Rajkot News : રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે લોકદરબાર યોજાયો હતો. જેમાં મંત્રીએ અરજદારોને રૂબરૂ મળીને, તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને આવશ્યક સૂચના આપી હતી.
આ લોકદરબારમાં મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે હોમ ડિપાર્ટમેન્ટ જોઇન્ટ સેક્રેટરી આશિષ વાળાએ અરજદારોની ફરિયાદો સાંભળીને, તેનું તુરંત નિરાકરણ લાવવા સંબંધિત પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત, પોલીસ સ્ટાફે ફરિયાદોના નિકાલની કરેલી સરાહનીય કામગીરી બદલ નાગરિકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ નાગરિકોની સેવા, સુરક્ષા અને શાંતિ માટે કટિબદ્ધ છે. ત્યારે લોકદરબારમાં સાયબર ફ્રોડ, ઘરેલુ હિંસા, ધાક-ધમકી, વ્યાજખોરી, છેતરપિંડી સહિતની ફરિયાદોની મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું.
આ તકે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ પોલીસ કમિશનરો સજનસિંહ પરમાર, પાર્થરાજસિંહ ગોહિલ અને જગદીશ બાંગરવા, ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશનરો રાધિકા ભારાઈ અને ભરત બસિયા સહિત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લોકદરબારમાં આવેલા અરજદારોના પ્રતિભાવો
ગુમ થયેલા યુવાન દીકરાને શોધી આપનારી રાજકોટ પોલીસ અમારા માટે ભગવાન સમાન : બટુકભાઈ સોલંકી
“મારા માટે રાજકોટ પોલીસ ભગવાન સમાન છે.” આ શબ્દો છે, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને ભગવાનના વાઘા (વસ્ત્રો)ની હાથલારી ચલાવીને પરિવારનું ગુજરાન કરતા બટુકભાઈ સોલંકીના. બટુકભાઈ અને તેમના પત્ની પોલીસ કમિશનર કચેરી ખાતે મંત્રી હર્ષભાઈ સંઘવી તથા પોલીસ સ્ટાફનો આભાર માનવા ઉપસ્થિત રહ્યાં હતાં.
બટુકભાઈએ કહ્યું કે, જ્યારે પરિવારનો યુવાન વયનો દીકરો ઘર છોડીને ચાલ્યો જાય ત્યારે મા-બાપ પર આભ ફાટી પડે છે. મારો પુત્ર કહ્યા વગર ઘરેથી ચાલ્યો જતા અમે પતિ-પત્નીએ જમવાનું જ મૂકી દીધું હતું. ત્યારે રાજકોટ તાલુકા પોલીસ ભગવાન બનીને અમારી મદદે આવી હતી.
બટુકભાઈએ કહ્યું કે, પોલીસ ઇન્સ્પેક્ટર ધવલભાઈ હરિપરા તેમજ તપાસ અધિકારી સલીમભાઈ માડમ સહિતના સ્ટાફે મહેનત કરીને બે મહિનામાં મારા પુત્રને સુરતથી શોધી, સુરક્ષિત રીતે અમને સોંપ્યો હતો. મુશ્કેલીભર્યા આ બે મહિના દરમિયાન નિયમિત પોલીસની હૂંફ મળતા અમારી હિંમત વધતી હતી. બે મહિનાના પરિશ્રમ બાદ પોલીસ ટીમે સુરતથી મારા પુત્રને શોધીને અમારા માથેથી દુઃખનો ડુંગર દૂર કર્યો હતો.
પોલીસનો ખૂબ ખૂબ આભાર કે ૨૪ કલાકમાં મારા ભાઈના આરોપીઓને શોધી કાઢ્યા : રમઝાનભાઈ લાખાણી
રમઝાનભાઈ લાખાણી જણાવ્યું હતું કે, પોલીસનો ખૂબ ખૂબ આભાર કે, ૨૪ કલાકમાં મારા ભાઈના આરોપીઓને શોધી કાઢ્યા. કેસની વિગતવાર વાત કરતા તેમણે જણાવ્યું છે કે, મારા ૭૦ વર્ષીય ભાઈ બરકત રાજકોટમાં એકલા રહેતા હતાં. તેઓ સોનાના દાગીના પહેરવાના શોખીન હતાં. તેમની પાસેથી સોનાના દાગીનાની લૂંટ કરવા માટે બે લોકોએ તેમની હત્યા કરી હતી. અમે તુરંત ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે ૨૪ કલાકમાં જ આરોપીઓની અટકાયત કરીને આગળ યોગ્ય કાર્યવાહી કરી હતી. જેથી, આ તકે મંત્રી અને પોલીસ અધિકારીઓનો આભાર માનું છું.
પોલીસની કાર્યનિષ્ઠાના કારણે ભત્રીજા પાસેથી મારું ઘર પાછું મળ્યું : જાગૃતિબેન દવે
વયોવૃદ્ધ જાગૃતિબેન દવેએ જણાવ્યું હતું કે, મારા પતિ અવસાન પામ્યા છે અને મારી દીકરી સાસરે રહે છે. પરિવારમાં હું એકલી છું. મારા ભત્રીજાનો પરિવાર રાજકોટ છોટુનગરમાં આવેલા મારા ઘરમાં રહેતો હતો. વારંવાર સમજાવવા છતાં તેઓ ઘર ખાલી કરતા ન હતાં. છેવટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી. ફરિયાદ કરતા અગાઉ મને પોલીસ મથકમાં જતા ડર લાગતો હતો, પરંતુ રાધિકા ભારાઈ મેડમ અને પોલીસ સ્ટાફના સહયોગના લીધે હું નિર્ભય બની. ૧૫ દિવસમાં મારા કેસનો ઉકેલ આવ્યો. પોલીસની કાર્યનિષ્ઠાના કારણે ભત્રીજા પાસેથી મારું ઘર પાછું મળ્યું. જે બદલ રાજ્ય સરકારનો આભાર.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે
આ પણ વાંચો: પાટણમાં હારીજ નગરપાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડન્ટને મળી જાનથી મારી નાખવાની ધમકી
