સરકારે ઓનલાઇન ગેમિંગનો કાયદો લાવી દીધો છે, પણ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે સરકારે પગલું લીધું તેના કારણે સ્થાનિક ધોરણે કાયદેસર રીતે મની ગેમિંગ એપ ચલાવનારાઓ પર અસર પડશે, આ પગલાંથી બે લાખ લોકો બેરોજગાર થશે. આ ઓનલાઇન ગેમિંગ કંપનીઓ કાયદેસર રીતે ચાલી રહી છે, સરકારને તેના પર ટેક્સની આવક પણ મળે છે. અહીં કશું ગેરકાયદે નથી.
આનાથી વિપરીત વિદેશમાંથી ક્રિકેટના સટ્ટાની ગેરકાયદે ગેમ્બલિંગ એપ ચલાવનારા પર સરકારની કોઈ કારી ચાલતી નથી. આ સટ્ટો 30,000 કરોડ રૂપિયાથી વધારે રકમનો છે. હવે આ ગેરકાયદે સટ્ટો રમાડતી આ એપ્લિકેશનો ભારતમાંથી કરોડો રૂપિયા ઉસેટી જાય છે, તેના પર સરકારનો કોઈ નિયમ લાગુ પડતો નથી. જ્યારે કાયદેસર રીતે સટ્ટો રમાડતી કંપનીઓ પર આ પ્રતિબંધ લાગુ પડવા જઈ રહ્યો છે.
ઓનલાઇન ગેમિંગ કંપનીઓ આ માટે સરકારને કોર્ટમાં પડકારવા સજ્જ થઈ રહી છે. તેઓને તો એમ જ લાગી રહ્યું છે કે ગેરકાયદેસર રીતે ઓનલાઇન સટ્ટો રમાડનારા રીતસર લહેર કરી રહ્યા છે અને બેરોકટોક કામકાજ ચલાવી રહ્યા છે. સરકાર તેની સામે કોઈ પગલાં લઈ શકતી નથી. તેના લીધે મની લોન્ડરિંગ સહિતના બીજા કેટલાય ગુના બની રહ્યા છે. તેના પર પણ સરકાર કશું જ કરી રહી નથી.
હવે ક્રિકેટના આ ગેરકાયદે સટ્ટા સામે સક્રિય બનીને કાર્યવાહી કરવાના બદલે કાયદેસર રીતે કારોબાર કરતાં અને સરકારને જંગી આવક રળી આપતા ઓનલાઇન ગેમિંગના કારોબારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. વિદેશમાંથી સટ્ટો રમાડતી ગેમ્બલિંગ એપનું સર્વર પણ વિદેશમાં હોવાથી તેના પર કોઈપણ પ્રકારના કાયદા લાગુ પડતા નથી. કાયદેસર રીતે ગેમિંગ એપ ચલાવનારાઓનો દાવો છે કે સરકારના પગલાંના લીધે કંઈ લોકોની માનસિકતા બદલાશે નહી, આ સ્થિતિ એક રીતે દારૂબંધી જેવી છે. દારૂબંધી તો હોય, પણ દારૂ છૂટથી મળે.
ઓનલાઇન ગેમિંગ કંપનીઓનો દાવો છે કે સરકારે પ્રતિબંધ મૂકતા સટ્ટાનો રસિયો મોટો વર્ગ ગેરકાયદે સટ્ટા તરફ વળશે. તેના કારણે ગેરકાયદેસર સટ્ટો રમનારાઓની સંખ્યામાં પણ મોટો વધારો થશે. સરકારની મંજૂરીવાળી મની ગેમ્સમાં બધુ કાયદેસર હતુ અને કાયદા દ્વારા જ તેનો અમલ થતો હતો, હવે સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો. સટ્ટાના શોખીનો શું સટ્ટો રમવાનું બંધ કરી દેશે, જરા પણ નહીં. તેઓ ગેરકાયદેસર રીતે રમાતા સટ્ટા તરફ વળી જશે. તેના કારણે અગાઉ કરતાં પણ વધારે સટ્ટાખોરી જોવા મળી શકે છે અને અનેક પ્રકારના ગેરકાયદે કૃત્યો જોવા મળી શકે છે.
ઓનલાઇન ગેમિંગના કાયદા પાછળ સરકારનો ઇરાદો સારો છે, પરંતુ આવું દરેક કાયદામાં હોય છે. પણ બધી જ બાબત તેના અસરકારક અમલ પર નિર્ભર છે. અહીં વિચારવાલાયક મુદ્દો એ છે કે સરકાર ગેમિંગ એપ તો બંધ કરાવી દેશે, પરંતુ તેને રમવાની લત લાગુ ચૂકી હોય કે જે લોકો તેને છોડવા જ માંગતા ન હોય તેમની લત આ પ્રતિબંધથી સુધરશે તે મોટો સવાલ છે.
