અસમંજસ/ તાપીમાં ડૂબેલા બાળકો કેસમાં નવો વણાંક : કોઈ કહે બાળકો ડૂબ્યાં તો કોઈને ડૂબાડયા હોવાની શંકા

બાળકોએ પાડોશીની પાણીની પાઇપલાઇનમાં પ્લાસ્ટિકની કોથળી નાખી દીધી હતી. જેથી પાણીની સપ્લાય બંધ થઈ હતી અને આ બાબતે પાડોશીઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી.

Top Stories Gujarat Surat
તાપી

સુરતના કોઝવેમાં શુક્રવારે તાપી નદીના પટમાં બે બાળકો અને એક કિશોરી તાપી નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર ફાયટરોને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયરના જવાનો દ્વારા તાપી નદીના પાણીમાં ડૂબેલા બાળકોની શોધખોળ કરવામાં આવી હતી. બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને 12 વર્ષીય સગીરાનું મૃતદેહ આજે વહેલી સવારે મક્કઈ પુલ પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ બાળકોના મોતને લઇ પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે. જો કે આ ઘટનામાં એક નવો જ વણાંક આવ્યો છે. બાળકોના મોત અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં રાંદેર વિસ્તારમાં ઈકબાલ નગર ઝુપડપટ્ટીમાં 7 વર્ષનો મહંમદ કરમ અલી શાહ, 8 વર્ષનો મહંમદ શહાદત અલી શાહ 8 વર્ષ તેમના પરિવારની સાથે રહેતા હતા. આ બંને બાળકો 14 વર્ષની સાનિયા બાનું સાથે શુક્રવારે બપોરના સમયે કોઝવેમાં કપડાં ધોવા માટે ગયા હતા. તે સમયે બે બાળકો કોઝ વેની ડાઉન સ્ટ્રીમમાં રમી રહ્યા હતા. તે સમયે નદીના પટમાં પાણીનો ભરાવો થતાં બાળકો ડૂબવા લાગ્યા હતા. તાપીના પટમાં ભરતીના પાણીમાં આ બાળકો ડૂબી ગયાં હોવાની જાણ ફાયર વિભાગને થઈ હતી અને ફાયર કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

ફાયરના જવાનો દ્વારા પાણીમાંથી બાળકોના મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી તે સમયે બે બાળકોના મૃતદેહ રાત્રે મળી આવ્યા હતા. પણ 14 વર્ષની સાનિયા બાનુનો મૃતદેહ મળ્યો નહોતો. જો કે ફાયરના જવાનોની શોધખોળ દરમિયાન બીજા દિવસે વહેલી સવારે મક્કઇ પુલ પાસેથી સાનિયા બાનુનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાને લઈને કરમ અલી અને શહાદત અલી નામના બાળકોના પરિવારના સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે, તેમને બે દિવસ પહેલા પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો. કારણ કે, બાળકોએ પાડોશીની પાણીની પાઇપલાઇનમાં પ્લાસ્ટિકની કોથળી નાખી દીધી હતી. જેથી પાણીની સપ્લાય બંધ થઈ હતી અને આ બાબતે પાડોશીઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી અને તેના એક દિવસ બાદ જ આ ઘટના બની એટલે પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે, પાડોશીઓ દ્વારા તેમના બાળકોને આ રીતે પાણીમાં ડુબાડવામાં આવ્યા હોઈ શકે છે. બે બાળકોના મોતને લઈને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે.

તો બીજી તરફ 14 વર્ષની સાનિયા બાનુના પિતા ફારૂક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો કે આ કોઈ કાવતરું નથી પરંતુ અકસ્માતે આ ઘટના બની છે. દીકરી કપડાં જોવા ગઈ હતી અને તે સમયે તેનો પગ લપસ્યો હોવાના કારણે આ સમગ્ર ઘટના બની છે. આમાં કોઈ પર આક્ષેપ લગાવવો જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા છે પરંતુ બંને પરિવારના સભ્યો અલગ અલગ વાતો કહી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસની તપાસ બાદ જ હકીકત સામે આવશે કે, ખરેખર ઘટના શું હતી.

આ પણ વાંચો : સુરતની તાપી નદીમાં ત્રણ બાળકોના ડુબવાથી મોત : રોજ નદીમાં રમતા બાળકો આ રીતે ડૂબ્યા પાણીમાં