સ્કૂલમાં ભણતી કે ગમે તે શિક્ષણ સંસ્થામાં ભણતી 13 વર્ષની કિશોરીનું વર્જિનિટી કે પ્રમાણપત્ર તેના વહીવટીતંત્ર દ્વારા માંગવામાં આવે તો તે કિશોરી અને તેના કુટુંબીજનોની મનોદશા કેવી થાય. બિલકુલ આવું જ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પાકબડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યું છે. અહીંની જામિયા અસાનુલ બનાત ગર્લ્સ કોલેજમાંથી આવેલા મામલાએ આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. આ મદરેસાએ ફક્ત 13 વર્ષની કિશોરી પાસેથી વર્જિનિટીનું પ્રમાણપત્ર એટલે કે ચરિત્રનું પ્રમાણપત્ર માંગ્યું હોવાના આરોપ તેના પર લાગ્યા છે.
મદરેસા પર લાગેલા આ સનસનાટીભર્યા આરોપે આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. સ્થાનિક પોલીસે પણ આ આરોપના પગલે તરત જ સક્રિયતા દાખવતા મદરેસાના એડમિશન ઇન્ચાર્જની ધરપકડ કરી છે. તેની સાથે મદરેસાના પ્રાચાર્ય સહિત ઘણાની સામે કેસ નોંધ્યો છે. ચંદીગઢના રહેવાસી એક દરજીએ મુરાદાબાદના SSP સતપાલ અંતિલને ફરિયાદ કરીને મદરેસાના વહીવટીતંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે મદરેસાએ તેમની ફક્ત 13 વર્ષની પુત્રી પાસેથી વર્જિનિટી પ્રમાણપત્ર માંગ્યું અને તે જમા ન કરાવતા તેમની પુત્રીને મદરેસામાંથી હાંકી કાઢી. હું આ અંગે પુત્રીને એડમિશન માટે લઈ ગયો તો મદરેસાએ જણાવ્યું હતું કે પુત્રી પિતા સાથે રહેતી હોવાથી તેનું વર્જિનિટી પ્રમાણપત્ર જરૂરી છે. તેથી પહેલા મેડિકલ ટેસ્ટ કરાવો અને વર્જિનિટી સર્ટિફિકેટ જમા કરાવો ત્યારે જ પ્રવેશ મળશે.
પીડિત કિશોરીના પિતાએ દાવો કર્યો હતો કે મદરેસાના વહીવટીતંત્રની આ માંગ તેમની તેમના કુટુંબના સન્માન અને પુત્રીના ચરિત્ર પર ધરાર હુમલો જ છે. તેમણે જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો તેમની પુત્રીનું એડમિશન રદ કર્યુ અને પછી ટ્રાન્સફર સર્ટિફિકેટ (ટીસી) આપવાના મ પર 500 રૂપિયા વસૂલ્યા, પરંતુ અત્યાર સુધી ટીસી આપ્યું નથી. આ બતાવે છે કે વહીવટીતંત્ર રીતસર તેની મનમાની કરી રહ્યુ છે, તે મનફાવે તેવા પ્રમાણપત્રો માંગી રહ્યુ છે, તેના ચાર્જ વસૂલી રહ્યુ છે, પરંતુ રૂપિયા લીધા પછી પણ તે માંગવામાં આવેલા પ્રમાણપત્રો આપતું નથી.
પિતાનું કહેવું છે કે હું ચંદીગઢમાં દરજીકામ કરું છું. મારી પુત્રીનું એડમિશન 2024માં લોધેપુર પાકબડા પાસે આવેલી જામિયા અસાનુલ ગર્લ્સ કોલેજમાં કરાવાયું હતું. પુત્રીને ઘરે બોલાવવામાં આવ્યા પછી મારી પત્ની તેને ત્યાં મૂકવા ગઈ હતી. તે સમયે મદરેસા મેનેજમેન્ટે તેને એમ કહીને પ્રવેશવા ન દીધી હતી કે અમને સૂચના મળી છે કે પિતા પુત્રી સાથે યોગ્ય વ્યવહાર કરતાં નથી. તેથી પહેલાં મેડિકલ ટેસ્ટ કરાવી રિપોર્ટ આપો ત્યારે જ પ્રવેશ મળશે. આવું તો અત્યાર સુધી ક્યાંય સાંભળ્યું નથી. ભણવા માટે કોઈ સંસ્થા વર્જિનિટી ટેસ્ટ કરાવવાની માંગ કરે તેવું વળી ભારતીય બંધારણમાં ક્યાં લખેલું છે. શું કોઈ યુવતી કે કિશોરીએ કોઈ ઇસ્લામિક સંસ્થામાં તાલીમ લેવી હોય તો તેણે તેના માટે વર્જિનિટી પ્રમાણપત્ર આપવા પડશે તેવો સવાલ તેમણે પૂછ્યો હતો.
પિતાએ જણાવ્યું હતું કે મારી પત્નીએ જાણ્યું કે પુત્રીનું એડમિશન થઈ રહ્યું નથી તો મેં જણાવ્યું કે કમસેકમ ટીસી તો આપી દો. તે સમયે મદરેસાએ 500 રૂપિયા લઈને ટીસીનું ફોર્મ ભરાવ્યું અને તે લખાવી લીધું કે મેડિકલ સર્ટિફિકેટ લેવામાં આવશે. તેના પછી 21 ઓગસ્ટના રોજ રૂપિયા જમા કર્યા પછી પણ હજી સુધી ટીસી આપવામાં આવ્યું નથી, આમ મદરેસાના વહીવટીતંત્રની ટીસી આપવાની જરા પણ ઇચ્છા લાગતી જ નથી. મદરેસાના આ પ્રકારના વ્યવહારના કારણે મારી પુત્રી ત્યારથી તણાવનો સામનો કરી રહી છે. મદરેસાએ મારી પુત્રીનું ભણવાનું જ રોકી દીધું છે એટલું નહીં પણ તેના ચરિત્ર પર સવાલ ઉઠાવીને તેનું અપમાન કર્યુ છે. તેમને મારી પુત્રીના ચરિત્રને જાણવાનો કયો અધિકાર મળી ગયો છે, જેના હેઠળ તેમણે સવાલ ઉઠાવ્યો છે. આમ મદરેસા આ રીતે ચરિત્ર હનન કરીને માનવ અધિકારનો ભંગ કરી રહી હોવાનો દાવો પીડિતના પિતાએ કર્યો હતો.
આ અંગે મુરાદાબાદ શહેરના એસપી રણવિજયસિંહે જણાવ્યું હતું કે તેમને પોસ્ટમાં ફરિયાદ મળી હતી. આ ફરિયાદ 14 ઓક્ટોબરના રોજ મળી હતી. તપાસમાં આરોપ એકદમ ગંભીર હોવાનું જણાયું હતું. તેના કારણે મદરેસાના વહીવટીતંત્રના એડમિશન ઇનચાર્જની ધરપકડ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે મદરેસા પર આરોપ છે કે તેણે કિશોરીના ચરિત્રને લઈને વાંધાજનક ટીપ્પણી કરી છે અને તેને પરાણે મદરેસા છોડવાની ફરજ પાડી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. તેમા જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી હૈયાધારણ તેમણે આપી હતી.
બીજી બાજુએ મદરેસાના વહીવટીતંત્રએ તેમના પરના આરોપોને એકદમ પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે પીડિતના પિતા ખોટા આરોપો લગાવીને સંસ્થાની છબી ખરાબ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
