Lifestyle: આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર ( High BP) એક સર્વસામાન્ય પરંતુ, ગંભીર સમસ્યા બની ચૂકી છે. વધેલું બ્લડ પ્રેશર ધીમે-ધીમે હૃદય, કિડની અને મગજ પર પણ અસર કરે છે. આ જ કારણથી, હાઈ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. અલબત્ત, એને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ લેવા ઉપરાંત, જીવનશૈલીમાં પરિવર્તન કરવું પણ અત્યંત જરુરી છે. આ બાબતને અનુલક્ષીને જોઇએ તો, એક વિશેષ જાપાની ટ્રિક આજકાલ ચર્ચાનો વિષય બની છે.

શું છે આ ખાસ ટ્રિક?
જાપાની સંશોધકોએ બીપી કંટ્રોલ કરવા માટેની એક ખાસ ટૅકનિક ડેવલપ કરી છે, જેને ‘ઈન્ટરવલ વૉકિંગ ટ્રેનિંગ’ એવુ નામ આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે, આખરે શું છે આ ઈન્ટરવલ વૉકિંગ ટ્રેનિંગ? શી રીતે એ બીપી કંટ્રોલ કરવામાં કારગર સિદ્ધ થાય છે?
શું છે આ ઈન્ટરવલ વૉકિંગ ટ્રેનિંગ?
ઈન્ટરવલ વૉકિંગ ટ્રેનિંગ (Interval Walking Training)ને જાપાની પ્રોફેસર હિરોશી નોસે અને શિઝુકી માસુકી દ્વારા, વર્ષ 2007માં વિકસાવાઇ હતી. આ ટૅકનિકમાં વૉકિંગને બે ભાગોમાં વહેંચવામાં આવે છે.
કેવી રીતે કરશો ઇન્ટર્વલ વૉકિંગ?
ઝડપભેર ચાલવું
3 મિનિટ સુધી એકદમ ઝડપથી ચાલો, જેથી તમારો શ્વાસ ઝડપી બની જાય અને હૃદયના ધબકારા તેજ થઇ જાય.
ધીમી ગતિથી ચાલવું
ત્યારબાદ, 3 મિનિટ સુધી આરામથી ધીમે-ધીમે ચાલો.

આ વૉકિંગ પેટર્ન નું 5 વાર પુનરાવર્તન કરવામાં આવે છે અર્થાત્ આમાં કુલ 30 મિનિટ ચાલવાનું હોય છે, જેમાં 15 મિનિટ ઝડપથી અને 15 મિનિટ સુધી ધીમે-ધીમે ચાલવાનું છે.
શી રીતે નિયંત્રિત થશે બીપી?
રિસર્ચના નિષ્કર્ષ અનુસાર, જ્યારે તમે આ ઈન્ટરવલ વૉકિંગ કરો છો, ત્યારે શરીરનું શુદ્ધ લોહી વહન કરતી ધમનીઓ એકટિવ થઇ જાય છે અને બ્લડ ફ્લૉ સારો બની જાય છે. ઈન્ટરવલ વૉકિંગ કરવાથી સિસ્ટોલિક બીપી લગભગ 9 mm Hg અને ડાયાસ્ટોલિક બીપી લગભગ 5 mm Hg સુધી ઘટી જાય છે. જો તમારુ બીપી વારંવાર હાઇ થઇ જતું હોય તો, તમે આ ટ્રિકને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છે. થોડા મહિનાઓ સુધી આ રીતે ચાલવાથી તમને ચમત્કારી પરિણામો દેખાશે! આ ટૅકનિકથી શરીરની ઑક્સિજન પ્રાપ્ત કરવાની ક્ષમતામાં વધારો થાય છે જે, હાઈ બીપીના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે.
અન્ય ફાયદા કયા છે?
‘ઇન્ટરવલ વૉકિંગ’ કરવાથી બીપી કંટ્રોલમાં રહેવા ઉપરાંત, અન્ય ફાયદાઓ પણ મળી શકે છે.
એનાથી ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
પગ મજબૂત થાય છે, જેથી તમે રોજિંદા કાર્યોને વધુ સારી રીતે કરી શકો છો.
બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે, જેનાથી ખાસ કરીને ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોને લાભ મળે છે.
આ ઉપરાંત, દરરોજ થોડી વાર વૉક કરવાથી મૂડ પણ સારો રહે છે, ગાઢ નિંદ્રા આવે છે અને તણાવ ઓછો થાય છે.
કેવી રીતે શરુ કરશો?
આ વર્કઆઉટના પ્રારંભમાં ફક્ત 1 મિનિટ ઝડપથી અને 3 મિનિટ સુધી ધીમે-ધીમે ચાલીને શરુઆત કરો.
ત્યારબાદ, ધીમે-ધીમે 3 મિનિટ ઝડપથી અને 3 મિનિટ સુધી ધીમે-ધીમે ચાલો.
આ સમગ્ર વર્કઆઉટ દરમિયાન, તમારી પીઠને હંમેશાં સીધી અને નજરને સામે રાખો.
આ વર્કઆઉટના પ્રારંભિક તબક્કામાં, કોઈ અન્ય વ્યક્તિના માર્ગદર્શન હેઠળ ચાલવું જેથી, તમે એ બરાબર રીતે કરો છો કે નહિં એની તમને ખબર પડે.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
