Surat News: શહેરના ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર આવેલા 7 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને રાતોરાત કાપી (Surat Udhna Tree Illegal Cutting) નાખવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, નજીકની બિલ્ડિંગ માટે નડતરરૂપ બનતા આ વૃક્ષો સંબંધિત પરવાનગી વિના કાપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉધનામાં જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા જાહેર માર્ગ પર વર્ષોથી ઊભેલા 7 જેટલા વૃક્ષો અચાનક કાપી (Surat Udhna Tree Illegal Cutting) નાખવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વૃક્ષો અંદાજે 10થી 15 વર્ષ જૂના હતા અને ખૂબ જ ઘટાદાર હોવાથી રસ્તા પર છાંયો તેમજ હરિયાળી પૂરી પાડતા હતા.
Surat Udhna Tree Illegal Cutting: બિલ્ડિંગને નડતરરૂપ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે, નજીકની એક બિલ્ડિંગના કામમાં નડતરરૂપ બનતા આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. વૃક્ષો કાપતા પહેલાં સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, જાહેર માર્ગ પર આવેલા મોટા વૃક્ષોનું આ રીતે છેદન કરવામાં આવ્યું હોય તો જવાબદાર વ્યક્તિ સામે માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી નથી. વૃક્ષો કયા કારણોસર અને કોના કહેવાથી કાપવામાં આવ્યા તેની પણ તપાસ થવી જોઈએ.
પરવાનગી વિના વૃક્ષો કાપ્યાનો આક્ષેપ
વૃક્ષોના છેદન અંગે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, પાલિકા કે સંબંધિત વન વિભાગની મંજૂરી વિના જ વૃક્ષો કાપી (Surat Udhna Tree Illegal Cutting) નાખવામાં આવ્યા હતા. જોકે, આ મામલે અંતિમ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. આ ઘટનાને કારણે શહેરમાં વિકાસના કામો અને વૃક્ષ સંરક્ષણ વચ્ચેના સંતુલન અંગે પણ ફરી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને જાહેર રસ્તાઓ પર વર્ષોથી ઊભેલા વૃક્ષોને દૂર કરવા માટે નિયમો અને પરવાનગી પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તે મહત્વનો મુદ્દો બની રહ્યો છે.
પાલિકાએ રૂ.90 હજારનો દંડ ફટકાર્યો
ઘટનાની જાણ થતાં ઉધના ઝોનના પાલિકા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાએ વૃક્ષો કાપવાના મામલે રૂ.90 હજારનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, સ્થાનિકોમાં સવાલ છે કે, વર્ષો જૂના 7 વૃક્ષોના છેદન જેવા ગંભીર પર્યાવરણીય મામલામાં માત્ર દંડ વસૂલવાથી કાર્યવાહી પૂર્ણ માનવી યોગ્ય છે કે કેમ? વૃક્ષો કાપવા પાછળ કોણ જવાબદાર છે અને કયા સંજોગોમાં વૃક્ષોનું છેદન થયું તેની વિગતવાર તપાસની માંગ ઉઠી રહી છે.
ડેપ્યુટી કમિશનરે તપાસની ખાતરી આપી
સમગ્ર મામલે ઉધના ઝોનના ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરવામાં આવતા તેમણે ઘટના અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે સમગ્ર મામલાની વિગતો મેળવી તપાસ કરવાની ખાતરી આપી છે. ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે, વૃક્ષો કોના કહેવાથી કાપવામાં આવ્યા અને સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેની તપાસ કરવામાં આવશે. જો નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
7 વૃક્ષોના છેદનથી અનેક સવાલો
આ સમગ્ર ઘટનામાં હવે મુખ્ય સવાલ એ છે કે જાહેર માર્ગ પર આવેલા વર્ષો જૂના વૃક્ષો કાપતા પહેલાં જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં? જો મંજૂરી લેવામાં આવી ન હોય તો વૃક્ષો કાપનાર (Surat Udhna Tree Illegal Cutting) સામે આગળ કઈ કાર્યવાહી થશે? તેમજ પાલિકાએ વસૂલેલો રૂ.90 હજારનો દંડ જ અંતિમ કાર્યવાહી રહેશે કે જવાબદારી નક્કી કરીને વધુ પગલાં લેવામાં આવશે?
હાલમાં સમગ્ર મામલે પાલિકા તંત્રની તપાસ બાદ જ વૃક્ષોના છેદન પાછળની હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે. સ્થાનિકો દ્વારા પણ આ મામલે યોગ્ય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:હોર્ડિંગ માટે વૃક્ષોની બલિ, જવાબદારી કોની !
આ પણ વાંચો:વેજલપુરમાં વૃક્ષોનું નિકંદન,પરવાનગી વિના વૃક્ષો કાપવાનો બેરોકટોક વેપલો
આ પણ વાંચો:લીલાછમ વૃક્ષ છેદનથી વૃક્ષ પ્રેમીઓમાં કચવાટની લાગણી
