MANTAVYA Vishesh/ ગોંડલ શરૂ થાય છે ત્યાં ગુજરાતની સરહદ પૂરી થાય છે

ગોંડલ શરૂ થાય છે ત્યાં ગુજરાતની સરહદ પૂરી થાય છે, આ શબ્દો છે ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તો ગોંડલની સરહદે જ બોર્ડ મારી દેવા જોઈએ કે ગુજરાતની સરહદ અહીં પૂરી થાય છે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના નિયમો ગોંડલમાં લાગુ પડતાં નથી

Mantavya Vishesh
ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના નિયમો ગોંડલમાં લાગુ પડતાં નથી.

ગોંડલ શરૂ થાય છે ત્યાં ગુજરાતની સરહદ પૂરી થાય છે, આ શબ્દો છે ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તો ગોંડલની સરહદે જ બોર્ડ મારી દેવા જોઈએ કે ગુજરાતની સરહદ અહીં પૂરી થાય છે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના નિયમો ગોંડલમાં લાગુ પડતાં નથી.  હવે આને ભૂતપૂર્વ ધારાસભ્યોનો ગોંડલની સ્થિતિ અંગેનો વલોપાત કહેવો કે ગોંડલની સ્થિતિને લઈને આક્રોશ કહેવો તે તો ગોંડલના લોકો જ જાણે. આમ છતાં તેમની વાત મહદ્ અંશે સાચી પણ છે.

ગુજરાતનો કાયદો અને વ્યવસ્થાના નિયમો ગોંડલમાં લાગુ પડતાં નથી?

આ અગાઉ પણ ઘણા લોકો કહી ચૂક્યા છે કે ગોંડલમાં ગુજરાત રાજ્યનો કોઈ કાયદો લાગુ પડતો નથી. ગોંડલને જાણે ગુજરાતનું મિર્ઝાપુર હોય તેવી ઉપમા પણ અપાઈ ચૂકી છે. ગોંડલમાં ગુજરાત સરકારનું નહીં પણ એક પરિવારનું શાસન ચાલે છે અને તે છે જયરાજસિંહ જાડેજા અને હવે તેનો પુત્ર ગણેશ જાડેજા. કોઈ વિરોધી તેમનું નામ લેવાની હિંમત કરી શકતો નથી. તેમના બંગલા સામે નજર નાખનાર કે અવાજ કરનારના હાથપગ ખોખરા કરી નાખવામાં આવે છે. તેમની સામે અવાજ ઉઠાવનારનો અવાજ પછી ક્યારેય સંભળાતો નથી તેવો આક્ષેપ લલિત વસોયાએ કર્યો હતો.

આમ મિર્ઝાપુર તો ખાલી ઓટીટી સીરીઝ હતી, પણ ગુજરાતનું ગોંડલ તો જાણે જીવતું જાગતું મિર્ઝાપુર છે. જો કે આ પ્રકારનો બળાપો કાઢનારા લલિત વસોયા એકલા જ નથી, અગાઉ ગોંડલના જ જાણીતા વકીલ મેહુલ બોઘરા પણ જાડેજા પરિવારના આ દબદબા સામે બળાપો કાઢી ચૂક્યા છે. તેઓનું કહેવું છે કે આખા ગોંડલમાં જાડેજા કુટુંબનો ખોફ છે, લોકો તેના નામથી થરથરે છે, ગોંડલમાં કોઈપણ સરકારી કામ તેની મરજી વગર થઈ શકતું નથી, દરેક સરકારી કામમાં તેનો હિસ્સો ફિક્સ હોય છે. સરકારના નાણા પણ જાડેજા કુટુંબ પાસે થઈને જ વહીવટીતંત્ર સુધી પહોંચે છે. તેમનો દબદબો એવો છે કે આ બાજુ ફરકવાની હિંમત તેમના શાસક પક્ષના સભ્યો પણ કરતાં નથી, પછી વિરોધીઓની તો વાત જ શું કરવી.

થોડા સમય પહેલા અલ્પેશ કથીરિયા અને જિગિશા પટેલે ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારના પગલે ગોંડલનો પ્રવાસ ખેડ્યો હતો, પરંતુ તેમના પર ગણેશ જાડેજાના સમર્થકોએ હીચકારો હુમલો કર્યો હતો. જો પોલીસ પ્રોટેકશન ન હોત તો તેમને જીવ બચાવવો ભારે પડી ગયો હોત. ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની તો જયરાજ જાડેજાના કુટુંબ સામે કોઈ કારી ફાવી નથી. તેથી હવે આમ આદમી પાર્ટીમાંથી જિગિષાબેન પટેલ મેદાનમાં ઉતર્યા છે. તે ગામેગામ ખૂંદવા લાગ્યા છે.

આમ છતાં ગોંડલને નજીકથી જાણનારા સ્થાનિકો અને રાજકીય સમીક્ષકોનું કહેવું છે કે જયરાજસિંહના દબદબા આગળ બીજા દરેકનો પાવર પાછો પડે છે. તેઓની તાકાત જ અહીં એટલી છે કે બીજો કોઈ ઉમેદવાર તેમની સામે ઊભા રહેવાની હિંમત કરી શકતો નથી, કદાચ હિંમત કરી લે તો પણ તેનો પરાજય નિશ્ચિત હોય છે. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગોંડલના જાડેજા કુટુંબ વગર શાસક પક્ષને ચાલે તેમ નથી. સૌરાષ્ટ્રની ચાવી જાણેં ગોંડલના એક જ કુટુંબ પાસે આવી ગઈ હોય તેમ લાગે છે. 

