Food Lifestyle: જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે લસણની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingridients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
80 ગ્રામ ફોલેલું લસણ
80 ગ્રામ સૂકા કોપરાનું છીણ
30 ગ્રામ સીંગદાણા
12-14 કશ્મીરી લાલ સૂકા મરચાં
2 મોટી ચમચી સફેદ તલ
1 મોટી ચમચી આખું જીરું
1 ચમચી કાળા મરીનો ભૂકો
1 ચમચી લાલ મરચાનો ભૂકો
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
લસણની ચટણી બનાવવા માટે સૌપ્રથમ એક પૅનમાં સીંગદાણા, સૂકા કોપરાનું છીણ, સફેદ તલ અને જીરું ઉમેરી દો. હવે એને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
હવે આ પૅનમાં સૂકાયેલા લાલ મરચા (Red Chilly),લસણ (Garlic)અને મીઠું નાખો અને ત્યારબાદ, આ તમામ ચીજવસ્તુઓને આશરે 1થી 2 મિનિટ સુધી શેકી લો.
આ મિશ્રણને ઠંડુ કરી લો. ઠંડુ થાય પછી મિક્સરમાં પીસી લો.
હવે મિક્સરના જારમાં કાળા મરીનો પાઉડર અને લાલ મરચાની ભૂકી ઉમેરી દો. આ તમામ સામગ્રીને અધકચરું દાણેદાર પીસી લો.
લસણની ચટાકેદાર તીખી તમતમતી ચટણી સર્વ કરવા માટે તૈયાર છે! આ ચટણીને કાચના એક હવાચુસ્ત જાર (Airtight Container)માં સ્ટોર કરીને તમે એને દિવસો સુધી ઉપયોગમાં લઇ શકો છો. આ સ્વાદિષ્ટ ચટણીને તમે રોટલી, પરોઠા, ઢોંસા, વડાપાઉં કે પછી ખીચડી અથવા દાળ-ભાતની સાથે ખાઇ શકો છો. લસણ ફોલવાની મહેનતને બાદ કરતાં, ફક્ત 10 જ મિનિટમાં તમે આ ચટણીને બનાવી શકો છો જે, તમારી ભોજનની થાળીના સ્વાદમાં અનેકગણો વધારો કરશે!
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
