વાવથરાદના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરીથી આક્રમક વલણ અપનાવ્યું છે, પરંતુ આ વખતે આ આક્રમક વલણ ઠાકોર સમાજની બદીઓ સામે અપનાવ્યું છે. દર વખતે હરીફ રાજકીય આગેવાનો અને રાજકીય પક્ષો પર પ્રહાર કરતાં ગેનીબેને આ વખતે તોપનું નાળચું ફેરવ્યું છે અને સમાજના કુરિવાજો પર લક્ષ્યાંક લગાવીને મોટો ધડાકો કર્યો છે. તેમણે ઠાકોર સમાજમાં વ્યાપ્ત બદીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજે જાગવું હશે તો આ ધૂણવાની પ્રથામાંથી બહાર આવવું પડશે. ભુવાઓની ધૂણવાની પ્રથા, દારૂની બદી સહિતના અનેક કુરિવાજોમાંથી ઠાકોર સમાજે બહાર આવવું પડશે. દર વખતે આપણે પછડાટ અનુભવીએ તેનો દોષનો ટોપલો કંઈ કાયમ માટે બીજાના માથે ન ઢોળી શકીએ. સમાજે પોતે પણ જવાબદારી લેવી પડે.
ગેનીબેને ઠાકોર સમાજ ને સલાહ
ગેનીબેને આ વાત ઠાકોર સમાજના સ્નેહમિલન સમારંભમાં કહી હતી. બહુચરાજી-શંખલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના કાર્યક્રમમાં ગેનીબેન સામાજિક બદીઓને લઈને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધી ગઈ છે. ગુજરાતમાં તો જાણે હવે ઘેર-ઘેર ભુવાઓ થઈ ગયા છે. આ ભુવાઓ ધારે તો સમાજને સુધારી શકે છે અને બરબાદ પણ કરી શકે છે. પણ ઠાકોર સમાજે આ ભુવાઓની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ. સમયની સાથે બદલાવવું જોઈએ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. માનસિક પછાતપણુ ત્યજવામાં આવે તે સમયની માંગ છે. આપણી સંખ્યા ગમે તેટલી વધારે હશે, પરંતુ જો ગુણવત્તા નહીં હોય તો આપણને કોઈ પૂછનારું પણ નહીં હોય.
તેમણે જણાવ્યું હતું કે સમાજ શિક્ષણવિહીન હોય તો પછી તે ગમે તેટલી સંખ્યા ધરાવતો હોય તેનો કોઈ અર્થ સરતો નથી. લાખો શૂન્ય હોય, પરંતુ એટલા બધા શૂન્યનું કોઈ મૂલ્ય નથી. પણ આ શૂન્ય આગર જ્યારે મૂલ્યના સ્વરૂપમાં એકડો લાગે આ આ શૂન્યનું મૂલ્ય અંકાય છે. તેથી આવું ઠાકોર સમાજે કરવાનું છે. ઠાકોર સમાજ ભણતરના મોરચે પ્રગતિ નહીં સાધે તો તેમની સ્થિતિ છે તેનાથી પણ વધારે ખરાબ થશે. ભણતર વગર અને જ્ઞાનની સીમાઓ વિસ્તાર્યા વગર ઠાકોર સમાજ પોતાના પ્રતિનિધિત્વને પણ નહીં વિસ્તારી શકે.
તેમણે ઉમેર્યુ હતું કે આજે ઠાકોર સમાજ દારૂની બદીના લીધે ઘણો પાછળ છે. ઠાકોર સમાજનો છોકરો શહેરમાં ભણવા જાય તો પાણી બદલાય તો તે પાણી તેને નડે છે. આના કારણે કેટલાય છોકરા પાછા પણ આવી જાય છે. પછી તેઓ અહીં બેઠા-બેઠા દારૂના રવાડે ચઢી જાય છે, હવે તેમને બહારનું પાણી નડે પણ અહીંનો દારૂ ન નડે. હવે આવી માનસિકતાનો શું ઇલાજ થાય. ભાઈ, ભણવું નથી તો પછી આવા બહાના ન ચાલે. સારું ભણતર નહીં હોય તો સાચી શું ખોટી દાદાગીરી પણ નહીં કરી શકો. ભણ્યા હશે તો સાચી દાદાગીરી પણ કરી શકશો. કોઈ બે વાત પણ સાંભળશે, પણ ભણતર નહીં હોય તો સમાજ તો જવા દો ઘરમાં પણ કોઈ નહીં સાંભળે.
