બેંગ્લુરુના પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલના કેદીઓના નાચતા-ગાતાં અને પાર્ટી કરતાં વિડીયોએ ધમાલ મચાવી દીધી છે. તેનો વિડીયો વાઇરલ થવાના કારણે ફક્ત જેલ અને બેંગ્લુરુ કે કર્ણાટક જ નહીં આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. લોકો કહેવા લાગ્યા છે કે આવી જેલ હોય તો પછી કોને કેદી બનવું ન ગમે. દેશની આ તે કઈ જેલ છે જ્યાં ખૂનીઓ, મર્ડરરો પાર્ટી કરી શકે છે. તેમને મહેલ કરતાં પણ વધુ અને કહી શકાય કે મહેલને પણ પાછળ છોડી દે તેવી સગવડો મળી રહે છે.
આશ્ચર્યની વાત એ છે કે આ પાર્ટી કરી રહેલા કેદીઓ કંઈ કાચા કામના ન હતા. એકીએક કેદીઓ જાણે ગંભીર ગુનાના આરોપી હતા. કોઈ મર્ડરર હતો, કોઈ રેપિસ્ટ હતો તો કોઈ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો આતંકવાદી હતો. આ બધા કેદીઓને VIP ટ્રીટમેન્ટ આપવાના આવી રહી હોવાના વિડીયો બહાર આવતા હલચલ મચી ગઈ છે.
આ જારી થયેલા વિડીયોમાં કેદીઓને નાસ્તો કરતાં અને દારૂ પીતા જોવામાં આવી રહ્યા છે. આ વિડીયો લગભગ એક અઠવાડિયા પહેલાં હોવાનું મનાય છે. નવા વિડીયોમાં કેદીઓ આખી રાત પાર્ટી કરો તેવી બૂમો પાડતાં-પાડતાં પ્લેટો અને મગોને સંગીત વાદ્યની જેમ ઉપયોગ કરતાં જોઈ શકાય છે. હવે આ વિડીયોની ચકાસણી કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓને આશ્ચર્ય એ વાતનું થયું છે કે આટલી મજબૂત સુરક્ષા વચ્ચે પણ કેદીઓની પાર્ટીનો વિડીયો કોણ ઉતારી ગયું. તેમને અંદર કેદીઓએ કેમ પાર્ટી કરી તેની ચિંતા ઓછી છે, પરંતુ તેનો વિડીયો ઉતરી ગયો તેની ચિંતા વધારે છે.
આ વિડીયોનો વિવાદ એટલો વધ્યો કે કર્ણાટકના જેલ તેમજ સુધારણાના ડાયરેક્ટરે પોતે તપાસ કરવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું. તેમા તે પોતે જોઈ શક્યા કે હાઈ રિસ્ક કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં નજરે પડ્યા હતા. સ્માર્ટ ટીવી જોતાં નજરે પડ્યા હતા. નાચતા-ગાતા નજરે પડ્યા હતા. આ જોઈને તે ચોંકી ઉઠ્યા હતા. તે જોઈ શક્યા કે કેદીઓને ખરેખર વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
એડિશનલ જેલ ડાયરેક્ટર પી વી આનંદ રેડ્ડીએ જણાવ્યું હતું કે હવે તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ કેદીઓને મોબાઇલ ફોન અને સ્માર્ટ ટીવી કેવી રીતે મળ્યાં, જેલની અંદર ફોન કેવી રીતે આવ્યા, કેદીઓને ફોન કોણે આપ્યા, આ બધા ફૂટેજનું રેકોર્ડિંગ કઈ રીતે થયું, મીડિયા સુધી તેને પહોંચાડ્યા.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે સીરિયલ રેપિસ્ટ ઉમેશ રેડ્ડી પણ સામેલ છે અને તેને ફોનનો ઉપયોગ કરતાં જોઈ શકાય છે. એક અન્ય વિડીયોમાં ISISનો શંકાસ્પદ આતંકવાદી દેખાય છે, જે મુક્તમને બહાર સંપર્ક કરી શકતો હોય તેમ માનવામાં આવે છે. સોનાની દાણચોરીમાં ફસાયેલો તેલુગુ કલાકાર તરુણ પણ અલગ-અલગ ક્લિપમાં દેખાય છે. વહીવટીતંત્રને વિશ્વાસ છે કે અંદરના લોકોએની મદદ વગર તેઓને આ પ્રકારની સગવડ મળી જ ન શકે. તેની સાથે આ રીતે છેક કોઈ જેલની અંદર આવીને વિડીયો ફૂટેજ ઉતારી ગયુ તે પણ જેલની નબળી સુરક્ષા બતાવે છે.
આના પગલે અધિકારીઓએ ઘનિષ્ઠ તપાસ કરી વિડીયો ફૂટેજની ચકાસણી કરી અને જવાબદાર લોકોને ઓળખ્યા. અધિકારીઓનું કહેવું છે તત્કાલ સુધારાના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. બેંગ્લુરુ સેન્ટ્રલ જેલના વડાને દોષિત કેદીઓ અને કોઈપણ જવાબદાર કર્મચારી કે અધિકારીની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
આ જેલ કાંડના પગલે કર્ણાટકની સિદ્ધારામૈયા સરકાર કઠેડામાં મૂકાઈ છે. આના માટે ગૃહપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવાની જરૂર પડી છે. તેઓએ જણાવ્યું છે કે આ જેલ કાંડમાં દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરીશું.
આ દરમિયાન સેન્ટ્રલ જેલના ડાયરેક્ટર દયાનંદ રેડ્ડીએ જણાવ્યું હતું કે હાઇપ્રોફાઇલ કેદીઓને દર્શાવતા ફૂટેજને ચકાસવાના આદેશ પણ જારી કરી દેવાયા છે. આ ફૂટેજમાં તેલુગુ અભિનેતા તરુણ રાજુ, અભિનેત્રી તાન્યા રાવની દાણચોરીના કેસમાં સહઆરોપી, આઇએસઆઇએસનો કુખ્યાત ભરતીકર્તા જુહાદ હમીદ અને સીરિયલ રેપિસ્ટ ઉમેશ રેડ્ડી સામેલ છે. આ બધાને તેમની જેલની અંદર ટીવી જોતાં વિડીયોમાં જોઈ શકાય છે.
સામાન્ય રીતે કોઈ નેતા, પ્રધાન કે આર્થિક ગુનેગારને સુપીરિયર ક્લાસની સગવડો આપવામાં આવે છે. જેલ મેન્યુઅલ અનુસાર કેદીને એક મેજ, એક ચોકી, એક અખબાર સૂવા માટે લાકડાની પાટ, કોટનની ચાદર, મચ્છરદાની, એક જોડી ચપ્પલ, કૂલર વગેરે આપી શકાય છે. આ ઉપરાંત તેને બહારથી જમવાનું મંગાવવાની છૂટ પણ મળે છે. પણ સામાન્ય કેદીને જમવા માટે પ્લેટ-ગ્લાસ, સૂવા માટે સામાન્ય જગ્યા અને કામળો આપવામાં આવે છે. તેને રહેવા માટે અલગ જ સેલ આપવામાં આવે છે. હવે જો તે પુસ્તકો વાંચવા ઇચ્છતા હોય તો તેને પુસ્તકો આપવામાં આવે છે. રેપિસ્ટ કે મર્ડરના કેસમાં બંધ ગુનેગાર સામે વધારે સખ્તાઈ કરવામાં આવે છે.
કેદીઓને તેમની સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે વીઆઇપી સ્થિતિની અરજી કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે વીઆઇપી કેદી માટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ, રાજ્ય વિધાનસભાના સભ્ય, વિધાનસભાના ભૂતપૂર્વ વડા, પ્રવક્તા, વર્તમાન સાંસદ તેમજ વિધાનસભ્ય તથા ન્યાયિક મેજિસ્ટ્રેટની પસંદગી કરવામાં આવે છે. મોટાભાગના દોષિત રાજનેતાઓ માટે આ ખાસ સ્થિતિ પ્રાપ્ત કરવી તે સારુ રહેવા-ખાવાની વ્યવસ્થા કરવાનું પ્રવેશદ્વાર છે.
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
આ પણ વાંચો: મંત્રીમંડળ વિસ્તરણમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ નહીઃ ગેનીબેન ઠાકોર
