Vadodara News : વડોદરા (Vadodara)જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે (Vankaner Village)પેવર બ્લોકની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ગામમાં પેવર બ્લોક નાખવા માટે આશરે ₹2 લાખની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ કામગીરી શરૂ ન થતાં સમગ્ર મામલે ભ્રષ્ટાચાર (Corruption)અને સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપો ઉઠ્યા છે.
જાગૃત નાગરિક દ્વારા ગામના સરપંચ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડિસેમ્બર મહિનામાં પેવર બ્લોક (Paver Block)ની કામગીરી માટે ઠરાવ કરીને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ ફાળવણી બાદ પણ સ્થળ પર પેવર બ્લોકનું કામ થયું નથી.
કામ ન થતાં રસ્તાની હાલત બિસમાર

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પેવર બ્લોક (Paver Block)ની કામગીરી સમયસર ન થતાં રસ્તાની સ્થિતિ કથળી ગઈ છે. વરસાદી પાણીના કારણે રસ્તા પર કાદવ અને કીચડ ભરાતા ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોને કાદવ-કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
સરકારી ગ્રાન્ટના ઉપયોગ સામે સવાલ

પેવર બ્લોક માટે ફાળવાયેલી ગ્રાન્ટનો વાસ્તવિક ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં ગ્રાન્ટની ફાળવણી અને તેના ઉપયોગ અંગે પારદર્શક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ મામલે સરપંચને પૂછવામાં આવતા સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો પણ આક્ષેપ જાગૃત નાગરિકે કર્યો છે. સમગ્ર મામલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તપાસની માંગ
વાંકાનેર ગામમાં પેવર બ્લોકની કામગીરી માટે ફાળવાયેલી ₹2 લાખની ગ્રાન્ટ, ઠરાવ અને કામગીરીની હકીકતની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તપાસ બાદ જ ગ્રાન્ટનો વાસ્તવિક ઉપયોગ થયો છે કે નહીં અને કામગીરી કેમ શરૂ થઈ નથી તે અંગે સ્પષ્ટતા થઈ શકે તેમ છે.