આજે વિશ્વ 5જીના સમયમાં પહોંચી ગયું છે ત્યારે પછાત માનસિકતા અને પછાત વિચારો નહીં ચાલે, બહેન દીકરીઓએ પણ પડદામાં નહી બધાની વચ્ચે રહીને કામ કરવું પડશે, હું પોતે કરું છું એટલે જ કહું છું એમ તેમણે ઉમેર્યુ હતુ. ઠાકોર સમાજ એવું કરે કે દરેક ક્ષેત્રમાં જ તેનો ડંકો વાગે. ફક્ત દારૂ પીવામાં જ ડંકો વગાડવાની જરૂર નથી, બીજા ઘણા ક્ષેત્રો છે જેમા નામ કાઢી શકાય છે, પ્રતિષ્ઠા મેળવી શકાય છે. પણ પછી તે પ્રતિષ્ઠા મુજબના કામ પણ કરવા પડે છે. ઠાકોર સમાજના યુવાનો કંઈ દારૂ પીને પડ્યા રહેવાથી ઉદ્ધાર નહીં થાય, બહાર નીકળીને જુઓ બીજા સમાજના યુવાનો શું-શું કરી રહ્યા છે. તેઓ દેશની પ્રગતિ માટે જાતજાતના નવા વિચારો પર કામ કરી રહ્યા છે, રોજ કંઇકને કંઇક નવું કરી રહ્યા છે. અભ્યાસથી લઈને ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં નવતર સિદ્ધિઓ મેળવી રહ્યા છે.
સમાજમાંથી અંધશ્રદ્ધામાંથી બહાર આવશે નહીં ત્યાં સુધી તેની પ્રગતિ સંભવ નથી, મહિલા સાક્ષર નહીં થાય ત્યાં સુધી તેની પ્રગતિ શક્ય નથી, યુવાનો ઉચ્ચડિગ્રી ધારી નહીં બને ત્યાં સુધી તેની પ્રગતિ શક્ય નથી, ભુવાઓની પક્કડમાંથી સમાજ મુક્ત નહીં થાય તો સમાજની પ્રગતિ નહી થાય, પણ અધોગતિ થશે. આજે જાહેર સેવા આયોગની પરીક્ષાથી લઈને સરકારી નોકરીઓમાં જુઓ અને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં જુઓ ઠાકોર સમાજ અને તેના યુવાનો ક્યાંય દેખાતા નથી. શું આ ભૂલ બીજા સમાજની છે, ના હું આ મંચ પરથી કહી જરા પણ નહી.
ઠાકોર સમાજના યુવાનોને કોણે શિક્ષણ લેતા રોક્યા છે, કોઈએ નહી, કોણે નોકરી કરતાં રોક્યા છે, કોઈએ નહી, કોણે ધંધો કરતાં રોક્યા છે કોઈએ નહીં. પ્રગતિ કરવી હોય તો પોતાની અંદર જ વિકાસની ભૂખ હોવી જોઈએ, તે ન હોય તો કોઈ ઘોડાને તળાવ સુધી પાણી પીવા જ લઈ જઈ શકે, પણ જો ઘોડાએ પાણી પીવું ન હોય તો પછી કોઈ કશું કરી ન શકે. આપણી આવી દશા બીજા કોઈએ કરી નથી, આપણે પોતે જ કરી છે. તેના પછી આપણે અન્યાયના રોદણા રોઈએ, પણ આપણું સાંભળે કોણ. આપણે જેવા અન્યાયના રોદણા રોવા બેસીએ તરત જ આપણા અવગુણોનો પટારો ખોલીને આપણી સામે ધરી દેવામાં આવે. એટલે પછી આપણે ચૂપ થઈ જવા સિવાય વિકલ્પ જ રહેતો નથી. કોઈપણ પ્રકારના અનાડીવેડા કરવા બદલે આપણે સીધો રસ્તો પકડીએ તો આપણને કંઈ નુકસાન જવાનું નથી. ભણતર વગર આપણને ક્યાંય સન્માન મળી શકે તેમ નથી. તેના વગર તો ખાલી બધુ ઝાંઝવાના જળ સમાન છે.
તેમણે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આજે ભણતરના કારણે હું રાજકીય ક્ષેત્રમાં આ સ્તરે પહોંચી શકી છું, સમાજનો અવાજ બની શકી છું, સમાજની પ્રગતિ માટે કંઇક કરી શકવાની સ્થિતિમાં પહોંચી ચૂકી છું. જરૂર પડે તો સમાજના યુવાનોને દિશા પણ આપી શકું છું. હું ઇચ્છું છું કે આપણા સમાજની દરેક યુવતી અને દરેક યુવાન દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે આગળ વધે. આ બધા પહેલાં તે અંધશ્રદ્ધામાંથી બહાર આવે, વાતવાતમાં ભુવાઓની પાછળ જવાનું બંધ કરે, નહીં તો આ ભુવાઓનું બંધ કરાવવા મટે મારે ધૂણવું પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
