જાણીતા કથાવાચક અનિરુદ્ધાચાર્ય તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હવે તેમના આ વિવાદાસ્પદ નિવેદનોમાં વધુ એક ઉમેરો થયો છે. તેમણે તાજેતરમાં જ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું હતું કે યુવતીના લગન 25 વર્ષ પહેલા કરી દેવા જોઈએ. 25 વર્ષ સુધીની યુવતીના ચારથી પાંચ બોયફ્રેન્ડ હોય છે અને તે કેટલીય જગ્યાએ મોં મારી ચૂકી હોય છે. તાજેતરનો જ કિસ્સો 25 વર્ષથી વધુ યુવતીના લગ્ન કરવામાં આવ્યા અને તેનું બીજી જગ્યાએ અફેર ચાલતું હતું, પતિને મારી નાખીને ડ્રમમાં પૂરી દીધો.
તેમના આ નિવેદનના પગલાં આખા દેશમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. વિવિધ મહિલા સંગઠનો તેમની સામે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે પણ તેમની સામે મોરચો ખોલ્યો છે. બીજી બાજુએ અનિરુદ્ધાચાર્યજીના સમર્થનમાં સંતસમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. આમ એક રીતે રુઢિચુસ્તો અને ઉદારવાદીઓ વચ્ચે રીતસરનો જંગ છેડાઈ ગયો છે. સંત સમાજનો દાવો છે કે આ જ આચાર્ય અનિરુદ્ધાચાર્યજીએ કેટલાય વૃદ્ધાશ્રમો ખોલ્યા છે અને ત્યજી દેવામાં આવેલી વિધવાઓ અને વૃદ્ધાઓને તે પાળે છે. તે હિન્દુ ધર્મના રક્ષક છે. તેમણે કશું વિવાદાસ્પદ કહ્યું જ નથી. તેમણે જે કહ્યું છે તે સત્ય કહ્યું છે. તેમનો દાવો છે કે તેમની વાત એ જ મહિલાઓને લાગુ પડે છે જે એ પ્રકારની છે, હવે જે યુવતીઓ એવી છે જ નહીં તેને કશું લાગું પડતું નથી. મહારાજના કથાવાચનમાં મુખ્યત્વે મહિલાઓ જ આવે છે.
મહારાજના આ નિવેદનને લઈને યુપી મહિલા પંચ મેદાનમાં આવ્યું છે અને રાજ્યની વિવિધ કોર્ટોમાં કામ કરતી મહિલાઓએ પણ તેમની સામે દેખાવ કર્યા છે અને તેમના પૂતળા બાળ્યા છે. મહિલાઓ આ અંગે નિવેદન કરનારાના અનિરુદ્ધાચાર્ય મહારાજ પાસે માફીની પણ માંગ કરી છે. તેઓનું કહેવું છે કે મહારાજે મહિલાઓ માટે હીણપતભરી ટિપ્પણી કરી છે અને આ બદલ તેમણે માફી માંગવી જ જોઈએ. આગામી દિવસોમાં તેમની સામે એફઆઇઆર પણ દાખલ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
અહીં સંત સમાજમાં પણ વિભાજન જોવા મળ્યું છે. કેટલીય સાધ્વીઓએ પણ મહારાજના નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ માટે તેમણે આ પ્રકારની ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. આ પ્રકારના નિવેદનો તેમને શોભા દેતા નથી. તેમણે બધી મહિલાઓને એક ત્રાજવે ન તોલવી જોઈએ. આજે મને મારા માતાપિતાએ સારી રીતે ભણાવી છે. મેં આધુનિક શિક્ષણ મેળવ્યું છે. મેં ધર્મગ્રંથો વાંચીને તેને હૃદયમાં ઉતારીને સાધ્વી બનવાનો નિર્ણય કર્યો છે. જો મને આજે આ શિક્ષણ મળ્યું ન હોત તો હું આ રીતે સાધ્વી બની ન હોત. તેઓ પોતે આટલી બધી માતાઓની સેવા કરે છે પછી તેમણે આવું નિવેદન કરવાની ક્યાં જરૂર હતી. તેમણે પોતે પોતાના સેવાકાર્યોને લાંછન લગાડી છે.
આ ઉપરાંત નોકરિયાત મહિલાઓના મોટા જૂથે પણ તેમની સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ તો રીતસરનો અમારા ચારિત્ર્ય પર પ્રહાર છે. અમે અમારા કુટુંબ માટે બહાર જઈએ છીએ, અમારા કુટુંબનું જીવનસ્તર ઊંચે લાવવા બહાર જઈએ છીએ, કુટુંબને મદદરૂપ થવા બહાર જઈએ છીએ, એટલે શું અમારું ચારિત્ર્ય શિથિલ થઈ ગયું. કોઈ વિશેષ જવાબદારી ઉઠાવે તેનું સમ્માન કરવાની વાત તો બાજુએ રહીં આ તો ઉપરથી તેને ચારિત્ર્ય સામે શંકા ઉઠાવાઈ રહી છે, તેમની આ વાત રીતસરની વાંધાજનક છે. તેઓ આ વાત દ્વારા એવું દર્શાવવા માંગે છે કે મહિલાઓ શિથિલ ચરિત્રની છે, ઘરની બહાર નીકળતી યુવતીઓ કે મહિલાઓ ભરોસાને પાત્ર નથી. એક કે બે કિસ્સાના આધારે આ રીતે બધી જ યુવતીઓમાં ચારિત્ર્યનું પ્રમાણપત્ર ન આપી શકાય.
અનિરુદ્ધાચાર્યજીના પ્રકારના નિવેદન અંગે કેટલાય મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે કથાવાચકનું આ પ્રકારનું નિવેદન તે મહિલાઓ પ્રત્યેની હીણી માનસિકતાનો પુરાવો છે. આ દર્શાવે છે કે આજે પણ આપણા દેશમાં આ પ્રકારની ઉતરતા સ્તરની માનસિકતા ધરાવતા અને મહિલાઓ પ્રત્યે સન્માન ન ધરાવતા લોકો છે. આવો મોટો વર્ગ છે, જે મહિલાઓને ઉતરતી કક્ષાની માને છે. તેમને ઘરની અંદર બંધ રાખવા માંગે છે.
અહીં ફક્ત સંત સમાજ નહીં પણ રુઢિચુસ્તોનો મોટો વર્ગ છે જે અનિરુદ્ધાચાર્ય મહારાજના સમર્થનમાં છે. તેઓનું કહેવું છે કે છેવટે કોઈએ સમાજને અરીસો બતાવવાની હિંમત દાખવી. તેઓ માને જ છે કે આજના સમયની યુવતીઓ કશાં જ કારણ વગર લાંબા સમય સુધી લગ્ન ટાળે છે, તેઓમાંથી સંસ્કાર ઓછા થતાં જાય છે. આ યુવતીઓ તેમના પિતાનું પણ સન્માન રાખતી નથી, તેના કેટલાય બોયફ્રેન્ડ હોય છે, તેના કારણે આજે સમાજમાં નૈતિકતાનું સ્તર વધુને વધુ નીચે જઈ રહ્યું છે. તેમા પણ બોલિવૂડની ફિલ્મો, ટીવી સીરિયલો, ઓટીટી ફિલ્મોએ સમાજને અધપતન તરફ ધકેલ્યો છે.
આ બધાના કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વેગ પકડે તો આશ્ચર્ય નહીં થાય. એકબાજુએ મહિલા સંગઠનો અનિરુદ્ધાચાર્ય સામે મેદાનમાં ઉતરી છે અને તેમણે માફી માંગવી જોઈએ તેમ કહી રહી છે. બીજી બાજુએ સંતસમાજ તેમના સમર્થનમાં ઉતર્યો છે અને જણાવી રહ્યો છે કે તેમણે જે પણ કર્યુ તે યોગ્ય જ કર્યુ છે.
અનિરુદ્ધાચાર્યએ જણાવ્યું છે કે મારા વિડીયોમાંથી અમુક શબ્દો હટાવી દેતા આ વિવાદ સર્જાયો છે. મેં બધી જ યુવતીઓ નહીં પણ કેટલીક યુવતીઓ જણાવ્યું હતું. તેમાથી કેટલીક શબ્દ હટાવી દેવાયો છે. અમે તો નારીને લક્ષ્મી અને માતા જગદંબાનું સ્વરૂપ માનીએ છીએ, તેથી તેના અપમાનનું વિચારી પણ ન શકીએ. આમ છતાં પણ મારી અડધી વાત સાંભળીને પણ જે લોકોને દુઃખ થયું છે તેમની હું માફી માંગું છું.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
