MANTAVYA Vishesh/ ખેડૂતોના પ્રશ્નઃ જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપના જૂથ સામસામે

ખેડૂતોનો પ્રશ્ન વિકટ બની ગયો છે તો તેની સાથે તેના ફોન ઉપાડવાને લઈને શાસક પક્ષમાં પણ ભાંજગડ પેઠી છે. ખેડૂતો કમોસમી વરસાદ અને તેમની તકલીફોના કારણે ધારાસભ્યોને અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના શાસક પક્ષના ધારાસભ્યોને તેમની તકલીફોને લઈને ફોન કરવા લાગ્યા છે. હવે ખેડૂતને તકલીફ પડે તો તે પોતાના ધારાસભ્યને જ ફોન કરે, બીજા કોને કરે. આ સંજોગોમાં કેટલાક ધારાસભ્ય ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.

Mantavya Vishesh

ખેડૂતોનો પ્રશ્ન વિકટ બની ગયો છે તો તેની સાથે તેના ફોન ઉપાડવાને લઈને શાસક પક્ષમાં પણ ભાંજગડ પેઠી છે. ખેડૂતો કમોસમી વરસાદ અને તેમની તકલીફોના કારણે ધારાસભ્યોને અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના શાસક પક્ષના ધારાસભ્યોને તેમની તકલીફોને લઈને ફોન કરવા લાગ્યા છે. હવે ખેડૂતને તકલીફ પડે તો તે પોતાના ધારાસભ્યને જ ફોન કરે, બીજા કોને કરે. આ સંજોગોમાં કેટલાક ધારાસભ્ય ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.

તેમા ભાજપના જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું પણ ના બહાર આવ્યું છે. તેઓ ખેડૂતોના ફોન ઉપાડતા નથી તેવો વિડીયો વાઇરલ થયો હતો. તેને લઈને અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી હતી કે અમુક લોકો એવા હોય છે જે ફક્ત હેરાન કરવા માટે જ ફોન કરતાં હોય છે તેવા લોકોના ફોન હું ઉપાડતો નથી. હવે આ જ બાબતને લઈને ભાજપમાં ભાંજગડ પેઠી છે. ભાજપના જ ધારાસભ્યોના એક જૂથનું કહેવું છે કે ખેડૂતોને તકલીફ હોય તો જ ફોન કરે ને, ખેડૂતોના ફોન તો ઉપાડવા જ જોઈએ, તે તો આપણી ફરજ છે. આવા સમયે ખેડૂતોની તકલીફ આપણે નહીં સાંભળીએ તો કોણ સાંભળશે. વાસ્તવમાં તો આ સમયે ફક્ત ફોન ઉપાડવા જ નહીં તેની તકલીફોને જાણવા માટે ખેડૂતોની વચ્ચે જવું જોઈએ, જેથી તેમની વરવી સ્થિતિનો સાચો અંદાજ આવે.

આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભાજપમાં પણ ખેડૂતોને લઈને આંતરિક ખેંચતાણ તીવ્ર બની છે. એક જૂથ સતત પોતાને ખેડૂતોના હિતૈષી હોવાનું સાબિત કરવા મથી રહ્યુ છે અને બીજું જૂથ જાણે ખેડૂતો માટે નિષ્ક્રીય હોવાનો દાવો કરી રહ્યુ છે. આના પરથી જૂનાગઢ શહેર અને જૂનાગઢ ભાજપ વચ્ચેનો જૂથવાદ ઉડીને આંખે વળગે છે. સામાન્ય રીતે ભાજપના ધારાસભ્યો તો પક્ષની લાઇન મુજબ બોલતા હોય છે, પરંતુ આ વખતે અહીં ક્યાંય પક્ષની લાઇન નથી. દરેક જૂથ પોતાની રીતે વર્તી રહ્યુ છે. જૂનાગઢ શહેરના ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે આ રીતે કોઈ ધારાસભ્ય પોતાની જવાબદારીમાંથી છટકી જાય તે કઈ રીતે ચાલે. ધારાસભ્યનું કામ જ નહીં જવાબદારી છે લોકોના ફોન ઉપાડવાની, તેમને સમજાવવાની, તેમને યોગ્ય જવાબ આપવાની, તેમના કામ કરવાની. કેટલાક લોકો સળી કરવા ફોન કરે છે તેમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી ન શકાય.

આમ ભાજપના જૂનાગઢના ધારાસભ્યનું કહેવું હતું કે આ રીતે ખેડૂતોના ફોન ન ઉપાડવા તે તો પલાયનવાદ જ છે. પોતાના જ વિસ્તારનો જ ધારાસભ્ય આવું કરે તો ખેડૂતોને ગુસ્સો આવવાનો જ. હું પોતે જે વિસ્તારનો ધારાસભ્ય છું ત્યાંના લોકોના ફોન હું મુસીબતના સમયે ન ઉપાડું તો પછી મારા પર પણ લોકોને ગુસ્સો આવે જ.. મુસીબતમાં પડખે રહેવાના કારણે જ પક્ષ આજે આ સ્તરે ઊભો છે, લોકોની તકલીફોમાં જોડે રહેવું તે જ ભાજપની ઓળખ છે. તેથી હાલમાં માણાવદરના જે ધારાસભ્ય કરી રહ્યા છે તે ભાજપની સંસ્કૃતિ નથી તેમ તેમણે જણાવ્યું હતું. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે હાલમાં ખેડૂતોને મળવા દોડી જાય છે. તેમની વર્તમાન સ્થિતિનો સતત ક્યાસ કાઢતા રહે છે, તેમને જ્યાં-જ્યાં મદદની જરૂર છે ત્યાં મદદ પણ પૂરી પાડે છે. આ સંદર્ભમાં તેમણે ખેડૂતોને આવતા વર્ષથી દિવસના સમયગાળામાં રોજના આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, જેને ખેડૂતોએ આવકાર્યો પણ છે.

હવે એકબાજુએ સીએમ પોતે આ રીતે ખેડૂતોને મદદ માટે દોડાદોડ કરી રહ્યા છે, ત્યારે તેમના જ પક્ષનો ધારાસભ્ય ખેડૂતોના ફોન પણ ન ઉપાડે તો ખેડૂતોનો પારો તો છટકે જ ને. તેમણે સમજવું જોઈએ કે ખેડૂત આપણી આધારશિલા છે. આપણા સમાજનો પાયો જ ખેડૂત છે. ખેડૂતની તકલીફને વર્તમાન શાસન પોતાની તકલીફ સમજે છે, તે ઇચ્છતું નથી કે સમાજનો પાયો નબળો રહે.

આમ જૂનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ શહેરના જ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાના નિવેદનનો વિરોધાભાસ બતાવે છે કે જૂનાગઢ ભાજપની અંદર કમસેકમ બે જૂથ તો છે જ. આ જૂથ હવે ખેડૂતોના મુદ્દાને આગળ ધરીને હુંસાતુંસી પર ઉતરી આવ્યા છે. જ્યારે પણ પક્ષમાં જૂથવાદ હોય ત્યારે એક જૂથ હંમેશા પોતાને બીજા કરતાં મુઠી ઉચેરો બતાવવાનો પ્રયત્ન કરતું રહેવાનું જ છે. હાલમાં ભાજપમાં આ જ ચાલી રહ્યુ છે.

જો કે ભાજપની અંદરનો આ ખેલ જોઈને વિપક્ષ કોંગ્રેસ પણ ગેલમાં આવી ગઈ છે. શાસક પક્ષમાં જૂથવાદનું વહેણ વહેતું હોય તો પછી વિપક્ષ તેમા હાથ ન ધુવે તો જ નવાઈની વાત કહેવાય. જૂનાગઢના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ જણાવ્યું હતુ કે આ  અરવિંદ લાડાણી જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા ત્યારે અહીં શાસક પક્ષની સામે સિંહની જેમ ગર્જના કરતાં હતા, લોકોના પ્રશ્નોની ઉગ્રતાભેર રજૂઆત કરતા હતા. સતત લોકોનો અવાજ બનતા હતા. લોકોની વચ્ચે રહેતા હતા. તેમા પણ ખેડૂતોના તો તે હામી હતા. હવે અમારો આ સિંહ ભાજપમાં જઈને જાણે બકરી થઈ ગયો હોય તેવી વાત છે. કદાચ બેં-બેં કરવાની તક પણ તેમને નહીં મળતી હોય, તેના માટે પણ તેમને હાઈ કમાન્ડને પૂછવું પડતું હશે. કોંગ્રેસ જેવી મોકળાશ કંઈ તેમને ભાજપમાં નહીં મળે, ત્યાં તો મોઢું બંધ રાખવાનું અને પક્ષની વિચારધારા મુજબ કાર્યકર તરીકે જ કામ કરવાનું નેતા તરીકે નહીં. તેથી લાડાણીભાઈ કોંગ્રેસ છોડીને તો ગયા, પરંતુ ભાજપમાં ગયા પછી પણ તેમની કોંગ્રેસની શૈલી તેમનાથી કઈ રીતે છૂટશે તે સવાલ છે, શું તેઓ પોતાનામાં ગયેલા કોંગ્રેસના લક્ષણો ત્યજી શકશે, જરા પણ નહી. આમ તેમણે જબરદસ્ત વૈચારિક સંઘર્ષમાંથી પસાર થવું પડશે. હાલમાં તેઓ જે ફોન ઉપાડી રહ્યા નથી તે આ વૈચારિક સંઘર્ષનું જ પરિણામ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા