સરકારનો પ્રોજેક્ટ હોય અને ભ્રષ્ટાચારથી ખરડાયા વગર રહે નહીં તેવું તો બને જ નહી. પછી તે ઝૂંપડપટ્ટીવાસીઓના પુર્નવસનની યોજના કેમ ન હોય. અમદાવાદને ઝૂંપડપટ્ટીવિહીન બનાવવા માટે સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ઝૂંપડાવાસીઓનું તો ડેવલપમેન્ટ તો ન થયું પણ કૌભાંડીઓનું ડેવલપમેન્ટ જરૂર થયું છે. ઝૂંપડાવાસીઓને તો બિચારાને ફ્લેટ લેવા જતાં ઝુંપડુ ગુમાવવાનો દિવસ આવ્યો છે.
વાડજ રામાપીરના ટેકરામાં થયેલા સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ કૌભાંડીઓએ મલાઈ તારવી લીધી છે અને ગરીબો એટલે કે ઝૂંપડપટ્ટીવાસીઓના ભાગે રોટલા પણ આવ્યા નથી તેવી સ્થિતિ છે. આ આખા ઘટનાક્રમને લઈને RTI એક્ટિવિસ્ટ અને વકીલ નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે વાડજના રામાપીરમાં સ્લમ રિડેલવમેન્ટ પ્રોજેક્ટ તે વાતનો પુરાવો છે કે ગરીબોને પ્રલોભન આપીને તેમની પાસેથી મકાન કેવી રીતે પડાવી લેવામાં આવે છે.
રાજ્ય સરકારે રામાપીરના ટેકરા પરની ઝુંપડપટ્ટીની વસાહત દૂર કરી અને ત્યાં ફ્લેટ બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું. આ કામ બિલ્ડરોને આપવામાં આવ્યું. એક વખત સરકાર પ્રોજેક્ટમાંથી જરા હટી અને બિલ્ડરોના હાથમાં કામ આવ્યું બસ ત્યારથી જ કૌભાંડની રૂપરેખા ઘડાઈ. સ્લમ રિડેવલપમેન્ટમાં નિયમ હોય છે કે ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓને જ ફ્લેટ આપવાના હોય છે.
તેના બદલે બિલ્ડરોએ કાયદાકીય ક્ષતિઓનો ફાયદો ઉઠાવીને આ ઝૂંપડપટ્ટીવાસીઓને ફ્લેટ આપવાના બદલે સારી એવી રકમ લઈને બારોબાર વેચી દીધા. આમ ગરીબોની જમીન પર બિલ્ડરોએ તેમના નફાની ઇમારત ચણી લીધી. શોષણની કહો કે કૌભાંડની કહો આ એક નવી જ પદ્ધતિ છે. આમા પાછા સ્થાનિક કોર્પોરેટરોની પણ મિલીભગત છે, જેથી ઝૂંપડાવાસીઓનો અવાજ કોઈને સંભળાતો નથી. પોલીસ સુદ્ધા ફરિયાદ કાને ધરતી નથી.
આજે નરેન્દ્ર પરમાર ઝૂંપડાવાસીઓને મકાન અપાવવા માટે લડત ચલાવી રહ્યા છે. તેમનો દાવો છે કે કુલ છ સેક્ટર બનાવવાના હતા અને તેમાથી ત્રણ સેક્ટર બની ચૂક્યા છે અને ત્રણ બની રહ્યા છે. બની ગયેલા ત્રણેય સેક્ટરમાં જુઓ તો ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ખૂબ જ ઓછા, પરંતુ તેના સિવાયનાને મકાન ફાળવવામાં આવ્યા છે. ત્રણેય સેક્ટરમાં આવેલા મકાનોમાં મુખ્યત્વે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સિવાયના જ લાભાર્થીઓ રહે છે. ઝૂંપડપટ્ટીમાંથી પણ ગણ્યાગાંઠ્યા લોકોને જ મકાન મળ્યા છે.
બિલ્ડરોએ સ્લમ રિડેવલપમેન્ટનું ટેન્ડર મેળવ્યા પછી ઝૂંપડપટ્ટીવાસીઓને મકાન આપવા ન પડે તે માટે અનોખી તરકીબ અજમાવી છે. સરકારે નિયમ કર્યો હતો કે ઝૂંપડપટ્ટીમાં 2010 પહેલાં જે લોકો રહેતા હોય તે લોકો તેમના રહેઠાણના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, વીજબિલ વગેરે આપે. આ જોગવાઈ તો બરોબર હતી, પરંતુ તંત્ર જાણે આ કામમાંથી પણ હાથ ખંખેરી નાખવા માંગતુ હોય તેમ ઝૂંપડાવાસીઓએ આ પુરાવા સરકારને નહીં પણ બિલ્ડરને આપવાના હતા. બિલ્ડરોએ આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો. ઝૂંપડપટ્ટીવાસીઓ પાસે તો કંઈ બધા કાગળ તો હોય જ નહીં, ક્યાંકને ક્યાંક તો કશું જ ખૂટે.
તેથી બિલ્ડરોએ આ બાબતનો ફાયદો ઉઠાવીને આ ઝૂંપડાવાસીઓના નામ જ લાભાર્થીમાંથી કાઢી નાખ્યા, હવે આ જે લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા તેમના માટે જ હું લડત ચલાવું છું તેમ નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું. ઝૂંપડાવાસીઓના સ્થાને બીજા લોકોના ખોટા દસ્તાવેજ બનાવી દેવાયા છે. અહી ખોટા દસ્તાવેજો અને આઇડી ફોટોશોપમાં બનાવી દેવામાં આવે છે. તેના કારણે રામાપીરની ટેકરીના રહેવાસી ન હોવા છતાં પણ તેને આ સ્લમ રિડેવલપમેન્ટમાં મકાન મળી જાય છે. આવા એક ફ્લેટ 8થી 10 લાખ રૂપિયામાં વેચાય છે અને એક દુકાનના 10થી 15 લાખ રૂપિયા લેવાય છે.
નરેન્દ્ર પરમારનો દાવો છે કે જો ખરેખર યોગ્ય તપાસ કરવામાં આવે તો ત્રણેય સેક્ટરમાં અનેક ગણા બોગસ લાભાર્થીઓ મળી આવશે, જેનો આંકડો ખાસ્સો વધી જાય તેમ છે. આ સેક્ટરમાં ક્યુબ કન્સ્ટ્રકશન, વિનસ, એચ.એન. સફલ, આરજેપી જેવી કંપનીઓ જોડાયેલી છે. આ બધી જ કંપનીઓએ કૌભાંડ તો સીધું કરી શકે નહી, તેથી તેણે સ્થાનિક કોર્પોરેટરોને પણ તેની સાથે જોડી લીધા હોવાથી કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જ્યારે ઝૂંપડાવાસીઓને ધમકાવવા કમલેશ સોલંકી અને રાજુ કરાટે નામના બે માથાભારે શખ્સોને રાખ્યા છે. તેમના ડરના લીધે કોઈપણ ઝૂંપડાવાસી તેમની સામે બોલી શકતો નથી.
આ બંને તે જ આરોપીઓ છે જેમના નામ RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની હત્યામાં ખૂલ્યા છે. આ રસિક પરમાર તે જ વ્યક્તિ છે જે વાડજ રામાપીરના સ્લમ રિહેબિલિટેશન કૌભાંડ કરનારા બિલ્ડરોની સામે પડ્યો હતો અને તેણે બિલ્ડરોના હાથ સમા કમલેશ સોલંકી અને રાજુ કરાટેને પડકાર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે પોલીસે પણ રસિક પરમારની હત્યા કરી તે બંને આરોપીઓના નામ લખ્યા છે, પરંતુ આ હત્યા કરાવનારા બિલ્ડરોના નામ ક્યાંય આવ્યા નથી. આ બતાવે છે કે બિલ્ડરોએ તેમના માટે પહેલેથી જ બલિનો બકરો તૈયાર રાખ્યો છે.
RTI કાયદો અમલમાં આવ્યા પછી ગુજરાતમાં કુલ RTI 19 કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે અને દેશભરમાં 80થી પણ વધુ કાર્યકરોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. રસિકભાઈએ રામાપીરમાં સ્લમ રિડેવલપમેન્ટ પ્રોગ્રામમાં થયેલા કૌભાંડની વિગતો જાણવા માટે અનેક RTI કરી હતી અને તેથી જ તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ સંભાવના છે, એમ RTI એક્તા મંચના વડા પંક્તિ જોગે જણાવ્યું હતું. નરેન્દ્ર પરમારનું પણ આવું જ કહેવું છે.
તેણે જણાવ્યું હતું કે રસિક પરમાર પછી મારો વારો છે, કૌભાંડીઓ રસિક પરમાર પછી ગમે ત્યારે મારી પણ હત્યા કરી શકે છે, પણ હું પાછો હટવાનો નથી. તેમનો દાવો છે કે આ માટે તંત્રમાં બધે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મકાન બનાવવામાં પણ બાંધછોડ કરનારા બિલ્ડરોએ તંત્રમાં છેક સુધીના સાંધા લગાવવામાં બરોબરનું પાક્કુ કામ કર્યુ હોવાથી અમારો ગજ વાગતો નથી. આમ છતાં ગરીબોના હક્ક પર પડેલી તરાપ સામે હું મારી લડત ચાલુ રાખીશ.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
