આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરીથી વિસ્ફોટક દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં લગ્ન નોંધણીનું રીતસરનું કૌભાંડ ચાલે છે. રાજ્યના કેટલાય વિસ્તારોના ગામડાઓની વસ્તી કરતાં વધારે લગ્નો નોંધાયેલા છે. તેના ભાગરૂપે તેમણે સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓના ઉદાહરણ પણ આપ્યા હતા, આમ ગોપાલ ઇટાલિયાનો દાવો ખૂબ જ ચોંકાવનારી બાબત છે. વિધાનસભ્ય તરીકે ચૂંટાયા પછી એક પછી એક કૌભાંડનો પર્દાફાશ કરવાનો જાણે તેમણે નિયમ લઈ લીધો છે. આમ ગોપાલ ઇટાલિયા એક પછી એક જે રીતે વિસ્ફોટક દાવા કરી રહ્યા છે તે જોતાં ઘણા લોકો તેમની તુલના હવે RDX સાથે કરવા લાગ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં યુવતીની લગ્ન વય મર્યાદા 18 વર્ષની હોવાના કાયદાને ઢાલ બનાવીને માફિયા તત્વો રીતસરનો દૂરુપયોગ કરી રહ્યા છે. 18 વર્ષની યુવતીને ફોસલાવીને રીતસરના તેમના લગ્ન કરી દેવાય છે, તેમને દેહવ્યાપારમાં ધકેલી દેવાય છે, તેને ગુનાખોરીમાં ધકેલી દેવાય છે, તેને ડ્રગ પેડલર બનાવી દેવાય છે, તેમની સાથે લવજેહાદ કરાવાય છે, આ ઉપરાંત યુવતીને પિતાની સંપત્તિમાં પણ હવે કાયદાકીય અધિકાર મળતો હોઈ તેમના રૂપિયા પડાવવા પણ આ પ્રકારે યુવતીઓને ફોસલાવાય છે.
આ ઉપરાંત આ પ્રકારની યુવતીઓને ફસાવીને ગેંગ પછી તેમને લૂંટેરી દુલ્હન બનાવે છે. તેમા તે યુવતીને હાથો બનાવીને લગ્નોત્સુક યુવકોને લૂંટવામાં આવે છે. રાજ્યના સંખ્યાબંધ ગામડાઓમાં આ પ્રકારનું લગ્ન નોંધણી કૌભાંડ ચાલે છે. આ ગામડાઓના તલાટી તેમા મોટાપાયા પર સંડોવાયેલા છે. આ તલાટીઓ દસ-દસ હજાર રૂપિયા લઈને આવા ગેરવાજબી લગ્નોની નોંધણી કરી આપે છે. તેઓને આ દીકરીઓનું શું થશે તેની જરા પણ ચિંતા નથી. આ સંજોગોમાં આ તલાટીઓ માફિયાઓ સાથે સંડોવાયેલા હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. વાસ્તવમાં આ રીતે ગામની વસ્તી કરતાં પણ દોઢ ગણા અને બમણા લગ્નોની નોંધણી કરતાં તલાટીઓ સામે તંત્રએ હજી સુધી કોઈ પગલાં લીધા નથી તે મોટો સવાલ છે. શું તંત્રને દીકરીઓની કોઈ ચિંતા નથી.
હવે સમાજ આગળ વધી ગયો છે, પણ કાયદો પાછળ રહી ગયો છે. આજે કોઈ માબાપ કંઈ 18 વર્ષની વયે તેમની પુત્રીના લગ્ન કરાવતા નથી. આજે યુવતીની સરેરાશ લગ્ન વય મર્યાદા 21 વર્ષ જેટલી છે. આજે કયા માબાપ તેમની પુત્રીને ભણાવ્યા વગર પરણાવવા તૈયાર થાય. આ પ્રકારના લગ્નનો ભોગ મહદ અંશે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારની યુવતીઓ બને છે. તેમને લગ્ન માટે ફસાવનારાઓ રીતસરની જાળ જ ફેંકે છે અને પછી તે યુવતી 18 વર્ષની થઈ ગઈ હોવાથી તેના માબાપ પણ તેમાં કશુ કરી શકતા નથી. આમ યુવતીને ફસાવનારાઓ યુવતીને જ હાથો બનાવીને તેને તેના કુટુંબથી વિખૂટી પાડે છે, પછી આ યુવતીઓનો કોઈ અતોપતો મળતો હોતો નથી. કુટુંબે પણ તેનાથી હાથ ધોઈ નાખવા પડે છે.
વાત અહીં પૂરી થતી નથી. આ યુવતીઓનો ઉપયોગ કરીને માફિયાઓ તેના કુટુંબમાંથી પણ રૂપિયા પડાવે છે. યુવતીનો પિતાની સંપત્તિમાં કાયદાકીય અધિકાર હોવાનું કહીને તેના કુટુંબ પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. તેના કારણે કોર્ટ પર પણ આ પ્રકારના કેસોનું ભારણ વધ્યું છે. આ ઉપરાંત કાચી વયમાં કદાચ આ યુવતીને ફસાવી ન હોય, પરંતુ તેણે પ્રેમલગ્ન કરી લીધા હોય પણ સમજણના અભાવે આ લગ્ન લાંબો સમય ટકતા નથી. તેના લીધે ઘડિયા લગ્નની જેમ ઘડિયા છૂટાછેડા પણ જોવા મળી રહ્યા છે. ફક્ત મુગ્ધાવસ્થાના આકર્ષણના કારણે કરેલા પ્રેમલગ્નો લાંબા ટકતા નથી. આના કારણે રાજ્યમાં છેલ્લા દાયકામાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પ્રકારની પરિસ્થિતિને જોતાં મારી રાજ્ય સરકાર અને તેમા પણ ખાસ કરીને સીએમ ભુપેન્દ્રપટેલને વિનંતી છે કે યુવતીની લગ્ન વયમર્યાદા 21 વર્ષની કરવામાં આવે. જો તે આમ કરી શકે તો મહિલા સુરક્ષા માટે આ અત્યંત મહત્વનું પગલું લેખાશે. તેની સાથે યુવતી જ્યાં રહેતી હોય એટલે કે તેનું જે સરનામું હોય તે વોર્ડ કે વિસ્તારમાં જ તેના લગ્નની નોંધણી કરાવાય.
હાલમાં કૌભાંડીઓ ભરૂચની યુવતીના લગ્નની નોંધણી છેક ભાવનગરના કોઈ ગામડામાં કરાવે છે. આવું કોઈપણ રીતે ન ચાલવું જોઈએ. વાસ્તવમાં હવે જો યુવતી ભરૂચની હોય તો તે ભરૂચમાં જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં જ તેના લગ્નની નોંધણી થવી જોઈએ. આજે અમદાવાદમાં ખરીદેલા વાહનનું જો અમદાવાદમાં જ રજિસ્ટ્રેશન થતું હોય અને તે વડોદરા કે સુરત કે રાજકોટ બીજે ક્યાંય થઈ શકતું ન હોય તો પછી આ જ નિયમ લગ્નમાં લાગુ પાડવામાં કેમ આવતો નથી.
વડોદરાના લગ્નનું ભાવનગરમાં રજિસ્ટ્રેશન થાય તે કેવી રીતે ચાલે. તેથી સરકારે પહેલાં તો યુવતી જ્યાં લગ્ન કરે ત્યાં જ તેની નોંધણી કરાવવાનો કાયદો સત્વરે ઘડવો જોઈએ, જેથી યુવતીઓના થતાં શોષણનો અંત આવે. આની સાથે અત્યાર સુધી રાજ્યના જે-જે તાલુકા અને ગામડાઓમાં તલાટીઓએ રૂપિયા આપી-આપીને લગ્નોની ખોટી નોંધણીઓ કરાવી છે તેની તપાસ કરાવવામાં આવે, મને વિશ્વાસ છે કે આ બધાની પાછળ કોઈ માફિયા ગેંગ હશે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓ તેની કડી હશે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને 18થી 20 વર્ષની વચ્ચેની વયની યુવતીઓને ફસાવવામાં આવી હોય તેનું પ્રમાણ વધારે છે. પછી આ આંકડાની તુલના ગુમ થયેલી યુવતીઓના ક્રાઇમ ડેટા સાથે પણ કરવી જોઈએ. સરકાર જો આ દિશામાં કાયદાકીય પગલાં નહીં ભરે તો યુવતીઓના શોષણને કોઈ અટકાવી નહી શકે. મહિલાઓને ઊંચા પોસ્ટિંગ આપવાથી વાત પૂરી થઈ જવાની નથી, મહિલા સુરક્ષાની દિશામાં પગલાં ભરવા પણ તેટલા જ જરૂરી છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
