જીએસટીનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો છે ત્યારથી કાયદો અને તેની અમલવારીમાં વિસંગતતા જોવા મળી રહી છે.કેટલીક વહીવટી કામગીરીમાં વેપારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે વેપારીઓ સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. વેપારીઓને જે પ્રકારની હેરાનગતિ ઓ થાય છે તેના ડઝનેક જેટલા મુદ્દાઓ કરવેરા નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
મુદ્દા નંબર 1
વેટ કાયદા હેઠળ આકારણી થયેલ નથી અને નમૂના 205 માં જે રિફંડ દર્શાવાયેલ છે તે રિફંડ ચુકવાયેલ નથી. રૂ. 100,000/- થી ઓછી રકમની આકારણી ન કરવા માટે કમિશનર સ્તર પર થી સૂચનાઓ અપાયેલ હતી તેથી તેવા કોઈ વેપારીઓના આકારણી ના “ટાસ્ક” ન જનરેટ થયા જેઓએ પત્રકે રૂ. 100,000/- થી ઓછું રિફંડ ક્લેમ કરેલ હોય.
મુદ્દા નંબર 2
વેટ કાયદા હેઠળ આકારણી ન થયેલ હોવાથી રિફંડ ખાતા પાસે પેન્ડિંગ છે તેવામાં માત્ર કેન્દ્રીય વેચાણ વેરા કાયદા હેઠળ આકારણી કરી તેમાં જો કોઈ ડિમાન્ડ ઉપસ્થિત થઇ તો, તેની પર વ્યાજ અને (અમુક કિસ્સામાં) દંડ પણ આકારાયેલ છે.
મુદ્દા નંબર 3
વિવાદ અરજી તબક્કે મનાઈ હુકમની અરજી કરાયેલ છે, 20% પ્રાથમિક ભરણું ભરી આપેલ છે તેમ છતાં મનાઈ હુકમની અરજીની સુનાવણી પેન્ડિંગ છે અથવા સુનાવણી થઇ ગઈ છે અને મનાઈ હુકમ આવવાનો બાકી છે તેવા તબક્કામાં રિકવરી કરવામાં આવેલ છે. આ રિકવરી એવા સંજોગોમાં પણ થાય છે જે સંજોગોમાં ઉપરોક્ત હકીકતોની જાણ સ્થાનિક અધિકારીઓને કરાયેલ હોય.
મુદ્દા નંબર 4
સામાન્ય રીતે આકારણી હુકમની બજવણી કલાર્કો દ્વારા કરવામાં આવે છે અને બહુધા હુકમો રૂબરૂ વ્યવસાયિકોને જ બજાવવામાં આવે છે. ગત સીઝનમાં કોરોનાના કારણે વ્યવસાયિકો કચેરીએ રૂબરૂ ગયેલ ન હતા તેથી બહુધા આકારણી હુકમોની બજવણી પેન્ડિંગ છે. અનેક હુકમો RPAD કરાયેલ છે પરંતુ વેપારીઓની ધંધાની જગ્યા પણ બંધ હોય તે બજેલ નથી. આકારણી હુકમ તથા ડિમાન્ડ નોટીશની કાયદેસરની બજવણી થઇ છે કે નહિ તે ચેક કર્યા વગર રિકવરી કરવામાં આવે છે.
મુદ્દા નંબર 5
વ્યાજ રાહત યોજના હેઠળ અથવા અન્ય રીતે ડિમાન્ડનું સંપૂર્ણ ચુકવણું થઇ ગયેલ છે તેમ છતાં રિકવરી કરવામાં આવે છે.
મુદ્દા નંબર 6
વિવાદ અરજી તબક્કે મનાઈ હુકમ મળી ગયેલ છે જેની જાણ સ્થાનિક અધિકારીઓને કર્યા છતાં તેઓ દ્વારા રિકવરી કરવામાં આવે છે.
મુદ્દા નંબર 7
જ્યારે રિકવરી માટે બેન્ક એટેચમેન્ટ વગેરે પગલાઓ લેવામાં આવે છે ત્યારે તે પહેલા કોઈ વેપારીઓનું દફતર કે આકારણી ફાઈલ ચકાસવામાં આવતી નથી બહુધા કિસ્સામાં ચલન ક્લાર્ક પાસે રૂબરૂ દાખલ કરેલા હોવા છતાં ક્લાર્ક દ્વારા તેની નોંધ નથી કરવામાં આવતી નથી.
મુદ્દા નંબર 8
રેકર્ડ ઉપરની ભૂલને હિસાબે અમુક કિસ્સામાં વેપારીઓએ રેક્ટીફિકેશનની અરજી કરેલ હોય છે. જે કિસ્સામાં વેપારી એ રેક્ટીફિકેશનની અરજી કરેલ હોય તો તેના નિકાલ જલ્દી કરવામાં આવતો નથી અને રિકવરી કરવામાં આવે છે.
મુદ્દા નંબર 9
આકારણી માં 100/- રૂપિયાની ડિમાન્ડ ઉપસ્થિત થયેલ છે; એ પછી ફેર-આકારણી કરવામાં આવી અને પછી રૂ. 10/- રૂપિયાની ડિમાન્ડ રહી. હવે SMS અને ઇમેઇલ 110/- રૂપિયાના આવે છે.
મુદ્દા નંબર 10
GST રજીસ્ટ્રેશન અરજીના નિકાલ બહુ મોડો થાય છે. દરેક (100 માંથી 90 કિસ્સામાં) અરજી કરનારને ડેફિસિયન્સી મેમો આપવામાં આવે છે અને અનેક વખત કેસને સુસંગત ન હોય તેવા પુરાવાઓ માંગવામાં આવે છે. દા. ત. કોરોનાને કારણે મૃત્યુ પામેલ ના ટ્રાન્સફરી જ્યારે નંબર મેળવવા અરજી કરે ત્યારે મૃત્યુ પામનારનો ટ્રાન્સફરી સાથેનો સંબંધ અથવા મૃત્યુ પામનાર રજીસ્ટર વેપારી હતા કે નહિ તેની સાબિતી માંગવામાં આવે છે.
મુદ્દા નંબર 11
રજીસ્ટ્રેશન એમેન્ડમેન્ટ અરજીમાં બહુ વિચિત્ર પુરાવાઓની માંગણી થાય છે. દા.ત. ધંધાના નામમાં ફેરફાર કરેલ હોય ત્યારે ધંધાની જગ્યાના પુરાવા માંગવામાં આવે છે.
મુદ્દા નંબર 12
રજીસ્ટ્રેશન નંબરની અરજીમાં જ્યારે આધાર ઓથેન્ટિકેશન ન થયું હોય ત્યારે સ્થળ તપાસ ફરજીયાત છે “પરંતુ કોરોના છે અમારે બહાર જવું હાનિકારક છે આથી સ્થળ તપાસમાં અમે અમારી ફુરસતે આવીશું” તેમ કહી સ્થળ તપાસનો રિપોર્ટ બહુ મોડો રજુ કરવામાં આવે છે અને ત્યાં સુધી વેપારીની રજીસ્ટ્રેશન અરજીનો નિકાલ થતો નથી.