સરકારે એક રીતે આ પ્રકારનો કાયદો લાવીને પરોક્ષ રીતે ગેરકાયદેસર રીતે ગેમ્બલિંગ એપ પર સટ્ટો કરનારાઓને જ પ્રોત્સાહન આપ્યું હોવાનો દાવો ઓનલાઇન ગેમિંગ એપના વર્તુળો કરી રહ્યા છે. હવે આ ગેરકાયદેસર રીતે ચાલતી ગેમ્બલિંગ એપ્લિકેશન તરફ વળનારા સામે સરકાર શું પગલાં લઈ શકશે. સરકાર અત્યાર સુધી દેશમાં ક્રિકેટમાં ગેરકાયદે ગેમ્બલિંગ એપને ડામવામાં સફળ રહી નથી, હવે અત્યારે કાયદેસર રીતે ચાલતા આ એપ પર પ્રતિબંધ મૂકીને ઓનલાઇન ગેમિંગ ગેમ્સને પણ હવે એક રીતે ગેરકાયદેસર રસ્તા તરફ જ વાળી રહી છે. આ પ્રકારે ગેરકાયદેસર રીતે રમાતો સટ્ટો રાજકારણીઓથી લઈને પોલીસ તંત્ર માટે કમાણીનું મોટું સાધન બની ગયો હોવાનું માનવામાં આવે છે.
હવે આ એપ ચલાવતી કંપનીઓ તેનું રજિસ્ટ્રેશન અહીં રદ કરાવીને વિદેશમાં કરાવી લે અને ત્યાંથી જ સર્વર રાખીને ભારતમાં આ રીતે તેની ગેમિંગ એપ ચલાવે તો સરકાર કશું જ નહીં કરી શકે, સરકાર બહુ-બહુ તો તેને ગેરકાયદેસરની એપ્લિકેશન ગણાવી શકશે. તેનાથી વિશેષ કશું જ નહીં થાય. આ સિવાય સરકારે ઓનલાઇન ગેમિંગ મની રીયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તો કંપનીઓ સરકારના પ્રતિબંધને ચાતરવા માટે ગિફ્ટ કાર્ડ, ફોનની ભેટ, ગ્રોસરી સ્ટોરની કુપન જેવા વિકલ્પો પણ અપનાવી શકે છે. હાલમાં તો તેઓ કોર્ટમાં જવાની તૈયારીમાં છે.
આ ગેમિંગ કંપનીઓનો દાવો છે કે સરકારના પ્રતિબંધના કારણે ગેરકાયદે સટ્ટો રમાડનારાઓમાં રીતસર જાણે ઉજવણીનું વાતાવરણ છે. તેઓ સમજી ગયા છે કે સટ્ટાની લત લાગી ચૂકેલા હોય તેવા લોકોનો મોટો પ્રવાહ હવે તેમના ભણી આવશે, સરકારના આ પગલાંના કારણે આ જ કારણસર બુકીઓ અને પંટરો ખુશ થઈ ગયા છે. સરકારનો જે નિયમ છે તે કાયદેસર રીતે ગેમિંગ ચલાવતી કંપનીને લાગે, હવે જે પહેલેથી ગેરકાયદે હોય તેના પર પ્રતિબંધ કઈ રીતે લાગે.
દેશમાં ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં ક્રિકેટના સટ્ટાનો ગેરકાયદે કારોબાર મોટાપાયા પર થાય છે. ગુજરાતમાં મહેસાણા તો સટોડિયાઓનું જાણે ગઢ ગણાય છે. મહેસાણાના અમુક પોલીસ સ્ટેશન તો જાણે સટોડિયાઓના રૂપિયા બન્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનું ઉદઘાટન પણ સટોડિયાઓએ જ કર્યુ હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં હવે સરકાર ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા કાયદેસર રીતે કામ કરતી કંપનીઓ પૂછી રહી છે કે અમારી ભૂલ શું છે. કંપનીઓને લાગી રહ્યુ છે કે આ જાણે પાડાના વાંકે પખાલીના ડામ જેવી સ્થિતિ છે. ગેરકાયદે સટ્ટાને રોકવા કશું કરી શકતા નથી તો પછી કાયદેસર રીતે ચાલતી ઓનલાઇન ગેમને લક્ષ્યાંક બનાવો.
સરકાર કહી રહી છે કે ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધથી દેશની યુવા પેઢી બરબાદ થતી અટકશે. જ્યારે ગેમિંગ કંપનીઓ બીજું જ વાજું વગાડી રહી છે. તેઓનું કહેવું છે કે કોઈ લત વ્યક્તિ પોતે છોડાવવા માંગે તો છૂટે, સરકારના પ્રતિબંધથી લત છૂટતી હોય તો દારૂબંધીથી દારૂ પીવાતો બંધ ન થઈ ગયો હોત. ગેમિંગ કંપનીઓ માટે સરકારનો પ્રતિબંધ મોટો પડકાર છે, તેઓ કદાચ આગામી દિવસોમાં તેનું ઇ-સ્પોર્ટ્સ કે સોશિયલ ગેમ્સમાં રૂપાંતર કરે અથવા તો નવા જ પ્રકારનું બિઝનેસ મોડેલ અપનાવીને સરકારી નિયમોને ચાતરી જશે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
