ચારિત્રહીન શિક્ષક પોતે કરેલી ભૂલનો સ્વિકાર લેખિતમાં કરી ચૂક્યો છે
ગુરુ નામને કલંકિત કરનાર વિરુદ્ધ DPEO શું એક્શન લેશે તેના પર સૌની નજર
ચુડા તાલુકાના કુડલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ લંપટ શિક્ષકે છેડતી કર્યાંની આચાર્ય, ટીપીઓ અને ડીપીઓને લેખિત રજૂઆત કરી ચારિત્રહીન શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. લંપટ શિક્ષકે મતિભ્રમ થવાથી શિક્ષીકાની છેડતી કર્યાંનો સ્વિકાર કરી લીધો હોવા છતાં તેના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી નહીં થતાં શિક્ષિકાએ ચુડા પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ચુડાના કુડલા ગામની પ્રા.શાળામાં શિક્ષિકા તા.26 ફેબ્રુઆરી-2019થી મદદનીશ શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષિકા તા.22 એપ્રિલે સવારે 8થી 8:30 વાગ્યા વચ્ચે ઓનલાઈન ક્લાસ લેવા આચાર્યની ઓફિસમાં પોતાનો મોબાઈલ લેવા ગયા હતા. ઓફિસમાં શિક્ષક હેમુ પુનાભાઈ ભાલોડીયા હાજર હતો. લંપટ શિક્ષકે શિક્ષિકાનો હાથ પકડી અહીં કોઈ નથી. કોઈ ઈચ્છા હોય તો કહો સહિત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી શિક્ષિકાની છેડતી કરી અઘટિત માંગણી કરી હતી.
કુડલાના સરપંચે જિ.શિક્ષણાધિકારીને પત્ર લખી શિક્ષિકા સામે કુ-દ્રષ્ટિ કરનાર ચરિત્રહીન શિક્ષક પાસે બાળકો કેવાં પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરશે તેવો સવાલ કર્યો. શિક્ષિકા અને વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લંપટ શિક્ષકની બદલી કરવા માંગ કરી હતી. ચારિત્રહીન શિક્ષક હેમુ ભરવાડે પ્રા.શાળાના આચાર્યને માફી પત્ર લખીને મતિભ્રમ થવાથી શાળાના જૂનિયર શિક્ષિકાની છેડતી કરી હોવાનો સ્વિકાર કર્યો હતો.
લંપટ શિક્ષક હેમુ ભરવાડે છેડતી કર્યાંનો લેખિતમાં સ્વિકાર કરી લીધો હોવા છતાં તેના વિરુદ્ધ કોઈ ખાતાકીય કાર્યવાહી હાથ નહીં ધરાતાં આખરે શિક્ષિકાને કાયદાનો સહારો લેવો પડ્યો હતો. શિક્ષિકાએ ચુડા પોલીસ મથકે છેડતી કરી અઘટિત માંગણી કરનાર શિક્ષક હેમુ પુનાભાઈ ભાલોડીયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ગુરુના નામને કલંકિત કરનાર લંપટ શિક્ષક વિરુદ્ધ જિ.શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા ભરે છે તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.