Lifestyle: શિયાળામાં નાના બાળકોને નવડાવવા (Bathe)નો વિચાર કરતાવેંત માતાઓ અને બાળકોની સંભાળ લેનારા, સૌના શરીરમાંથી એક લખલખું પસાર થઇ જાય છે! ઠંડીની ઋતુમાં આપણે સ્નાન કરીએ તો પણ ઘણી વાર ધ્રુજવા લાગીએ છીએ તો પછી આ તો કુમળાં ભૂલકાં છે! એમને સ્નાન કરાવવાથી શરદી કે ખાંસી (Cold & Cough) થઇ શકે છે અને તેથી જ એમના પેરન્ટ્સ આ વિચારથી જ ચિંતાતુર બની જાય છે! તો હવે આ ફિકર છોડી દો કેમ કે, અમે અહિં તમારા માટે લઇને આવ્યા છીએ અમુક સરળ ટિપ્સ (Tips)…જેથી તમે તમારા વહાલસોયા બાળકને ઠંડીથી સુરક્ષિત રાખીને સ્નાન કરાવી શકો છો.
શિયાળામાં નાના બાળકોને શી રીતે નવડાવવા? આ રહી સ્વાસ્થ્ય સંભાળ ટિપ્સ…
દરેક માતા-પિતા માટે દુનિયાની સૌથી મધુર ધૂન, એમના બાળકનું હાસ્ય જ હોય છે. બાળકનું ખિલખિલાટ હાસ્ય માતા-પિતાના ચહેરા પર પણ સ્મિત લાવી દે છે. પરંતુ સાથે એમની દિનચર્યાનું ધ્યાન રાખવું એ પણ માતા પિતાની જ ફરજ છે.
શિયાળાની ઋતુ (Winter Season)માં બાળકોના સ્વાસ્થ્યની સંભાળ લેવી (Children Health Care) એક પડકારજનક બાબત છે. વિશેષ કરીને, જ્યારે બાળકને નવડાવવાની વાત આવે ત્યારે ચિંતા વધી જાય છે. વાસ્તવમાં, આ ઠંડીની મોસમમાં નીચા તાપમાન અને ઠારના કારણે ઠંડુ પાણી (Cold Water) એમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સંજોગોમાં સૌથી જરુરી છે, નાના ભૂલકાંને સ્નાન કરાવતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી, જેથી તમારું માસૂમ બાળ ઠંડીથી સુરક્ષિત રહે અને એમની ત્વચા (Skin) પણ હૅલ્ધી (Healthy) રહે!
બાળકોને નવડાવતી વખતે રાખો આટલી સાવધાની

1. દરરોજ સ્નાન કરાવવાની જરુર નથી
શિયાળામાં બાળકોને દરરોજ નવડાવવું આવશ્યક નથી હોતું. જો ઠંડી ઘણી વધારે હોય તો બાળકોને સ્નાન ન કરાવવું જ બહેતર રહેશે! એમના શરીરને સ્વચ્છ કરવા માટે તમે એમને હળવા ગરમ પાણી (Warm Water) માં મુલાયમ ટૉવેલ ભીંજવીને એમને સ્પંજ બાથ (Sponge Bath) પણ આપી શકો છો. અને જો તમે એમને નવડાવવા જ માગતા હો તો ગરમ પાણી અને ટૉવેલ અગાઉથી જ તૈયાર રાખી મૂકવા અને પછી જ નહાવા લઇ જવા જેથી વસ્ત્ર વિહીન કર્યા બાદ એ ઠંડીમાં ઠૂંઠવાઇ ન જાય!
2. હળવા ગરમ પાણીથી સ્નાન કરાવવું
શિયાળાની ઋતુમાં બાળકોને નવડાવવા માટે હંમેશાં હળવા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. અહિં એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પાણી વધારે ગરમ ન હોય! આ માટે તમારે પાણીને પોતાના હાથ પર રેડીને ચેક કરી લેવું. બાળકોને સવાર-સવારમાં નવડાવવાનું ટાળવું કેમ કે ત્યારે વધારે ઠંડી લાગે છે. એમને બપોરે નવડાવવું ઉત્તમ રહેશે. બપોરે હળવો તાપ (Heat) નીકળે છે જેથી એમને ઠંડી લાગતી નથી!!

3. સ્નાન બાદ તરત જ સરસ રીતે શરીર લૂછો
નાના બાળકોનું શરીર નાજુક હોય છે અને ઠંડીની અસર વધુ થાય છે. આથી બાળકોને જેવા નવડાવી રહો કે તરત જ એમને સરસ રીતે ટૉવેલ (Towel)થી લૂછીને એક બ્લેન્કેટ (Blanket)થી ઢબૂરી દેવા અને પછી તરત જ ગરમ અને મુલાયમ કપડાં (Warm clothes) પહેરાવી દેવા જેથી એમના શરીરમાં ઠંડીની અસર ન થાય!
4. નવશેકા તેલથી માલિશ કરો
શિયાળામાં નવડાવ્યા બાદ બાળકોની નવશેકા તેલથી માલિશ (Oil Massage) કરવી અત્યંત ફાયદાકારક હોય છે. સ્નાન કરાવ્યા પછી બાળકના શરીર પર નવશેકા તેલને તમારી હથેળીમાં ઘસીને તદ્દન હળવા હાથે બાળકને મસાજ કરવો. આમ કરવાથી એના શરીરમાં હૂંફ અને ગરમાવો વધે છે એને સ્કિનમાં પણ કુમાશ (Moisture) જળવાઇ રહે છે.

5. વધારે વાર સુધી વસ્ત્ર વિહીન અવસ્થામાં ન રાખવા
શિયાળામાં બાળકોને સ્નાન કરાવતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, એમને વધુ સમય કપડા પહેરાવ્યા વિના ન રાખવા તથા સ્નાન કરાવતી વખતે જે ઓરડામાં બાથરુમ (Bathroom) હોય એના બારી, બારણા પણ બંધ કરી રાખવા. આમ કરવાથી એમને શરદી થવાની સંભાવના રહેશે નહિં.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શિયાળામાં મગફળીના લાડુ ખાવાથી તમને શરદી નહીં લાગે, બસ આ રેસિપીનો ઉપયોગ કરો, ઝડપથી તૈયાર થઈ જશે
આ પણ વાંચો: શરદી અને ઉધરસના ઘરગથ્થુ ઉપચારથી બાળકો અને વડીલો રહેશે સ્વસ્થ
આ પણ વાંચો: શરદી-ઉધરસથી છુટકારો મેળવવા અજમો આરોગો, રહેશો હંમેશા સ્વસ્થ
