છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓ અને રખડતા શ્વાન તંત્ર સહિત લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. રહેણાક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ત્રાસ અને વસ્તી વધતી અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ત્યારે આવામાં શ્વાન કરડવાના બનાવો વધવા વચ્ચે અમરેલીમાં એક 3 વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે માસુમના મોતથી માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
દામનગર શહેરમાં ઢસા રોડ ઉપર આદિવાસી પરિવાર વાડીમાં કામ કરવા માટે ભાગિયું રાખી રહે છે. તેમનો પરિવાર ખેતીકામ કરતો હતો. ત્યારે 3 વર્ષીય બાળક ત્યાં રમતો હતો. આ દરમિયાન અહીં પાંચ જેટલા શ્વાન આવી ચડ્યા હતા અને બાળક પર હુમલો કરી દીધો હતો. શ્વાને આ બાળકને ઢસડીને ચૂંથી નાખ્યો હતો. બાળકની ગરદનની ડાબી બાજુ તથા ડાબા કાન પાસે માથાના ભાગે તથા પીઠના ભાગે શ્વાને બચકાં ભરી લીધાં હતાં. જેથી બાળક લોહીલુહાણ થઈ ગયો હતો.
ગંભીર ઇજાઓને પગલે બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે, ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવાર દ્વારા દામનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવને લઈ માહિતી આપતા પોલીસ પણ દોડી ગઈ હતી. સમગ્ર તપાસમાં શ્વાનના આતંકથી મોત નીપજ્યાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
મહત્વનું છે કે આ અગાઉ સુરતમાં શ્વાન કરડવાની અનેક ઘટના સામે આવી હતી. સુરતના ખજોદ વિસ્તારની બાળકી પર રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. શ્વાને એક બાદ એક 10-15 નહીં પરંતુ 40 બચકા ભરીને તેને અધમુઈ કરી નાખી હતી. જોકે ત્રણ દિવસ સુધી જીવનનો જંગ લડતી આ માસૂમનું આખરે મૃત્યુ થયું હતુ. તબીબોની એક ટીમ દિવસ રાત બાળકીની સારવારમાં જોડાયેલી રહી હતી. પરંતુ બાળકીના જીવને બચાવવાના તમામ પ્રયાસો અપૂરતા સાબિત થયા અને તબીબોને પણ હાથ માત્ર નિરાશા લાગી.
આ પણ વાંચો:અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કેસ, જામીન રદ્દ થતાં કર્યું સરેન્ડર
આ પણ વાંચો:ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર
