IPL 2026 DC vs GT: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં હૃદયના ધબકારા વધારી દે તેવો રોમાંચ જોવા મળ્યો હતો. મેચના છેલ્લા બોલ સુધી ચાલેલા આ જંગમાં દિલ્હીને માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ દિલ્હીનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર (David Miller) એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા. આ સમયે દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે વિરોધી ટીમ હોવા છતાં મિલરને જે રીતે સાંત્વના આપી તેણે ચાહકોના દિલ જીતી લીધા છે.
છેલ્લા બોલનું ડ્રામા: મિલરની એક ભૂલ પડી ભારે
દિલ્હીને જીતવા માટે છેલ્લી બે બૉલે માત્ર 2 રનની જરૂર હતી. મિલરે સ્ટ્રાઈક પોતાની પાસે રાખવા માટે પાંચમા બોલ પર સિંગલ લેવાની ના પાડી દીધી હતી. પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાના છેલ્લા સ્લોઅર બાઉન્સરે મિલરને થાપ આપી દીધી. બાય રન લેવાના પ્રયાસમાં કુલદીપ યાદવ રનઆઉટ થયો અને દિલ્હી જીતની સાવ નજીક પહોંચીને 1 રનથી મેચ હારી ગયું.
અક્ષર પટેલની ખેલદિલી
મેચ પૂરી થયા બાદ મિલર ગ્રાઉન્ડ પર જ ભાંગી પડ્યો હતો. તેને પોતાની ભૂલ અને હારનો ભારે અફસોસ હતો. આ જોઈને અક્ષર પટેલ તરત જ તેની પાસે પહોંચ્યો, તેની સાથે હાથ મિલાવ્યો અને મિલરની પીઠ થપથપાવીને તેને હિંમત આપી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને લોકો અક્ષરના આ વલણના વખાણ કરી રહ્યા છે.
ઇજા થઈ હોવા છતાં IPL માં મિલરની તોફાની બેટિંગ
ડેવિડ મિલર આંગળીમાં ઈજા હોવા છતાં મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે દિલ્હીને છેલ્લી 12 બૉલે માં 36 રન જોઈતા હતા, ત્યારે મિલરે સિરાજની ઓવરમાં 23 રન ઝૂડી કાઢીને મેચમાં દિલ્હીની વાપસી કરાવી હતી. મિલરે 20 બોલમાં અણનમ 41 રન બનાવ્યા, પરંતુ અંતે તે ટીમને જીતાડી શક્યો નહીં.
ગુજરાત ટાઇટન્સનો દબદબો
ગુજરાતે પહેલા બેટિંગ કરતા જોસ બટલર (52), કેપ્ટન શુભમન ગિલ (70) અને વોશિંગ્ટન સુંદર (55)ની અડધી સદીઓની મદદથી 210 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી તરફથી કેએલ રાહુલે 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ રાશિદ ખાનની 3 વિકેટોએ દિલ્હીની ગતિ ધીમી પાડી દીધી હતી.

