Banaskantha News: બનાસકાંઠાના દિયોદરમાં યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. બનાસકાંઠાના દિયોદરમાં અજાણ્યો યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ અજાણ્યો યુવાન બેન્ક ઓફ બરોડાની શાખાની બાજુમાં ઢળેલો પડેલો મળી આવ્યો હતો. તેના ઢળી પડવા પાછળનું કારણ તાત્કાલિક જણાયું ન હતું.
બેભાન યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં મૃત્યુ પામેલો યુવાન પ્રકાશ ભાભરના ગોસણનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. દિયોદર પોલીસે હાલમાં તો ગુનો નોંધીને તપાસ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કેટલાય સમયથી યુવાનોમાં અને નાની વયના લોકોમાં હૃદયરોગના લીધે થતાં મોતના પ્રમાણમાં વધારો થયો છે. લોકો ચાલતાં-ચાલતા પડી જાય છે, બેઠાં-બેઠાં મોતને ભેટે છે. હાર્ટ એટેકનો કોઈપણ પ્રકારનો હિસ્ટરી પણ ન ધરાવતા હોય તેવા લોકોના અચાનક હાર્ટ એટેકથી મોત થાય છે.
આ અંગે માનવામાં આવે છે કે કોરોનાના કારણે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ છે અને બીજું કારણ કોરોનાના કારણે લોહી જાડું થઈ ગયું હોવાનું મનાય છે, તેના લીધે લોહીનું પરિભ્રમણ કરતી ધમની ઘણી વખત લોહીનો પૂરતો પુરવઠો હૃદય સુધી પહોંચાડી શકતી નથી અને તેના કારણે લોકોનું અચાનક જ નિધન થાય છે. હાર્ટ એટેકનો કે હૃદયરોગનો હિસ્ટરી ન હોવા છતાં પણ તેના હુમલા આવે છે. આ લોકોને જો તાત્કાલિક સારવાર મળે કે સીપીઆર અપાય તો તે બચી શકે છે, પરંતુ તેવું બધાના નસીબમાં હોતું નથી. આના કારણે હાર્ટ એટેકના લીધે નાની વયના લોકોના મૃત્યુમાં વધારો થયો છે.
આ ઉપરાંત લોકોની ખાનપાનની બદલાયેલી ટેવોને પણ કારણભૂત માનવામાં આવે છે. લોકો નાની વયથી જ પિત્ઝા, બર્ગર જેવો આહાર લેવા માંડે છે. આ બધુ ખાવાનું તો ઘણું ગમે છે, પરંતુ તેની શારીરિક આરોગ્ય પર વિપરીત અસર થાય છે. તેના કારણે રક્તવાહિનીઓની લોહી પહોંચાડવાની ક્ષમતા પર પણ અસર પડે છે. આ બાબત પણ કાર્ડિયાક એરેસ્ટ માટે કારણભૂત બને છે.
આ પણ વાંચો: મહેસાણા-બનાસકાંઠામાં ભારે વરસાદે વેર્યો વિનાશ, શાળાઓ બંધ અને લોકોને સ્થળાંતર કરાવાયા…
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા: બનાસ નદીમાં યુવક ફસાયો, જુએ છે મદદની રાહ
