મુઝફ્ફરપુર,
બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૪૦ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ CM નીતિશ કુમારે આ ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપી હતી, ત્યારે હવે આ મામલે CBI એ કેસ નોધ્યો છે.
આ મામલે પોલીસ દ્વારા અત્યારસુધીમાં ૧૦ આરોપીને પકડવામાં આવ્યા છે.આ દોષીઓમાં શેલ્ટર હોમના અધિકારીઓ અને કર્મચારીઓ શામેલ છે.
જો કે આ મામલાની ખાસ વાત એ છે કે, રેપ કેસ મામલે FIR નોધાયાના બે મહિના બાદ ડોકટરોની એક ટીમેં શેલ્ટર હોમ પહોચીને તપાસ કરી છે. આ તપાસમાં ડોકટરોએ ઉપયોગમાં લેવાયેલી ૬૩ દવાઓ અને ડ્રગ્સના રેપર્સની એક યાદી બનાવી છે. આ તમામ દવાઓનું પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત નિષ્ણાંતોની ટીમે છોકરીઓના કપડા અને એક કોમ્પ્યુટર પણ જપ્ત કર્યું છે.
આ મામલે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને અત્યારસુધીમાં કરાયેલી મેડિકલ તપાસમાં ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાની પૃષ્ટિ થઇ છે.
વિપક્ષે લગાવ્યા આ આરોપ
બીજી બાજુ, આ ઘટનાને લઈ વિરોધી પક્ષોએ પણ મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજીનામું આપવા માટે માંગ કરી હતી અને આરોપ લગાવ્યા હતા કે, આરોપીઓને હજી સુધી કેમ રિમાન્ડ પર લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત આરોપ લગાવ્યા હતા કે, સરકાર આરોપીઓને બચાવી રહી છે અને તપાસ યોગ્ય રીતે થવા દેતી નથી.
આ ઘટના ક્યારે સામે આવી ?
આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૨૯ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.