Cricket/ રોહિત શર્માએ તોડ્યો સચિન તેંડુલકર અને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ,વિરાટ કોહલીની કરી બરાબરી

રોહિતે T20 ઈન્ટરનેશનલમાં 28 અર્ધસદી અને ચાર સદી ફટકારી છે. આ મામલામાં તેણે વિરાટ કોહલીના સર્વોચ્ચ ફિફ્ટી પ્લસ સ્કોરના રેકોર્ડની બરાબરી કરી હતી

Top Stories Sports
8 10 રોહિત શર્માએ તોડ્યો સચિન તેંડુલકર અને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ,વિરાટ કોહલીની કરી બરાબરી

એશિયા કપમાં શ્રીલંકા સામેની સુપર-4 મેચમાં રોહિત શર્માએ 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. એક સમયે ભારતે 13 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે 97 રનની ભાગીદારી કરી હતી. રોહિતે આ મેચમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા.

T20 ઇન્ટરનેશનલમાં તે તેનો 32મો 50-પ્લસ સ્કોર હતો. રોહિતે T20 ઈન્ટરનેશનલમાં 28 અર્ધસદી અને ચાર સદી ફટકારી છે. આ મામલામાં તેણે વિરાટ કોહલીના સર્વોચ્ચ ફિફ્ટી પ્લસ સ્કોરના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટે T20 ઈન્ટરનેશનલમાં 32 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે.

આ સિવાય રોહિતે એશિયા કપની 31 મેચમાં 29 સિક્સર ફટકારી છે. એશિયા કપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. આ મામલામાં તેણે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો. આ પહેલા આફ્રિદી ટોપ પર હતો. તેણે એશિયા કપમાં 26 સિક્સર ફટકારી હતી. રોહિત બાદ એશિયા કપમાં સુરેશ રૈનાએ સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે 18 સિક્સર ફટકારી હતી.

આ સિવાય રોહિત એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર પણ બન્યો હતો. તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. સચિને એશિયા કપમાં 970 રન બનાવ્યા હતા. રોહિત એશિયા કપમાં 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય અને એકંદરે ત્રીજો બેટ્સમેન બન્યો. રોહિતે અત્યાર સુધી 30 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. સનથ જયસૂર્યા તેમનાથી આગળ છે. જયસૂર્યાએ 1220 રન બનાવ્યા હતા. આ સાથે જ કુમાર સંગાકારા 1075 રન સાથે બીજા નંબર પર છે.

એશિયા કપમાં રોહિતનો આ નવમો ફિફ્ટી પ્લસ સ્કોર હતો. આ મામલે તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. એશિયા કપમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે. તેણે 12 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે