Amreli News : અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં દીપડાના હુમલામાં 2 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના દલખાણિયા રેન્જના હીરાવા બીટના રાજસ્થળી રેવન્યૂ વિસ્તારમાં વહેલી સવારે બની હતી. મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પરપ્રાંતીય મજૂરોમાં ભયનું વાતાવરણ સર્જી રહી છે.
રાજસ્થળી રેવન્યૂમાં મનુભાઈ લખમણભાઈ શેલડિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો રાત્રે સૂતા હતા. આ દરમિયાન દીપડાએ બે વર્ષના બાળક બીટુ સુંદરસિંહ મીનાવાને ઉઠાવી લીધો અને તેને ફાડી ખાધો હતો. મૃતક બાળક બીટુ સુંદરસિંહ મીનાવા (ઉંમર 2 વર્ષ) મધ્યપ્રદેશના રતન ઢોલા, હનુમાનધારનો રહેવાસી હતો. ઘટનાની જાણ થતાં જ દલખાણિયા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. દીપડાને પકડવા માટે વન વિભાગે તાત્કાલિક કવાયત હાથ ધરી છે.
સતત રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ હવે પોતાના ઘર પાસે CCTV કેમેરા લગાવવાની શરૂઆત કરી છે. જેના કારણે સહેલાઈથી દીપડાની હાજરી કેમેરામાં કેદ થાય છે, જેથી તેઓ વન વિભાગને જાણ કરીને પાંજરા પૂરવાની વાત કરે છે. આ પગલા ભરવાથી જાગૃતિના કારણે દીપડા પકડાવવામાં વન વિભાગને સહેલાઈ થાય છે.
અગાઉ 19મી જાન્યુઆરી 2025ના ગીર ગઢડા (Gir Gadhada) તાલુકાના જંગલ સરહદે આવેલા કોડિયા ગામમાં રાત્રે શિકારની શોધમાં નીકળેલા એક માનવભક્ષી દીપડાએ બે અલગ અલગ ઘરોના વરંડામાં સૂતેલા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. કોડિયા ગામની સીમમાં એક ઘરના વરંડામાં સૂતા એક વ્યક્તિ પર દીપડાએ હુમલો (Leopard Attack) કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું, જ્યારે દીપડાના હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો: મધરાત્રે કાળ બનીને આવ્યો દીપડો, હુમલામાં એકનું મોત, અન્ય વ્યક્તિ ઘાયલ
આ પણ વાંચો: નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો
આ પણ વાંચો: વલસાડના ધરમપુરમાં દીપડો વૃધ્ધાને ઉઠાવી જતા સ્થાનિકોમાં ફફડાટ