ગુજરાતમાં ગોંડલ એવું સ્થળ છે જ્યાં કાયદો અને વ્યવસ્થા જયરાજસિંહના ઘરમાંથી નીકળે છે અને ત્યાં જ પૂરી થાય છે. એક વખત તમે ગોંડલમાં દાખલ થયા પછી જયરાજસિંહનો જ કાયદો અને તેની જ વ્યવસ્થા, ગુજરાત સરકાર જેવું ત્યાં કશું જ નથી. ગોંડલની પોલીસ પણ જયરાજસિંહની જાણે તાબેદાર. છેક રાજકોટ સુધી આવી જ વ્યવસ્થા ચાલે છે. આ બતાવે છે કે એક ધારાસભ્યનો પ્રભાવ કેવો હોય છે. ઘણા બધા લોકો ગોંડલ પર આ એક જ કુટુંબના પ્રભાવને તેની માફિયાગીરી કહે છે

તેની સામે જયરાજસિંહ એન્ડ કંપની આ પ્રભાવને પોતાનો માનતી જ નથી. તેમનું કહેવું છે કે ગોંડલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના કારણે લોકોનો અમારા પ્રત્યેનો પ્રેમ છે. આ લોકશાહી છે, આજે એક રાજકીય પક્ષ અમને ચાર-ચાર વખત ટિકિટ આપે અને ચૂંટાઈ આવીએ છીએ તો તે કંઈ માફિયાગીરીથી થોડા ચૂંટાઈ આવીએ છીએ. અમારી સામે દર વખતે જુદાં-જુદા ઉમેદવાર ઊભા રહ્યા તો પણ અમે જીત્યા. અમે જે પક્ષમાં છીએ તેમણે જ નિર્ણય કર્યો કે દરેકને એક જ ટિકિટ મળશે તો અમારા આખા કુટુંબમાંથી એક જ ટિકિટ મળી, તેથી મારા બદલે પછી મારી પત્નીને ટિકિટ મળી. હવે જો મારા વિરોધીઓ દાવો કરે છે તેમ મારું જ ચાલતું હોત તો હું જ ચૂંટણી લડતો ન હોત.

આ તો રાજકીય પક્ષ અને રાજકારણ છે, તેમા તો પક્ષનું હાઈકમાન્ડ કહે તેમ જ થાય. ગોંડલમાં મારા કરેલા સેવા કાર્યોના કારણે ગોંડલની પ્રજા મને સન્માન આપે છે. બાકી આજના યુગમાં કહેવાય છે કે ભાઈ ભાઈનો નથી થતો ત્યાં આ રીતે કોઈ બીજાને સન્માન ન આપે. કોઈ બીજાની શેહમાં પણ ન રહે. કદાચ રહે તો એક કે બે વર્ષ હોય કે પાંચ વર્ષ હોય, પરંતુ આવી ઉન્મુક્ત લોકશાહીમાં કોઈ એક શહેરને તમે દાયકાઓના દાયકાઓ સુધી કોઈ દબાવીને રાખી શકે, જરા પણ નહીં. લોકોના કામ કરો તો લોકો સન્માન આપે જ છે. હવે અમને મળતું સન્માન બીજા કોઈને દાદાગીરી લાગે, અમારો અહમ લાગે તો તે તેનો વિષય છે.

અમે બીજા કોઈને અમારી સામે ચૂંટણી લડતા રોક્યા નથી. અમે બીજા કોઈને ગોંડલની પ્રજાનું ભલુ કરતાં રોક્યા નથી. અમે પણ ઇચ્છીએ છીએ કે ભાઈ બીજા લોકો આગળ આવે અને પ્રજાનું ભલું કરે, તેમનો વિકાસ કરે. પણ બીજા લોકોને ફક્ત જયરાજને અપશબ્દો કહેવા છે, પરંતુ તેમને ગોંડલનું ભલું કરવું નથી. આના કારણે લોકો વધારે ઉશ્કેરાય છે. લોકોને એમ જ થાય છે કે તમે વાતે-વાતે જયરાજસિંહ જાડેજાને વચ્ચે શું કામ લાવો છો. તમે ગોંડલના વિકાસના કોઈ નક્કર આયોજન સાથે આવ્યા છો તો તેની વાત કરો, દરેક વાતમાં જયરાજસિંહ જાડેજાને વચ્ચે લાવીને કામ ન કરવાની છટકબારી ન છોડો. આ તો ફક્ત જાહેરાતો કરવી, કામ કરવા નહીં અને દરેક નિષ્ફળતાનો ટોપલો જયરાજસિંહના માથે ઢોળવો.

આવું કરનારા તત્વો સામે પછી ગોંડલની પ્રજા વીફરે છે. બહારના લોકો આવે છે, આવીને વટાણા વેરીને જતા રહે છે, કશું જ રચનાત્મક કરતાં નથી, અમારાથી થાય તેટલું અમે કર્યુ છે તો તેની અમને ઇર્ષા આવે છે અને અમારા પર ખોટા આરોપ મૂકે છે. આખું ગોડંલ દરેક માટે સામાજિક સેવાથી લઈને પ્રજાકીય સેવા કાર્યો સહિત બધા માટે ખૂલ્લુ છે, કોઈને અહીંને આવીને લોકોના ભલા માટે જે કરવું હોય તે કરે, અમને જાણ કરે તો અમે પણ તેને બને તેટલી મદદ કરીશું. પણ અમારી વિનંતી છે કે તેઓ કંઇક કરે, ખાલી થૂંક ન ઉડાડે. નહીંતર ગોંડલની પ્રજા તેમને માફ નહીં કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: DGP  વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો