Ahmedabad News : ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6208ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો. ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ વિમાનમાંથી એક ટીશ્યૂ પેપર મળ્યું હતું, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યું લખાણ લખેલું હતું.
બોમ્બની ધમકીને પગલે ફ્લાઈટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું
આ અંગે એરલાઈન્સ દ્વારા તરત જ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. પરિણામે CISF, સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફ્લાઈટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફ્લાઈટમાં 140થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમને સુરક્ષા માટે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.
ફ્લાઈટ સાંજે 7 વાગ્યે સુરક્ષિત રીતે અમદાવાદ Airport પર લેન્ડ કરવામાં આવી હતી. તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી. લગભગ સંપૂર્ણ તપાસ બાદ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેથી મુસાફરો અને એરપોર્ટ પ્રશાસને હાશકારો અનુભવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મોપા (GOX)થી અમદાવાદ (AMD) આવતી ફ્લાઈટમાં સુરક્ષા સંબંધિત સંકેત મળ્યો હતો. વિમાનને પ્રોટોકોલ મુજબ સુરક્ષિત રીતે લેન્ડ કરાયું હતું અને તમામ જરૂરી તપાસ કરવામાં આવી છે. આ ઘટનાથી એરપોર્ટની સામાન્ય કામગીરી પર કોઈ અસર પડી નથી.”
અમદાવાદમાં બોમ્બ થ્રેટની શ્રેણી યથાવત
ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની સ્કૂલો, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેલ દ્વારા મળી હતી. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ધમકીભર્યા ઈ-મેલ હોટમેલ અને એટોમિક મેલ જેવા પ્લેટફોર્મથી મોકલવામાં આવ્યા હતા, જે બાદમાં હોક્સ મેલ હોવાનું સ્પષ્ટ થયું હતું.

સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, “તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંયથી બોમ્બ મળ્યો નથી. આ ઈ-મેલ માત્ર ભય ફેલાવવા માટે મોકલાયા હતા.”
વડોદરા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી

આ ઉપરાંત વડોદરા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો Email મળતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં કચેરીની કામગીરી ફરી શરૂ કરાઈ હતી.
