વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા વંશવાદી રાજકારણના વિરોધી રહ્યા છે અને વિપક્ષના વંશવાદી રાજકારણની સતત ઝાટકણી કાઢતાં આવ્યાં છે. તેમણે તેના માટે વિપક્ષ અને પ્રાદેશિક પક્ષોને સતત નિશાન બનાવ્યા છે. તે સતત કહેતાં આવ્યા છે કે આજે જો હું તેમના પક્ષમાં હોત તો ક્યારેય પીએમ બનવાનું વિચારી શક્યો ન હોત તેવો કટાક્ષ પણ તે કરતા રહ્યા છે. આ બધા પક્ષો કેડર આધારિત પક્ષો નથી. આ બધા પક્ષોનો કાર્યકર ક્યારેય પીએમ તો શું જિલ્લા સ્તરનો મોટો આગેવાન બનવાનું પણ માંડ-માંડ વિચારી શકે, કારણ કે ત્યાં વંશવાદની બોલબાલા છે.
વડાપ્રધાન મોદીના વંશવાદના આટલા વિરોધ છતાં પણ આજે રાજકારણમાં જોઈએ તો સત્તા પર વંશવાદનું જ પ્રભુત્વ જોવા મળે છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નામની સંસ્થાનો અહેવાલ જણાવે છે કે સાંસદો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાં કુલ પ્રતિનિધિઓમાંથી 21 ટકા પ્રતિનિધિઓ એવા છે કે જેમના કુટુંબમાં કોઈને કોઈ રાજકારણ સાથે જોડાયેલું છે. આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં 31 ટકા સાથે લોકસભા સૌથી ટોચના સ્થાને છે. અહીં જ સૌથી વધુ વંશવાદ જોવા મળ્યો છે. આમ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રીતસર લોકસભાના સભ્યપદને ફકત પોતાની જ નહીં પોતાના કુટુંબની જાગીર સમજે છે.
આજે લોકશાહીમાં પણ આ વંશવાદને પાળતા તથા પોષતા સાંસદો અને ધારાસભ્યો સામંતશાહી માનસિકતામાંથી મુક્ત થયા નથી. પહેલા રાજાઓના સૂબા, સામંતો અને ભાયાતો હતા. હવે લોકશાહીમાં પણ જાણે વંશવાદના સ્વરૂપમાં અઘોષિત રીતે આ જ પ્રણાલિ જળવાઈ રહી લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી પછડાટ ખાવા છતાં પણ વંશવાદના મોરચે કોંગ્રેસે કોઈ શીખ લીધી લાગતી નથી. વંશવાદના રાજકારણમાં વિપક્ષમાં હોવા છતાં પણ કોંગ્રેસ એકદમ શિરમોર છે.
કોંગ્રેસ 32 ટકા સાથે અહીં ટોચ પર છે. અહીં કહી શકાય કે કોંગ્રેસના 32 ટકા ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવકો વંશવાદના રાજકારણમાં લિપ્ત છે. આમ પદાર્થપાઠ લેવાનું કોંગ્રેસે છોડી દીધું લાગે છે. જ્યારે વંશવાદના વિરોધી વર્તમાન શાસક પક્ષ પણ આ ટકાવારીમાં બીજા નંબરે આવે છે. ભાજપના જ ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવકો પીએમ મોદીના વિરોધ છતાં પણ વંશવાદનું રાજકારણ છોડવા તૈયાર નથી. તેના સૌથી મોટા ઉદાહરણ તરીકે જોઈ શકાય છે કે કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદુરપ્પા તેમના અનુગામી તરીકે તેમના પુત્રને તૈયાર કરવા માંગે છે. આના કારણે છેવટે પક્ષના મોવડી મંડળે એક કુટુંબ એક ટિકિટ અને એક જણ એક જ હોદ્દો સંભાળી શકે તેવો નિયમ અમલમાં લાવવો પડ્યો છે. તેના પગલે પક્ષને વંશવાદના રાજકારણને સીમિત રાખવામાં સફળતા મળી છે. આમ છતાં પણ 18 ટકાની ટકાવારી જેવી તેવી ન કહી શકાય.
ડાબેરી પક્ષોમાં વંશવાદનું પ્રમાણ સૌથી ઓછું એટલે કે માંડ આઠ ટકા છે. ADRએ ચૂંટાયેલા હોય તેવા 3,214 સાંસદો, ધારાસભ્યો, વિધાનસભા પરિષદના સભ્યો અને નગરસેવકોની સમીક્ષા કરી હતી. તેમા હાલના 3,214માંથી 657 એટલે કે 20 ટકાનો સંબંધ તો રાજવંશ સાથે છે. આમ ભારતમાં જૂના રાજાશાહીના વંશજોમાં 20 ટકા કુટુંબો આજે પણ રાજાશાહી પછી રાજકારણ સાથે જોડાયેલા છે. તેના કુટુંબમાંથી કોઈ રાજકારણમાં પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અથવા તો કરી ચૂક્યું છે. આ 657માંથી તો કોંગ્રેસના 32 ટકા વિધાનસભ્યો અને વિધાનસભા પરિષદના સભ્યોનો સમાવેશ થાય છે.
એડીઆર ઉપરાંત નેશનલ ઇલેકશન વોચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે 1,107 વર્તમાન સાંસદો, વિધાનસભ્યો, તથા વિધાનસભા પરિષદના સભ્યોમાં 21 ટકા રાજવંશીય પૃષ્ઠભૂમિના છે. જો કે વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ માંડ 20 ટકા, લોકસભામાં 31 અને રાજ્યસભામાં 21 તથા કાઉન્સિલ્સમાં 22 ટકા છે. આમ વિધાનસભા કરતાં પણ લોકસભામાં વંશવાદને પોષતા અને પાળતા સાંસદોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં છે. તેઓ સાંસદ તરીકેના હોદ્દાને પછી પોતાની જાગીર સમજીને જ કામ કરે છે, જેનો વારસો પછી તેમના સંતાનને સોંપવા તે આતુર હોય છે.
ઉત્તરપ્રદેશ વસ્તીની રીતે દેશનું સૌથી મોટું રાજ્ય હોવાથી આમ પણ તે વંશવાદમાં પણ ટોચના સ્થાને આવે છે. તેમા 141 કુટુંબો છે તો મહારાષ્ટ્ર 129ના આંકડા સાથે બીજા ક્રમે આવે છે. આ સિવાય 96 પ્રતિનિધિઓ સાથે બિહાર ત્રીજા અને 94 સાથે કર્ણાટક ચોથા સ્થાને છે. આ બધા જનપ્રતિનિધિઓમાં 539 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમા 251 એટલે કે 47 ટકા જેને અડધોઅડધ કહી શકાય તે રાજકીય કુટુંબ સાથે સંલગ્ન છે. આ આખો ઘટનાક્રમ દર્શાવે છે કે ભારતે હજી પણ લોકશાહીને સંપૂર્ણપણે આધુનિક સ્વરૂપમાં સ્વીકારી નથી. ક્યાંકને ક્યાંક રાજાશાહીના જોડાણો હજી પણ અસ્તિત્વ ધરાવે છે. તેના મૂળિયા સાવ ખતમ થયા નથી. આજે લગભગ 20 ટકા રાજકીય પરિવારોની રાજકારણમાં સક્રિયતા આ વાતનો પુરાવો છે.
પીએમ મોદીએ હવે વંશવાદના વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે તો બીજા રાજકીય પક્ષો ભલે અનુસરણ ન કરે પરંતુ કમસેકમ તેમનો પક્ષ તેનું મોટાપાય પર અનુસરણ કરે તેવી આશા રાખવામાં આવે છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
