છેલ્લા કેટલાક સમયથી જયરાજસિંહ અને ગોંડલ પર થઈ રહેલાં પ્રહારોને લઈને છેવટે ગણેશ ગોંડલે ધડબડાટી બોલાવી છે. તેણે એક જ ઝાટકે વિરોધીઓને લઈ નાખ્યા છે. વિરોધીઓ હડિયાપાટુ કરતાં થઈ જાય તેવા પ્રહારો ગણેશ ગોંડલે તેમના પર કર્યા છે. અત્યાર સુધી દરેક પ્રહાર સામે મૌન સેવનારા ગણેશ ગોંડલના વળતાં પ્રહારથી વિરોધીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. તેમને ગણેશ ગોંડલ તેમના પર આ પ્રકારના પ્રહારો કરશે તેવી કલ્પના ન હતી. ગણેશ ગોંડલે તેના એક-એક વિરોધીઓને લઈ નાખ્યા છે અને પોતાના રાજકીય કદનો અહેસાસ કરાવ્યો છે. ગણેશ ગોંડલે આ પ્રહારો દ્વારા બતાવ્યું હતું કે હતું કે ગણેશ ગોંડલ શું છે.
ગોંડલમાં દિવાળી પછી શાસક પક્ષનો સ્નેહમિલનનો દર વર્ષે નિયમિત રીતે યોજાતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકાના 44 સભ્યો અને ભાજપના કાર્યકરો મોટાપાયા પર હાજર રહ્યા હતા. હજારો લોકોની હાજરીમાં ગણેશ ગોંડલે છેલ્લા છ મહિનામાં ઊભા કરાયેલા વાતાવરણ પર લોકોનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહનું નામ લઈને ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યા છે. હદ તો ત્યાં થઈ કે ગોંડલની તુલના છેક મિર્ઝાપુર જેવા કુખ્યાત શહેરો સાથે કરવામાં આવી રહી છે, જે ગુનાખોરી માટે કુખ્યાત છે. માધ્યમો તો જાણે એવી વાત ચલાવી રહ્યા છે કે ગોંડલમાં રોજ સવાર પડેને ખૂન, બળાત્કાર જેવા બનાવો રોજિંદા બનવા લાગ્યા છે. લોકો પર હુમલાઓ થાય છે, અસામાજિક તત્વો બેફામ છે. ગોંડલમાં તો રહેવાય જ નહીં. આવું વાતાવરણ બહારના લોકોએ બહારથી મીડિયા બોલાવીને બહાર ઊભુ કર્યુ છે.
આ તો સલામ છે કે ગોંડલવાસીઓને તેઓ અમને સારી રીતે સમજ્યા છે. તેઓએ ગોંડલમાં અમે કરેલી સેવાની કદર કરી છે. મેં ગોંડલ માટે શું કર્યુ કે મારા પિતાએ શું કર્યુ તેનો ઢંઢેરો પીટવા જવાની ક્યાંય જરૂર નથી, ગોંડલવાસીઓએ તે નજરે જોયું છે. તેથી જ જ્યારે અમારી સામે કોઈ આંગળી ચીંધે છે ત્યારે સૌથી પહેલો અવાજ ગોંડલવાસીઓનો ઉઠે છે. હવે જો અમે કશું જ કર્યું ન હોય તો ગોંડલવાસી શું કામ અમારામાં રસ લે. બહારના માધ્યમો જાણે એવું જ વાતાવરણ સર્જી રહ્યા છે કે ગણેશ ગોંડલ જાણે ગોંડલ ચલાવે છે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે ભાઈ અહીં લોકશાહી છે, અમારા પહેલાં પણ ગોંડલવાસીઓએ બીજા લોકોને ચૂંટ્યા હતા તે લોકો શાસન કરતા હતા અને હવે અમને ચૂંટ્યા છીએ એટલે અમે શાસન કરીએ છીએ. કાલ ઉઠીને બીજું કોઈ શાસન કરશે, હવે કંઈ રાજામહારાજાઓના જમાના નથી, એ જમાના ગયા. પ્રજાનું કામ કરે તો પ્રજા તમને માથા પર બેસાડી દે છે અને ન કરો તો તે માથા પરથી ઉતારી દે છે.
તેમણે નવાસવા આવેલા રાજકીય પક્ષોની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે AAP આવે કે કોંગ્રેસ આવે જ્યાં સુધી પ્રજાલક્ષી વાત નહીં કરો ત્યાં સુધી કશું જ નહીં થાય. AAP અહીં ભૂલી જાય છે કે અહીં બાપ બેઠો છે, આ બાપ એટલે ગણેશ ગોંડલ નહીં પણ ગોંડલની પ્રજા. ગોંડલની પ્રજા અમારી બાપ છે, અમે તો અદના સેવક છીએ. પ્રજા અમારી માઇબાપ છે. આમ કહીને ગણેશ ગોંડલે તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જિગિશા પટેલની રેલી પર નિશાન સાધ્યું હતું. તેમની રેલીમાં કુલ નવ જણા હતા. તેના પર તેમણે કટાક્ષ કર્યો હતો. આ રીતે તેણે તાજેતરમાં જ ગોંડલમાં દેકારો મચાવવા આવેલા અલ્પેશ કથીરિયા અને બીજા નેતાઓની પણ ઝાટકણી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે ગોંડલની પ્રજાએ પણ જોયું છે કે બહારના આ લોકો ગોંડલને ખરાબ ચીતરીને પોતાને મોટો ભાગ કરવા માંગે છે, જ્યારે અમે ગોંડલની પ્રજાના કામ કરીને મત મેળવીએ છીએ. હવે ગોંડલે જોવાનું છે કે ગોંડલને બદનામ કરનારાઓની પડખે રહેવું કે ગોંડલના કામ કરનારાઓની પડખે રહેવું.
ગણેશ ગોંડલે જણાવ્યું હતું કે અમે પ્રજા માટે કામ કરવા માટે દિવસ જોયો નથી, રાત જોઈ નથી, અડધી રાતે પણ કોઈ આવે તો અમે મદદ કરવા તૈયાર હોઈએ છીએ. અમારા દરેક કાર્યકરની પડખે અમે ઊભા છીએ. તેના કારણે અમારો દરેક કાર્યકર આજે ગોંડલની પ્રજા માટે મનમૂકીને કામ કરે છે. ગોંડલની પ્રજાની તકલીફોમાં તેના પડખે ઊભો રહે છે, તેના સુઃખદુઃખનો સાથી રહે છે. બહારના લોકો અને બહારનું મીડિયા જેને જે કહેવું હોય તે કહે, અમને બદનામ કરવા હોય તો કરે, પરંતુ અમારા ગોંડલને જો બદનામ કરશે તો અમે જરા પણ સાંખીં નહીં લઈએ. ગોંડલની પ્રજા આ રીતે કરવામાં આવતી બદનામીનો જવાબ તેની આગવી શૈલીમાં આપશે. તેથી ગોંડલ સામે આંગળી ચીંધનારાઓએ ચેતી જવાનો સમય આવી ગયો છે. ગોંડલની પ્રજાને ખબર છે તેનું હિત શેમાં છે, તેથી ગોંડલમાં કોઈપણ પ્રકારનો કાંકરીચાળો કરવાનો મનસૂબો રાખનારા હોય તો ચેતી જાય, તેમના મનસૂબાને આ ગણેશ ગોંડલ પાર પાડવા નહીં દે. તેમની અને ગોંડલની વચ્ચે ગણેશ ગોંડલ ઊભો છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
