ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસે ખેડૂત જનાક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ યાત્રા ખેડૂત આક્રોશ યાત્રા જ નથી, ખેડૂત અધિકાર યાત્રા પણ છે. કોઈપણ સરકાર જગતનો તાત ખેડૂત જાણે ભિખારી હોય તે રીતે તેની સાથે વર્તી શકે નહીં. માવઠાનો માર ઝીલનારા ખેડૂતોને સહાયની કે રાહત પેકેજની લોલીપોપ નહીં ચાલે, તેને તેનો હક્ક આપવો પડશે. કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાની આગેવાની અમિત ચાવડા કરી રહ્યા છે. તે સૌરાષ્ટ્રના 11 જિલ્લાનો પ્રવાસ ખેડશે.
કમોસમી વરસાદની કે માવઠાની સૌથી વિપરીત અસર સૌરાષ્ટ્રના ખેડૂતો પર પડી છે. તેમનો ઊભો પાક ખતમ થઈ ગયું છે. તેમની બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમને ખાવાના સાંસા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે તેઓ બીજા દિવસે ખાશે શું તેવી સ્થિતિ છે. બીજી બાજુ સરકાર સરવેમાં વ્યસ્ત છે. તેથી જ કોંગ્રેસે ખેડૂતોનો અવાજ બનવા માટે ગીર-સોમનાથ જિલ્લાથી ભગવાન સોમનાથના દર્શન કરીને ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોઈને પણ થાય કે અમે મત માટે આ બધું કરી રહ્યા છીએ તો મારો જવાબ છે કે હાલમાં ક્યાં કોઈ ચૂંટણી છે. વિધાનસભાની ચૂંટણીને તો હજી બે વર્ષ કરતાં પણ વધુ સમયની વાર છે. અમારે ફક્ત ખેડૂતના અવાજને વાચા આપવાની છે, તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે, તેની વ્યથા ગાંધીનગર સુધી પહોંચાડવાની છે. હવે શું સૌરાષ્ટ્રનો ખેડૂત તેની વ્યથા કહેવા છેક ગાંધીનગરના ધક્કા ખાય. આ માટે અમે ખેડૂતની વ્યથા અને ખેડૂતના આક્રોશના પ્રહરી બની રહ્યા છીએ. તેથી જ જય સોમનાથથી શરૂ થનારી અમારી આ યાત્રા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરમાંથી પસાર થશે અને દ્વારકાધીશને ત્યાં તેનું સમાપન થશે.
અમે ખેડૂતોની તકલીફોને જાણીને જ સરકાર સમક્ષ અમારી માંગો મૂકી જ દીધી છે. આ માંગો છે ખેડૂતોને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદમાં પાકને થયેલા નુકસાન માટે સ્પેશ્યલ સહાય પેકેજ આપવામાં આવે. ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવામાં આવે, પાક વીમા યોજના શરૂ કરવામાં આવે, ખોટી જમીન માપણી રદ કરવામાં આવે, જમીન સંપાદનના નામે ખેડૂતો પરના અત્યાચારને રદ કરાય, ખાતર-બિયારણના કાળાબજાર બંધ થાય અને તેની તંગી ન થાય તેવી વ્યવસ્થા સર્જવામાં આવે. તેમા પાકને થયેલા નુકસાન માટે ખાસ સહાય પેકેજ તો અમારી મુખ્ય માંગ છે.
તેમણે કર્ણાટક, તેલંગણા, હિમાચલ, જ્યાં-જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તેણે ખેડૂતોનું દેવુ માફ કર્યુ છે. વર્તમાન શાસક પક્ષના ખેડૂતોના હામી બનવામાં કેમ ચૂંક આવી રહી છે. તેમની પાસે બધી જ સત્તા છે, ખેડૂતોનું દેવું માફ કરતાં તેમને કોણ રોકે છે. અમે જ વર્તમાન શાસકોને કહીએ છીએ ખેડૂતોના હામી બનો, અમે તમારી સાથે છીએ. અમે ખેડૂતોની જે માંગો રજૂ કરી છે, તે સરકાર પૂરી કરી દે પછી તો આંદોલનની વાત જ ક્યાં રહે છે. આ બધી માંગ કંઈ કોંગ્રેસ પક્ષની માંગ નથી, ખેડૂતોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને તેની મુશ્કેલીને રૂબરૂ જઈને જાણીને રજૂ કરવામાં આવેલી માંગ છે. આ ખેડૂતને પીડતા પ્રશ્નોની વાત છે. તેને અમે માંગના સ્વરૂપમાં રજૂ કરી છે.
સરકારે આમા અમને કાણી પાઈ પણ આપવાની નથી, પણ કમસેકમ તે ખેડૂતને તેના હક્ક તો આપે. ખેડૂતોના હક્ક આપવામાં તે પાછીપાની કેમ કરે છે. ખેડૂતની વાત આવે ત્યારે સરકાર કેમ પારોઠના પગલાં ભરે છે. તેમને જ અપાતા વળતરમાં કેમ કાયમ કાપ આવે છે, તેને લગતી યોજનાઓનું શા માટે ફીડલું વાળી દેવામાં આવે છે. આ અગાઉ પણ અમે ખેડૂતોને રાત્રે અપાતી વીજળીના વિરોધમાં સતત રજૂઆતો અને આંદોલન કર્યા પછી સરકાર દિવસે વીજળી આપતી થઈ હતી.
કોંગ્રેસે પહેલીં જ વખત એકજુટતાનું પ્રદર્શન કરતાં તેની આ રેલીમાં પક્ષના બધા જ દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. તેમા લાલજીભાઈ દેસાઈ, વિમલ ચુડાસમા, લલિત કાગથરા, ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, લલિત વસોયા, ખેડૂત નેતા પાલ આંબલિયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશ સહિત અનેક સ્થાનિક કોંગ્રેસી આગેવાનો તથા વિસ્તારના સામાજિક આગેવાનોની જોડે અન્ય ખેડૂત આગેવાનોએ પણ હાજરી આપી હતી.
અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમારી યાત્રાનું ફળ ચોક્કસ ખેડૂતોને મળશે. અગાઉ પણ અમે આ જ રીતે આંદોલન કરીને ખેડૂતોને તેમના હક્ક આપવાની સરકારને ફરજ પાડી હતી. અમારી આ યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં સરકાર સહાય પેકેજ જાહેર કરશે તેવો અમને વિશ્વાસ છે અને નહીં થાય તો ખેડૂતો માટે આંદોલન કરવા માટે કોંગ્રેસ તૈયાર છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
