હદ કર દી આપ ને!/ મર્સિડીઝ લઇને ‘ફ્રી રાશન’ લેવા પહોંચ્યો માણસ, પછી જે બન્યું તે જાણીને તમે પણ કહેશો કે..

એક તરફ લોકોને ભૂખ સંતોષવા માટે ભોજન નથી મળી રહ્યું તો બીજી તરફ મર્સિડીઝમાં સસ્તા રાશનની બોરીઓ લાદવામાં આવી રહી છે

Top Stories India
10 9 મર્સિડીઝ લઇને 'ફ્રી રાશન' લેવા પહોંચ્યો માણસ, પછી જે બન્યું તે જાણીને તમે પણ કહેશો કે..

કોરોનાના સમયગાળા દરમિયાન, સરકારે ગરીબોને મદદ કરવા માટે મફત અનાજનું વિતરણ કર્યું હતું. કોઈ ગરીબ ભૂખ્યા ન સૂવે, તેથી તેમને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે. આ દરમિયાન પંજાબના હોશિયારપુરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે ગરીબી રેખા નીચેનું કાર્ડ લઈને એક વ્યક્તિ મર્સિડીઝમાં સસ્તું અનાજ લેવા પહોંચે છે. તે મર્સિડીઝની ડીકીમાં ઘઉંની બોરીઓ ભરે છે. નોંધનીય છે કે  BPL ક્વોટામાં પ્રતિ કિલો રૂ. 2 અનાજ મળે છે.

જેણે પણ આ વીડિયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક તરફ લોકોને ભૂખ સંતોષવા માટે ભોજન નથી મળી રહ્યું તો બીજી તરફ મર્સિડીઝમાં સસ્તા રાશનની બોરીઓ લાદવામાં આવી રહી છે. નોંધનીય છે કે બીપીએલ પરિવારોને ખૂબ જ સસ્તા દરે એટલે કે 2 રૂપિયા પ્રતિ કિલોના દરે રાશન આપવામાં આવે છે.

જ્યારે મર્સિડીઝ લઇને આવેલી વ્યક્તિને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે આ તેની કાર નથી. વ્યક્તિનું કહેવું છે કે જેની પાસે મર્સિડીઝ છે તે વિદેશમાં રહે છે અને કાર તેની જગ્યાએ પાર્ક કરેલી છે. તેણે કહ્યું કે આ ડીઝલ કાર છે તેથી તેને થોડા દિવસોમાં એકવાર સ્ટાર્ટ કરવી જરૂરી છે. આ વ્યક્તિની ઓળખ રમેશ સૈની તરીકે થઈ છે. અહેવાલો અનુસાર રમેશે કહ્યું કે તે ગરીબ છે અને તેના બાળકો પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે.

 મર્સિડીઝનો નંબર પણ VVIP હતો. જ્યારે રાશનની દુકાનના માલિકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સરકારનો આદેશ છે કે જેની પાસે બીપીએલ કાર્ડ છે તેને રાશન આપવું પડશે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે 1 ઓક્ટોબરથી લોટ અને દાળની ફ્રી ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. લોકોના રેશનકાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં ફ્રી સ્કીમને લઈને ચર્ચા ચાલી રહી છે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે મફત રેવડી દેશના પ્રામાણિક કરદાતાઓના નાણાંનો બગાડ કરે છે અને અર્થતંત્ર માટે સંકટ પણ સર્જી શકે છે. તેમની ટિપ્પણી સીધી આમ આદમી પાર્ટી માટે હતી. અરવિંદ કેજરીવાલ મફત યોજનાઓને ખુલ્લેઆમ સમર્થન આપે છે.