Not Set/ પેશાવરમાં શીખ હકીમની ગોળી મારી હત્યા કરવામાં આવી

સરદાર સતનામ સિંહ (ખાલસા) તેમના ક્લિનિકમાં હતા ત્યારે હુમલાખોરો તેમની કેબિનમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો

World
PAKISTAN 2 પેશાવરમાં શીખ હકીમની ગોળી મારી હત્યા કરવામાં આવી

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પેશાવરમાં ગુરુવારે અજાણ્યા બંદૂકધારીઓએ એક શીખ હકીમને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું  કે હકીમ સરદાર સતનામ સિંહ (ખાલસા) ને ચાર ગોળી વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરો સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. સિંઘ શહેરના ચારસત્તા રોડ પર ક્લિનિક ચલાવતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે હકીમ સરદાર સતનામ સિંહ (ખાલસા) તેમના ક્લિનિકમાં હતા ત્યારે હુમલાખોરો તેમની કેબિનમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. પોલીસ આતંકવાદની શક્યતા સહિત અન્ય એન્ગલથી પણ  તપાસસી રહી છે.
પેશાવરમાં લગભગ 15,000 શીખો રહે છે, જેમાંથી મોટા ભાગના વ્યવસાય કરે છે અને કેટલાક ફાર્મસી ચલાવે છે. વર્ષ 2018 માં પણ પેશાવરમાં ગુનેગારો દ્વારા એક શીખ ચરણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે ન્યૂઝ એન્કર રવિદ્ર સિંહની પેશાવરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અગાઉ 2016 માં એક નેતા સોરેન સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

2017 ની વસ્તી ગણતરી મુજબ, લઘુમતી સમુદાયમાં પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે. પછી ખ્રિસ્તીઓ છે. પાકિસ્તાનમાં શીખ, અહમદી અને પારસી પણ લઘુમતી છે.

ભારત સતત પાકિસ્તાનમાં લઘુમતીઓને નિશાન બનાવવાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. 24 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને જવાબ આપતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ કહ્યું હતું કે, આતંકવાદીઓ તેમના (ઇમરાન ખાન) દેશમાં મુક્તપણે પ્રવેશી શકે છે, જ્યારે સામાન્ય લોકો ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકોનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે.