલી 62 દૂધમંડળી ફરીથી ચાલુ કરાવવા રજૂઆત કરી છે.
હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે જો ઉત્તમ ડેરીએ મનફાવે તેમ વહીવટ ન કર્યો હોત અને મનફાવે તેમ પેટા કાયદા ઘડ્યા ન હોત તથા રાજકીય કિન્નાખોરી રાખી ન હોત તો આજે 300 જેટલી દૂધમંડળીઓ ચાલતી હોત અને હજારો પશુપાલકો નભતા હોત. એકબાજુએ રસ્તા પર રખડતા ઢોરને લઈને ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ આ રીતે બંધ કરવામાં આવતી દૂધમંડળીને કોઈ ફરિયાદ પણ કરતું નથી. આમ ઉત્તમ ડેરીએ હજારો પશુપાલકોના પેટ પર લાત મારી હતી અને તેમના ઢોરોને રસ્તા પરનો કચરો ખાવા મજબૂર કર્યા છે. આમ ડેરી સેક્ટરના રાજકારણમાં વધુ એક ડેરી સામે આક્ષેપ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વિરમગામ, દેત્રોજ, માંડલ અને નળકાંઠાના વિસ્તારમાં અગાઉથી ચાલતી 62 દૂધ મંડળીઓ સામે રાજકીય કિન્નાખોરી દાખવીને તેને છેલ્લા પાંચ વર્ષ પહેલા બંધ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં માલધારીઓ વસે છે અને તે પશુપાલનના કારોબાર સાથે જોડાયેલા છે. તેઓ દૂધ વેચીને જ તેમના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેમનું દૂધ સ્વીકારવામાં ન આવતા હવે તેમણે છેક શહેરમાં વાહન ભાડે કરીને જવું પડે છે. આ ઉપરાંત દૂધના છૂટક ભાવ ન મળતા અને માલધારીઓને બીજા જિલ્લામાં સ્થળાંતર થવાની ફરજ પડે છે.
હવે જો આ માલધારીઓનું દૂધ સ્વીકારવામાં આવે તો તેમણે બીજા જિલ્લામાં સ્થળાંતર થવાની ફરજ ન પડે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ઉત્તમ ડેરી તેના વહીવટમાં મને ફાવે તેવા સુધારા કરીને કૌભાંડ આચરી રહી છે. તેની તપાસ થવી જોઈએ. જો ઉત્તમ ડેરીની ન્યાયિક તપાસ કરવામાં આવે તો અમદાવાદમાં 300 દૂધમંડળીઓ બંધ થવા પાછળના રહસ્યની પણ ખબર પડી જાય તેમ છે. આમ નામ હોય તેવા ગુણ ન હોય તે ન્યાયે ઉત્તમની કામગીરી સૌથી ખરાબ રહી છે. તેથી હવે તે દોષનો ટોપલો માલધારીઓના માથે ઓઢાડવા માંગે છે.
આ પણ વાંચો: ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો
આ પણ વાંચો: વિરમગામના ભોજિયાપુરા ગામે વીજળી પડતા એક ખેડૂતનું મોત
આ પણ વાંચો: વિરમગામમાં મધમાખીઓનું ઝૂંડ શ્રધ્ધાળુઓ પર ત્રાટક્યું ,100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા
