Ahmedabad News:અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પર રામનગર પાસે ચાની કીટલી નજીક ગુરુવારે મોડી રાત્રે ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. રસોઈના ઓર્ડર પર જઈ રહેલા કેટરિંગના કર્મચારીઓની પીકઅપ વાનના ડ્રાઇવરને ઝોકું આવતા રસ્તા પર અચાનક બંધ પડેલા ટ્રકની સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સહિત બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતની (Accident) જાણ થતાંની સાથે જ 108 એમ્બ્યુલન્સ અને બાવળા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોની હાલત સ્થિર છે અને તેમની તબિયત સુધારા પર છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો અને બંધ પડેલા ટ્રકના ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન છે કે પીકઅપ વાન ચલાવતા ડ્રાઈવરને ઝોકું આવી જતાં વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને આ અકસ્માત સર્જાયો હતો. જોકે, ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ ચાલુ છે.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. બાવળા પોલીસ સ્ટેશનમાં આ બનાવને લઈને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
આ પણ વાંચો:પાલડીમાં થારના ચાલકે અકસ્માત સર્જતા ટોળાએ કારમાં તોડફોડ કરી
આ પણ વાંચો:હવે અકસ્માતોમાં માત્ર ડ્રાઇવરો જ નહીં, પરંતુ માર્ગ કોન્ટ્રાક્ટરો અને ઇજનેરો પણ જવાબદાર રહેશે
